છેલ્લા બે વર્ષના ગાળામાં કોરોના વાયરસ જન્ય મહામારીએ જીવનશૈલીમાં ધરખમ પરિવર્તન આણ્યું છે. લગભગ બે કરોડથી પણ વધારે સ્ત્રી-પુરુષ, બાળકો ને વૃધ્ધજનો ને ભરખી જનાર કોવિડ-19 ને લઈને મોટા માનસિક આઘાત સહેવા પડ્યા છે. આ ભસ્માસુરે આપણને એકબીજાથી શારીરિક દૂર રાખવા અને દૂરીથી જ નમસ્કાર કરવાની ટેવ ફક્ત ભારતીયોમાં જ નહી પણ અન્ય સાંસ્કૃતિક વારસામાં ઉછેરેલા લોકોમાં પાડી દીધી છે. કોઈ ખાંસે કે છીંક ખાય કોવિડકાળના ભયજનક ચિત્રો આંખ સામે આવી જાય છે, મનમશ્તિષ્કમા છવાઈ જાય છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક, મનોરંજન તંત્રજ્ઞાન અને ગ્રાહકની મનોવૃત્તિમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે.
શિક્ષણ : શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં બે વર્ષ સુધી તો ઓનલાઈન શિક્ષણની બોલબાલા હતી. નવી નવી તંત્રજ્ઞાનની પધ્ધતિઓ અપનાવી બાળકો, વાલીઓ – ખાસ કરીને માતાઓ , શિક્ષકોએ ધરખમ કોશિશો કરી કેબાળકોનું ભણવાનું છૂટી ના જાય. મોટા પ્રમાણમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આંખે ચશ્મા આવી ગયા . કોવિડકાળ પશ્ચાત્ પણ 40% શિક્ષણ ઓનલાઈન 60% શિક્ષણવર્ગ માં એવી નવી ફોર્મુલા આપણા દેશે અપનાવી છે. એક ફાયદો on line શિક્ષણનો એ થયો છે કે વિશ્વ ના કોઈપણ ખૂણામાં વસેલ વિદ્વાન – વિદુષી – વિશેષજ્ઞ ને આપણે on line પ્લેટફોર્મ પર જોઇ સાંભળી – ચર્ચા કરી શકીએ છીએ. બીજું એ કે એક વ્યક્તિ થી માંડી હજારો વ્યક્તિ ઓ સુધી વાર્તાલાપ કરી કરી શકાય છે. મોટી ઉંમરના લોકો પણ આમાં જોઇ શકે છે, જે પહેલા કાર્યક્રમ માં ભાગ લેવા દૂર પ્રવાસ કરવો પડતો ,તે હવે ઘેરબેઠા માણી શકાય છે. આજની નવી પેઢી ખૂબ નાની વયથી કમ્યુટર અને અન્ય તંત્રજ્ઞાનને સહેલાઈથી અપનાવીલે છે.
સ્વાસ્થ્ય : કોવિડના કડવા અનુભવ પછી રોજબરોજના જીવનમાં સ્વચ્છતા અંગે ખૂબ કાળજી લેવાય છે. જાહેરસ્થળો જેવા કે સિનેમાઘરો, ટ્રેનો, પ્લેટફોર્મ, શાળા- કોલેજ , હોસ્પીટલોમાં સફાઈ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ ને અડ્યા પછીતે બહાર જોઇ આવ્યા પછી નાગરિકો અચૂક રીતે હાથ ધૂએ છે. કોવિડની આચાર સંહિતા પાછી લેવાયા પછી પણ આપણે લોકોને માસ્ક પહેરેલા જોઈએ છીએ . ખાવા- પીવાની બાબતમાં પણ આપણે ચીવટ જોઈએ છીએ. ગરમપાણી પીવું નાસ લેવો, વિવિધ પ્રકારના સૂપનું સેવન કરવું, ગરમ પીણા- હર્બલ ચા ઉકાળો, કારવા, કાઢો ઇત્યાદિ ને પ્રાધાન્ય આપવું અને થોડા થોડા દિવસે તબિયતની સ્થિતિ અંગે તપાસ કરાવવી. પોતાની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જેથી રોગચાળો પ્રસરે નહીં એ બાબતે લોકોમાં જાગૃતિ આવી છે.
સામાજિક જીવન : પોતાના પાસ- પડોશ, મિત્રમંડળ, સ્નેહીજનો અને સગાંવહાલામાં કોવિડને લઈને થયેલ મૃત્યુના કિસ્સાઓ સાંભળી અને અનુભવી ને લોકોમાં નજીકના લોકોના સંપર્ક માં રહેવાની ટેવ આવી છે. જે
વડીલો પહેલાં સ્માર્ટ ફોનથી ડરતા તેઓ પણ મોબાઈલ વાપરતા થઈ ગયા છે જેથી સ્નેહીઓના સંપર્ક માં રહી શકે. ઘણાં મધ્યમવર્ગી ઘરોમાં ઘર સફાઈ માટે રોબોટ, વીજળી સાથે જોડાયેલ ઉપકરણોનું સંચાલન કરવા એલેક્સા, વાસણ સાફ કરવાના મશીનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા માંડ્યો છે. નાગરિકો ગર્દીવાળા બજારોમાં જવાને બદલે એમેઝોન, ફિલ્પકાર્ટ અને અન્ય ઈ- કોર્મસ ના માધ્યમો દ્વારા શાકભાજી,-ફળ-ફળાદિ, અનાજ, વસ્ત્રો,, ઉપકરણો ને સફાઈ નો સામાન ખરીદતા થઈ ગયા છે. કોવિડ ના જુવાળ માં જે રીતે એકલતાવાળા જીવન જીવવાની ટેવ પડી ગઈ તેના પડછાયા વર્તમાન પરિસ્થિતિ માં પણ જોવા મળેછે.
મનોરંજનના સાધનો : કોવિદકાળ કાળ પહેલાં બાગબગીચામાં જવું, સિનેમા જોવા જવું, પ્રવાસમાં નીકળી પડવું કે મોટા મોટા મેળાવડામાં ભાગ લેવો ખૂબ સહજ હતો. આજે બંને ત્યાં સુધી પ્રેક્ષકો પોતાના ટી. વી. સેટ પરજ ફિલ્મો, નાટકો – મનોરંજનના કાર્યક્રમો જોવાનું પસંદ કરે છે. આ ઓછું ખર્ચાળ પણ છે. કોવિડકાળના લોકડાઉન દરમ્યાન ઘણાં પરિવારો માં બેરોજગારી વધી ગઈ હતી, માટે પણ મનોરંજનના ખર્ચમાં કપાત આવે તે વ્યાજબી જ છે. મોટા મોટા સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો માં હવે હજારોની સંખ્યામાં લોકો નથી દેખાતા પણ બધા મોટા કાર્યક્રમો માં hybrid તરીકે એટલે કે રૂબરુ આવેલા સહભાગીઓ સાથેસાથે On line પણ કાર્યક્રમનું સંચાલન દેખાડી શકાય એવી સગવડ કરી આપવામાં આવે છે જેથી હાજર રહી નાશકે તેઓને પણ કાર્યક્રમ માણવાનો લાભ મળે. ઘણાં બધા કલાકારો, સર્જકો, કવિઓ, લેખકો પોતાની અભિવ્યક્તિ માટે હવે YouTube, WhatsApp, Telegram, Signal, face book, Twitter Messages જેવા સામાજિક માધ્યમોનો ઉપયોગ કરે છે. ઘણાં બધા સામયિકો, પુસ્તકો, ગીતો હવે વિનામૂલ્યે લાખો લોકો સુધી સ્માર્ટ ફોન નોટપેડ, કમ્પ્યુટર થકી પહોંચી જાય છે. હવે આપણે બધાં જ કવિ, લેખક, સંપાદક, અભિનેતા, ગાયક, શિક્ષક, ચિત્રકાર, ફોટોગ્રાફર, ફિલ્મસર્જક બની ગયા છીએ. આપણાં બધામાં રહેલ આંતરિક સર્જનાત્મકતાને આપણાં સામાજિક માધ્યમોએ અભિવ્યક્તિ માટે દ્વાર ખોલી આપ્યા છે.
મહિલાઓને અનેક કામ કરવાની ટેવ : લોકડાઉન દરમ્યાન ઘેર બેઠા પોતાની નોકરીનું કામ કરવાની આવશ્ક્યતા ઊભી થવાનો લઈને અને ઘરમાં રસોઈથી માંડી બાળકોના ભણતર, માંદાની,માવજત, સ્નેહીજનોનો ફોન પર સંપર્ક અને ઓફિસનું કામ કરવાને લઈને એક બાજુ ઘરના અન્ય સભ્યોને પણ ઘરકામ કરવાનીટેવ પડી,તો બીજી બાજુ , જયાં બહેનો પર કામનો અસહ્ય બોજો પણ વધ્યો અને કુટુંબીઓનો એ સાથસહકાર ન આપ્યો ત્યાં પારિવારિક હિંસાએ પણ માઝા મૂકી .સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ વાસ્તવિકતાને “ કોવિડ ના પડછાયાવાળી મહામારી” તરીકે ઓળખાવી. આજે વિશ્વંભર માં ‘ અવેતન સેવા કાર્ય’ અંગે મોટી ચર્ચા ચાલી રહી છે. રસોઈ કરવી, સફાઈ કરવી, માંદાની સંભાળ રાખવી, બાળઉછેર, વડીલો નીસેવા જેવી જવાબદારીઓને લઈને ભણેલી – ગણેલી બહેનો પણ પોતાની કારકિર્દી માં નથી ખૂંપી જતી. આ ઘટના ભારતમાં સૌથી મોટી જોવા મળે છે.
આખરે પ્રશ્ન ઉઠે છે કે સમાજના બધા જ ક્ષેત્રમાં સ્ત્રીઓ અને પુરુષો સાથે મળીને જવાબદારી કેમ ન અદા કરી શકે? ડોક્ટર, વકીલ, આર્કિટેક્ટ, ચાર્ટર એકાઉંટન્ટ એંજિનિયરની પદવીધારી મહિલાઓ દેશના વિકાસમાં પોતાની આવડતને લગાડે તો બધાંને ફાયદો છે. પોતાનું ભણતર દીપે, કુટુંબમાં આવક આવે, સમુદાય માટે આદર્શ પ્રાપ્ત થાય, રાજ્ય અને દેશના દેશના આર્થિક વિકાસને વેગ મળે. માટે જ કોવિડ કાળ પછી આજના યુગમાં વિચાર વલોણું સમાન અવસર, સમાન વ્યવહાર, લિંગભાવી ન્યાયના મુદ્દાઓને વિશ્વ આર્થિક મંચ, સંયુક્ત રાષ્ટ્ર સંઘથી માંડી G-20 જેનું પ્રમખત્વ ભારત સરકારને અપાયુંછે ત્યાં પણ ગંભીર રૂપે ચર્ચા થઈ રહી છે. આપણે બધાં તંદુરસ્ત સમાજ બનાવવા મથી રહ્યા છીએ ત્યારે આપણી સામે પડકાર રૂપ મુદ્દાઓની અહીં ચર્ચા કરી છે.