લો, અમે તો ચાલ્યાં ……….
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમની કરતાલે ….
રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે
ટમટમ ટમકે અક્ષર જાણે, નભને તારે તારે
લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે.….
મબલક અઢળક ઘેરી-ઘેરી, વરસ્યાં નવલખ ધારે
વાંકા કાંઠા તોડી દોડ્યાં, ઉરસાગરને નાદે
તટનાં ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે પાંખે
લો, અમે તો ચાલ્યાં પાછાં શબદને સથવારે…
હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે
જૂઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે
સચરાચરનો પાર પમાડે, શબ્દ બ્રહ્મની પાળે
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમની કરતાલે ….…