રામકલી આરોપીની જગ્યાએ ઉભી રહીને,સુનમુન થઈને જજ સામે જોતી હતી. સરકારી વકીલ જુસ્સાભેર દલીલ કરતા હતા.
“નામદાર, આ હત્યારી છે. તેણે ઠંડે કલેજે તેના પતિની હત્યા કરી છે. તે સમગ્ર નારીજાતી માટે કલંક સમાન છે.
રામકલીના કાનમાં આ શબ્દો ગુંજી રહ્યા. છેક બાળપણથી આ શબ્દો તેના કાન પર હથોડાની જેમ અથડાતા હતા. હવે તે તેના તન-મનમાં એક શૂળની જેમ ભોંકાઈ ગયેલા.
સમજણી થઇ ત્યારથી તે દૂરની કાકીના મેણાં- ટોણા સાંભળતી આવેલી. “આ છપ્પરપગી
જન્મી ત્યાં મા-બાપને ખાઈ ગઈ. મારે માથે પડી છે. કોને ખબર ક્યારે આ બલા ટળશે?” કાકા એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા. પાંખી આવકમાં પોતાના ત્રણ સંતાન અને રામકલી સાથે છ જણનું પૂરું ન થતું. આને કારણે રામકલીના ભણતરનો સવાલ જ નહોતો. તેને ઘરનું બધું કામ કરવું પડતું એટલુજ નહિં પણ નાની ઉંમરેજ તેને બીજા ઘરના કામ કરવા માટે પણ જોતરવામાં આવેલી.
તેર વર્ષની થઇ ત્યારે દેવામાં ડુબેલા કાકાએ તેને બાંકેલાલ સાથે પરણાવી દીધી. લગ્ન પ્રસંગે કુટુંબમેળો ભેગો થયો ત્યારે રાતે અચાનક જાગી ગયેલી રામકલીના કાને કાકીના શબ્દો પડેલા “આ અભાગણી જશે એટલે મારું કાંઈક સારું થશે, મા-બાપને ભરખી ગઈ અને હવે…”
કુટુંબના એક વડીલ મહિલાએ કાકીની વાત કાપતા કહેલું. “એના મા-બાપ એમના પોતાના પાપે મરેલા. બાપ લુચ્ચો – લબાડ હતો. મા પણ ઓછી માયા નહોતી. બેય જણા સગાનાં ઘરમાં ચોરી કરતા રંગે હાથે પકડાયેલા. ડરીને ભાગ્યા અને સામેથી આવતી ટ્રક બેયનો કોળિયો કરી ગઈ. એમાં આ બચારી છોકરીનો શું વાંક?”
રામકલી આ વાત સાંભળી ડઘાઈ ગયેલી. સાથેજ તેને પ્રશ્ન થયેલો “મારો શું વાંક?
લગ્ન થયાં ત્યારથી રામકલી નરકમાં જીવતી હતી. બાંકે ટ્રક ડ્રાઈવર હતો. ટ્રક લઈને ન ગયો હોય ત્યારે તેના શેઠની હાઈવે પરની હોટલ સંભાળતો. હોટલની પાસેની ઓરડીમાં બાંકે અને રામકલી રહેતા.
બાંકે ચિક્કાર દારૂ પીતો અને રામકલીને અસહ્ય ત્રાસ આપતો. દિવસ આખાનું વૈતરું કરીને, બાંકેની ગાળો, અપમાન અને માર સહન કરીને થાકેલી રામકલીને રાતે બાંકેની વાસનાનો શિકાર બનવું પડતુ. દારૂ અને પરસેવાની દુર્ગંધ મારતા બાંકેના શરીરમાંથી તેની વાસનાનું ઝેર રામકલીમાં ઠલવાતું ત્યારે રામકલીની વેદનાની, સહનશક્તિની, સીમા આવી જતી. તેનું રોમેરોમ ઠંડી આગથી સહેમી જતું.
આ જુલમના પરિણામે રામકલીને એક દીકરી થઇ. બાંકે બહુ ગુસ્સે થયેલો “કમજાત, મુઝે બેટા ચાહિયે થા,યે કરમજલી કિસીકો સુખ નહિં દેતી.”
રામકલી આજુબાજુના ઘરમાં કામ કરીને ઘર ચલાવતી. દીકરીને ભણાવવાના – સુખી કરવાના સપના જોતી ત્યારે એ વાત જ તેને આ નરકમાં શીળી છાંય જેવી લાગતી.
દીકરી પાંચ વર્ષની થઇ ત્યારે તેને નિશાળે દાખલ કરાવવા માટે રામકલીએ મહામહેનતે પૈસા બચાવેલા. બાંકેની નજર આ રકમ પર પડી અને ઝાપટ મારીને તેણે પૈસા છીનવી લીધા.
“મુન્નીકો પઢાનેકે લિયે બડી મુશ્કિલસે ઇક્કઠે કિયે હૈ” રામકલી કકળીને બોલી.
“ચલ હટ, બેટા તો દે નહિં પાતી ઔર બેટીકો પઢાને ચલી હૈ.” બાંકે રામકલીને એક થપાટ મારીને ઘરની બહાર નીકળી ગયો. રામકલી સમસમીને બેસી રહી. તેના રોમરોમમાં કાંઈક બરફ જેવું ઠંડુગાર છવાતું જતું હતું.
મોડી રાતે સાથીદારો સાથે દારૂ પીવા બેઠેલા બાંકેની બુમ સંભળાઈ “સાલી કુત્તી, કબસે નાસ્તા માંગ રહા હું, કહાં મર ગઈ કમજાત?” રામકલી સફાળી બેઠી થઇ ગઈ અને ભજીયા લઈને ઓરડીમાં ગઈ. નશામાં ધુત મેલી નજરો તેના શરીરને ગીધ માફક નહોર – ચાંચ ભરાવી નોચતી હોય તેવો અહેસાસ થતો હતો. ત્યાં એક હાથ એની કમર પર અથડાયો.
“અરે બાંકે, ક્યા મલાઈ રખી હૈ અપને ઘરમે, કભી હમે ભી ચખને દો” એક કામુક અવાજ સંભળાયો.
“જબ ચાહે ચાટ લો યાર, અપના હિ માલ હૈ.” બાંકેના જવાબથી ગલીચ હાસ્ય ઉત્પન્ન થયું. કોઈએ રામકલીનો દુપટ્ટો ખેંચ્યો. તે ફફડીને ભાગી આવી. એક અધકચરું વાક્ય કાને અથડાઈને સમગ્ર શરીરમાં જલદ તેજાબ રેડી ગયું.
“અભી બચ્ચી ભી બડી હોને લગી હૈ. ઉસકી માંકી તરહ ઉસકો ભી……”
મોડીરાતે, બધાના ગયા પછી પણ, બાંકેનું પીવાનું ચાલુ હતું. તેણે બુમ પાડી. “અરે કમજાત, સોડા ખતમ હો ગઈ હૈ. જલ્દીસે ઠંડીવાલી લે કે આ..ફટાફટ..”
રામકલી ડીપ ફ્રીજ પાસે ગઈ. ઠંડા પીણાની બાટલીઓ નીચે સોડાની બોટલ હતી. તેની પર બરફનું જાડું પડ જામી ગયેલું અને બોટલ પત્થર જેવી સખત થઇ ગયેલી. રામકલીનો હાથ બોટલ આસપાસ વીંટળાયો. ઠંડીનું લખલખું તેના રોમરોમમાં ફરી વળ્યું..
સવારે બાંકેનો મૃતદેહ તેની ઓરડીમાંથી મળી આવ્યો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એ તારણ નીકળ્યું કે બાંકેના માથા પર થયેલા કોઈ બોથડ વસ્તુના પ્રહારથી તેનું મોત થયેલું. સવારથી સાંજ પોલીસે તપાસ કરી પણ હત્યારાના કોઈ સગડ મળ્યા નહિં.
સાંજે પોલીસની ટુકડી હોટલ પર બેસીને કેસ વિષે વાત કરતી હતી. બાહોશ ઇન્સ્પેકટર પરમાર સોડાની બોટલ હાથમાં રમાડતા બોલ્યાં “એકવાર આ હત્યા માટે વપરાયેલું હથિયાર મળી જાય તો ખુનીનો પત્તો તરત મળી જાય. મને લાગે છે હથિયાર આપણા હાથવેંતમાં છે, ફક્ત આપણને મળતું નથી.! ” શકના આધારે રામકલીની ધરપકડ કરવામાં આવી અને કેસ ચલાવવમાં આવ્યો.
રામકલી આરોપીની જગ્યાએ ઉભી રહી સુનમુન થઈને જજ તરફ જોતી હતી.
જજ સુનંદાબેને વકિલની દલીલો અને સાક્ષીઓની જુબાની સાંભળી. વચ્ચે વચ્ચે એ રામકલીની સામું જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઇ જતા હતાં. તેમણે રામકલીનો કેસ ધ્યાનપૂર્વક સાંભળેલો અને પોતે જાત તપાસ કરીને સઘન માહિતિ મેળવેલી.
કોર્ટમાં એક કલાકની રીસેસ જાહેર કરી સુનંદાબેન પોતાની ચેમ્બરમાં ગયાં. પોતાના જીવનના અમુક પાના તેમની આંખ સામે ફરકી ગયાં. પોતાના લગ્નજીવન અને રામકલીના લગ્નજીવન વચ્ચે ફરક કદાચ શારીરિક હિંસા અને અભદ્ર ભાષાનો જ હતો ને?
સુખી લગ્નજીવનના સપનાના ખંડિત ટુકડા છેલ્લા એક દાયકાથી પોતાના અસ્તિત્વમાં ઓગાળી,સ્વમાનભેર, સ્વતંત્ર રીતે જીવતા સુનંદાબેન સમાજ માટે એક ઉદાહરણ બની રહેલા.
ચેમ્બરથી બહાર આવીને ભરી કોર્ટમાં સુનંદાબેને પોતાનો ફેંસલો સંભળાવ્યો
“પોલીસ અને સરકારી વકીલ હત્યા કોણે કરી છે તે સાબિત નથી કરી શક્યા . ઘાતક હથિયાર મળ્યું નથી. આ અને બીજા અનેક કારણો ધ્યાનમાં રાખીને અદાલત એ નિર્ણય પર પહોંચી છે કે રામકલી નિર્દોષ છે. ચુકાદાના પેપર પાસે રાખેલ પોતાની ડાયરીમાં તેમણે સ્પષ્ટ, મોટા અક્ષરે, ભારપૂર્વક લખ્યું “નિર્દોષ, નિષ્કલંક”…..
રામકલી સુનમુન થઈને જજ સામે જોતી હતી. તે આછું હસી કે મને એવો આભાસ થયો?