*અર્થ :*
ઝાંખો પ્રકાશ આપતો દીવો; મંદ પ્રકાશવાળી ચીમની.
*ઉપયોગ :*
અંધકારમાં પ્રકાશ અર્થે.
પહેલાંના વખતમાં દીવા પછીનું સ્થાન ટમટમિયાનું આવતું. આમ જોવા જઈએ તો ટમટમિયું એ પણ એક પ્રકારનો દીવો જ છે, છતાં તે દીવાથી થોડું જુદું પડે છે. દીવામાં બળતણ તરીકે તેલ કે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આપણે કેરોસીનનો ઉપયોગ કરી શકતા નથી. કેમકે તેલ કે ઘી ઢોળાવાથી કોઈ ચિંતા રહેતી નથી. પરંતુ જો તેમાં કેરોસીન પૂરવામાં આવે ને ભૂલેચૂકે તે ઢોળાઈ જાય તો સળગવાની ભીતિ રહે છે.આથી આ સમસ્યાના નિવારણ માટે કદાચ ટમટમિયાની શોધ થઈ હશે.
ટમટમિયું મોટેભાગે લોખંડનું કે પતરાનું બનાવવામાં આવતું. તેની નાની ટાંકીમાં કેરોસીન પૂરવામાં આવતું. ઉપરની બાજુથી નાની કાણાવાળી ભૂંગળીથી તેને આંટા દઈ બંધ કરી દેવામાં આવતું. ઉપરની સાંકડી ભૂંગળીમાં રૂની કે કપડાની વાટ પરોવવામાં આવતી અને પછી એને પેટાવો એટલે તે પોતાના ઝાંખા પ્રકાશથી ઓરડાને પ્રકાશિત કરી દેતું.
આવાં ટમટમિયાં ઘરે જાતે પણ બનાવી શકાતાં. ખાલી પતરાંના ડબ્બા કે કાચની નાની બાટલીઓનાં ઢાંકણાં પર કાણું પાડી તેમાં રબર ટ્યુબ કે ભૂંગળી ભરાવી ટમટમિયાં બનાવવામાં આવતાં.
*સમસ્યા :* ટમટમિયાની મોટી સમસ્યા એ છે કે તેમાં કેરોસીન ભરવામાં આવતું હોવાથી, તેના વધુ પડતા ઉપયોગથી આંખોમાં બળતરા થાય. વળી, દીવાલો પર કાળાશ પણ જામે.
છતાં પણ ટમટમિયું હાથમાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય. તેમાંથી બળતણ ઢોળાવવાની કોઈ ચિંતા જ નહીં. ગામડાનો પરિવેશ ધરાવતી વાર્તાઓમાં ટમટમિયું શબ્દ અચૂક વાંચવા મળશે..