સંતાકુકડી

નીતિન ભટ્ટ

April 27, 2023

અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્યો, પણ અદ્શ્ય છે સાવ.

સદીઓની આ સંતાકૂકડી, નથી ઉતરતો દાવ..        

ગોકુળ, મથુરા, દ્વારિકા દીઠાં, જમના જળમાં જોયું.

તીરથ, મંદિર, કથા, કીર્તન, ક્યાંયે મન ના મોહ્યું.

યશોદા, રાધા ક્યાંય ન દીસે, કોને કરવી રાવ?  સદીઓની આ…

હોમ, હવન, જપ અને તપ, ધરમ, ધ્યાન બહુ કીધાં

ગીતા, ભાગવત, પુરાણ, સ્તુતિ, સઘળાં વાંચી લીધાં

થાકી, હારી એને જ કીધું, કાંઈક મારગ બતાવ… સદીઓની આ…

મલકી કાનો કહેતો મને, કાં ઠાલા ફાંફા મારે?

મને ગોતવો સાવ સહેલો, ભેદ એ ઓછા જાણે.

જરાક ઝુકાવ માથું અને જો, પાસે જ છું હું સાવ..

સદીઓની સંતાકૂકડીનો, પળમાં ઉતરે દાવ…