ના હોય…

નલિની ગીલીટવાળા

February 7, 2023

વિષય : નવાઇ

પ્રકાર : લઘુવાર્તા

શીર્ષક: ના હોય …

૩૫ વર્ષની શિક્ષક તરીકેની નોકરી કરી નિવૃત્ત થયા પછી જાની સાહેબનો રોજનો એક નિયમ હતો કે સાંજે થોડા બિસ્કિટ અને ચોકલેટ લઇ બગીચામાં પહોંચી જવું. બાગમાં રમતા બાળકોને ચોકલેટ આપી ખુશ કરતા અને બાગમાં ફરતા રખડતા કુતરાઓને બિસ્કિટ ખવડાવતા, ત્યાર બાદ થોડા આંટા મારી એક બાંકડે બેસતા.

ધીમેધીમે એ બાંકડા પર બેસવા તેમના જેવા જ બે ત્રણ નિવૃત્ત મિત્રો આવવા લાગ્યા. બધા મિત્રો અલક મલકની વાત કરતા. ગીતો ગાતા અને હસીખુશીથી સમય પસાર કરતા હતા. જાની સાહેબ ક્યારેક આ મિત્રો માટે નાસ્તો પણ લાવતા .તેમના આ બધા મિત્રોમાં એક મિત્ર નામે નટવરલાલ ભારે ટીખળી હતો.

રોજ કોઇ ને કોઇની ફિલ્મ ઉતારતો. આમ છતાં બધાં તેને સહન કરી લેતા .

એક દિવસ એ નટવરલાલે ટિખળમાં કહ્યું કે “ હું કાલે ન આવું તો તમે મને કેવી રીતે યાદ કરશો? મારી ચિંતા કરશો કે મને ગાળો દેશો?” જાની સાહેબે તેને આવું ટિખળ કરતા રોક્યા .

કાગનું બેસવું ને ડાળનું પડવું …

બીજે દિવસે સાચે જ નટરવરલાલ ન આવ્યા . એક દિવસ … બે દિવસ … અરે એક અઠવાડીયું થયું તો પણ ના આવ્યા . હવે બધાને ચિંતા થવા લાગી . કોઇ પાસે તેમનો ફોન નંબર પણ ન હતો. બધા નટવરલાલ વિષે જાત જાતની કલ્પના કરવા લાગ્યા .એવામાં એક અજાણ વ્યક્તિ આવી અને જાની સાહેબને સંબોધીને કહ્યું,

“ અહીં તમારી સાથે રોજ આવતા ધોળા વાળ વાળા અને ધોળા કપડાવાળા દાદાની વાત કરો છો? તમારે જાણવું છે તે અત્યારે ક્યાં છે? “

હા..હા.. બધા સાથે બોલી ઉઠ્યા . ત્યાં પેલી અજાણ વ્યક્તિએ છાપામાં નટવરલાલનો ફોટો બતાવી કહ્યું  ,” આમને પોલીસ  શોધી રહી છે.તેમણે ખૂન કર્યું છે.”

“ના હોય … બધાં નવાઇ પામ્યા .

આ દાદા તો ભલા માણસ હતા.તે આવું કરે જ નહીં.”

પેલી વ્યક્તિ બોલી , “ તમને વધુ નવાઇ તો એ સાંભળીને લાગશે કે તેમણે ખુદ પોતાના  જ દિકરાનું ખૂન કર્યું છે. અને ક્યાંક જતા રહ્યા છે.”

“પણ … પોતાના દીકરાનું ખૂન શા માટે કરે? “ બીજા મિત્રે પુછ્યું.

પેલા અજાણ્યા માણસે કહ્યું,”અરે તે ખૂન ન કરે પણ સ્વ બચાવ તો કરે ને? પાંચ દિવસ પહેલાં જ તેમના એકના એક દીકરાએ તેમની બધી જાયદાદ આપવાનો ઇન્કાર કરતાં દીકરો તેમને મારવા આવ્યો ત્યારે સ્વ બચાવમાં દીકરાને ધક્કો માર્યો. ને દીકરો નીચે પછડાયો .. માથામાં ખૂબ વાગ્યું ને બ્રેન હેમરેજ થતા મરણ પામ્યો. ત્યારથી આ દાદા ભૂગર્ભમાં જતા રહ્યા છે.અને પોલીસ તેમને શોધી રહી છે.”

જાની સાહેબ અને તેમના મિત્રોને આ સાંભળી ખૂબ નવાઇ લાગી અને બોલી ઉઠ્યા  …. “ શુ જમાનો આવ્યો છે? લોહીના સંબંધોને કળીયુગ ભરખી ગયો !!

નલિની ગીલીટવાળા

બીલીમોરા