હવાલદાર સાઠે પીઝાના મોટા મોટા કોળિયા મોઢામાં પધરાવી રહ્યા હતા ત્યારે જ ફોનની રીંગ વાગી. આસિસ્ટન્ટ કમિશનરનો ફોન હતો. આખી ચોકીમાં સોપો પડી ગયો. સાઠે ઉતાવળે કોળિયો ગળે ઉતારવા ગયો પણ ત્યાં તો ખેડેકરનો અવાજ સંભળાયો, “ક્યાં થયું છે?” પટેલ અને હાજર સર્વેને એ તો સમજાઈ જ ગયું કે ક્યાંક મર્ડર થયું છે અને તુરંત જ ભાગવાનું છે.
થોડીવારમાં જ સાયરન વગાડતી પોલીસ વાનમાં ઇન્સ્પેક્ટર ખેડેકર, સબ ઇન્સ્પેક્ટર પટેલ અને હવાલદાર સાઠેને લઈ ગ્રાન્ડ હોટેલ પર પહોંચી. હૉટલ મૅનેજર સંઘવી બહાર જ એમનું સ્વાગત કરવા ઉભા હતા અને જેવા બધા વાનમાંથી ઊતર્યા કે બધાને લઈ મૅનેજર અંદર લૉબીમાં ગયા. હૉટલના લગભગ બધા જ ગેસ્ટ ત્યાં જ હાજર હતા. કૅમેરાની જેમ ખેડેકર અને પટેલની આંખોએ બધાના ચહેરા જોયા અને દિમાગમાં કંડાર્યા. એક પણ ચહેરો જાણીતો નહોતો.
“ક્યાં થયું છે મર્ડર?” ખેડેકરે પૂછ્યું.
‘સર, તેરમા માળે.”
“રૂમમાં કે રૂમની બહાર?”
“રૂમમાં. રૂમ નંબર ૭૭૭.”
“તો ચાલો. લિફ્ટ ક્યાં છે?”
મૅનેજર ત્રણેયને લઈને લિફ્ટમાં પ્રવેશ્યા અને એમણે તેરમાં માળનું બટન દાબ્યું.
પટેલે પૂછ્યું, “કેમ તેરમો માળ? મર્ડર તો સાતમે માળે થયું છે ને!”
“ના. રૂમ નંબર ૭૭૭ તેરમાં માળે છે.”
પટેલ બરાડ્યા, “શું મજાક કરો છો? 13 મો માળ અને ૭૭૭ રૂમ નંબર? ઉલ્લુ કોને બનાવો છો?”
“ના સાહેબ, એ રૂમ તેરમા માળે છે. હું તો અહીં ફક્ત મૅનેજર છું. આ બધું તો આ હૉટલના માલિક મિસ્ટર છેડા નક્કી કરે છે. વળી જેનું ખૂન થયું છે એ પણ અમારા માલિકના દોસ્ત જ છે.” ખેડેકર અને પટેલે એકબીજા સામે સૂચક રીતે જોયું. તેરમાં માળે લિફ્ટ અટકી. બધા બહાર આવ્યા અને મૅનેજરની પાછળ પાછળ પેસેજમાં ચાલવા લાગ્યા. રૂમ નંબર ૭૭૭ની બહાર મૅનેજર અટક્યા અને ખુલ્લા બારણામાંથી બધા રૂમમાં પ્રવેશ્યા.
એક યુવાનનું શરીર કશેક દૂર-દૂર તાકતી ખુલ્લી આંખો સાથે પલંગ પર ફેલાયેલું પડ્યું હતું. પીળા કલરના નાઈટસૂટ પર લાલ રંગનું લોહી એકદમ આંખમાં આવતું હતું. સહેજ જમણી બાજુ ઢળેલા શરીરને કારણે લોહીએ વહીને પલંગ પર જમણી બાજુ જ કુંડાળું ફેલાવેલું હતું. પટેલે શર્ટ જરા ખસેડી ચેક કર્યું. છ ગોળીઓએ શરીરને વીંધી નાંખેલું હતું.
“કોઈએ ગોળીના અવાજ સાંભળ્યા હતા?” ખેડેકરે મૅનેજરને પૂછ્યું.
“હા. ઉપરાઉપરી ધડાકા સાંભળીને ઘણા રૂમની બહાર દોડી આવેલા.”
“એમણે કોઈને આ રૂમમાંથી બહાર જતાં જોયા?”
“ના.”
“કોઈ અહીંથી ભાગ્યું નહોતું?”
“તો તો દેખાય જ ને?”
“તમે અંદર કઈ રીતે આવ્યા? રૂમનું બારણું ખુલ્લું હતું કે બંધ?”
“ખુલ્લું.”
“એટલે ખૂન કરીને કોઈ ભાગી ગયેલું?”
“ના સાહેબ કોઈ ભાગ્યું નહોતું.”
“એટલે? ભાગ્યું નહોતું તો છે તો નહિ.”
“છે. બાજુના રૂમમાં છે.”
“વોટ? બાજુનો રૂમ એટલે?”
“એટલે રૂમ નંબર ૭૭૮”
ત્રણેય દોડીને બાજુમાં ૭૭૮ તરફ ગયા. રૂમમાં નજર નાંખતા જ ત્રણે જાણે કોઈએ સ્ટૅચ્યુ કહ્યું હોય એમ દરવાજામાં જ થીજી ગયા.
અંદર રૂમની વચ્ચોવચ ખુરશી મૂકી એક રૂપાળી લલના જાણે કોઈની રાહ જોતી હોય એમ બિરાજેલી હતી. આછા લીલા રંગનું ટોપ, બ્રાન્ડેડ જીન્સ અને મોંઘેરી સ્ટિલેટો પહેરેલી એ લલનાએ મોંઘીદાટ ઘડિયાળ પહેરેલી જમણા હાથની લાંબી આંગળીઓથી ચમકતી રિવૉલ્વરને લમણે તાકી રાખેલી હતી.
તરત જ ખેડેકર અને પટેલે પોતાની ગન એની સામે તાકી અને એ બંને કાંઈ બોલે એ પહેલા પેલી બરાડી,
“ખબરદાર, આગળ નહીં આવતા. લગ્ન કરવાની ના પાડી સાલાએ. ઠોકી દીધો.”
આટલું બોલી તરત જ એની આંગળીઓએ ટ્રિગર પર ભીંસ વધારી અને એક ધડાકો થયો. ખેડેકર, પટેલ, હવાલદાર અને હૉટલ મૅનેજર કાંઈ જ ન કરી શક્યા અને પેલી ખુરશીમાં જ ઢગલો થઈ ગઈ. પટેલ તરફ દોડ્યા અને પેલીના ગળા પર હાથ રાખ્યો.
માથું ધુણાવતાં ઊભા થતાં એમણે ખેડેકરને પૂછ્યું, “હવે સર?”
“ડૉક્ટરને બોલાવું?” મૅનેજરે પણ ખેડેકરને પૂછ્યું.
“ના, કોઈ જરૂર નથી હવે. મને એ કહો, આ બે કોણ હતા?”
“સર, બાજુના કમરામાં જે લાશ છે એ ધીરુ શાહની છે. અમારા માલિક મિસ્ટર છેડાના દોસ્ત. એ રૂમ હંમેશા એમના માટે જ બુક રહેતી.
“અને આ?”
“હું નથી ઓળખતો. પણ હા, વિઝિટર બુકમાં એમણે એમનું નામ શીલા લખેલું છે.”
“સાઠે જો તો આનું પર્સ મળે તો. પછી બંને રૂમ લોક કરી દો. ફૉરેન્સિક ટીમ આવતી જ હશે. કોઈ હલશે નહિ ત્યાં સુધી. કોઈ ક્યાંય અડશે પણ નહિ.”
“કેસ તો સોલ્વ થઈ ગયો ને હવે?” હવાલદારે પૂછ્યું પણ ખેડેકર અને પટેલના ડોળાએ તરત જવાબ આપી દીધો.
પાછા જતા બધા વાનમાં ગોઠવાયા અને વાન પોલીસ સ્ટેશનના રસ્તા પર દોડવા લાગી. પોલીસ સ્ટેશન પહોંચી આદુવાળી ચા પીધા બાદ ખેડેકર અને પટેલ બન્ને એકલા પડ્યા.
“પટેલ કાંઈ સમજમાં નથી આવતું. એક ખૂન, એક આત્મહત્યા. વળી શીલાના કપડા, ઘડિયાળ અને એની ભાષા.”
“એની ભાષા સર? એટલે?”
“એ કાંઈક છુપાવતી હતી એ નક્કી.”
“એણે તો ગુનો કબૂલેલો. ક્યાં છુપાવ્યું છે?”
“પટેલ, જો એને આત્મહત્યા જ કરવી હોય તો ૭૭૭માં ખૂન કર્યા બાદ તરત જ પોતાને કેમ ગોળી ના મારી દીધી? અથવા તો ૭૭૮માં જ્યાં એ બેઠેલી ત્યાં જ કેમ ગોળી ના મારી દીધી?”
“સર, ત્યાં જ તો ગોળી મારી હતી એણે પોતાને. ભૂલી ગયા? મને લાગે છે હજુ એક ચા મંગાવું.”
“ના, રહેવા દે. હું કશું કદી ભૂલતો નથી એ તું ભૂલી જાય છે કોઈકવાર. મારા કહેવાનો એ અર્થ છે કે એ પોતાને ગોળી મારતા પહેલા કોની રાહ જોતી હતી?”
“આપણી.”
“એ ખોટું બોલતી હતી.”
“સાચે?”
“જો એને ખબર જ હોય કે આપણે સચ્ચાઈ સુધી પહોંચી જ જઈશું. આપણે ત્યાં પહોંચીએ એ પહેલા જો એ આત્મહત્યા કરે તો આપણને ખોટા રવાડે કઈ રીતે ચડાવે? એટલે એ રોકાઈ, આપણને ગેરમાર્ગે દોરવા. જુઠ્ઠું કહ્યું અને પછી ગોળી ચલાવી. આ આપણે રોકી શક્યા હોત તો સારું થાત.”
પટેલના ફોનની ઘંટડી વાગી. હવાલદારનો ફોન હતો. પર્સ મળી ગયેલું અને ઍડ્રેસ પણ.
“પહોંચી જાઉં?” પટેલે પૂછ્યું અને ખેડેકરે હામાં માથું ધુણાવ્યું.
બીજા દિવસે સવારે પટેલ ખેડેકર સાથે વાત કરવા ખૂબ જ ઉતાવળા થઈ રહ્યા હતા. જેવા એ જરા ફ્રી થયા કે પટેલ એમની પાસે ગયા.
“સર, ખબર છે શીલાનું આખું નામ? શીલા ઘુમ્બારે. શું હાઈ સોસાયટીની લાગતી હતી! પણ કેવા એરિયામાં રહેતી હતી. સાવ નાની ચાલમાં. એ પણ ઠેઠ દહીસર. ઘરમાં ફર્નિચર તો ચાલી જેવું જ હતું પણ આશ્ચર્યની વાત એ કે એના કબાટ એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ વસ્તુઓથી ઉભરાતા હતા. ખાસ કરીને ઘડિયાળો. શોખીન જીવડો હતી એ.”
“મને એ જ શંકા હતી.”
“પણ કેમ? કઈ રીતે?”
“જો દેખાવ કેવો હતો એનો? અને ભાષા? ઠોક દિયા સાલે કો. એમ જ બોલી હતી ને? એના પરથી ખ્યાલ આવી ગયેલો. એના ઘરમાં કોણ કોણ છે?”
“એ ત્યાં તો એકલી જ રહેતી હતી. આજુબાજુવાળાને પૂછવાનો પણ કોઈ અર્થ ન સર્યો. કોઈને કાંઈ ખબર જ નહોતી શીલા વિશે.”
“એવું કેવી રીતે બને?”
“રાતની ડ્યૂટી કરતી. દિવસ આખો આરામમાં રહેતી હશે. ચાલીવાળા સાથે મેળમિલાપ નહોતો.”
“ડ્યૂટી ક્યાં કરતી એ?”
“એ ટુ ઝેડ કૉલ સેન્ટર. પાસબુકમાં દર મહિને પગાર ત્યાંથી જ જમા થતો.”
“ગન કોની હતી? એની?”
“ના સર. એ તો ધીરુ શાહની હતી. એમની પાસે લાઇસન્સ પણ હતું.”
“કાલે એ ટુ ઝેડમાં ઇન્ક્વાયરી કરો પટેલ.”
બીજા દિવસે સવારે પટેલ કોલ સેન્ટરમાં જઈ એના માલિક મિસ્ટર ચોપડાને મળ્યા.
“તમે કોઈ શીલા ઘુમ્બારેને ઓળખો?”
“હા. અમારે ત્યાં કામ કરે છે. કેમ?”
“તેણે એક ખૂન કરીને આત્મહત્યા કરી લીધી છે.”
“શું વાત કરો છો?”
મિસ્ટર ચોપડાને પરસેવો છૂટી ગયો. રૂમાલ કાઢી એ કપાળ પર, ગાલ પર રૂમાલ ફેરવવા લાગ્યો.
“કેમ આટલા ગભરાવ છો?”
“હું ક્યાં ગભરાઉં છું? હા પણ હું ડરી તો ગયો જ છું.”
“કેમ તમે કાંઈ કર્યું છે?”
“મેં શું કર્યું છે? મેં કશું નથી કર્યું. કર્યું તો શીલાએ છે ને?”
“તો પછી હું પૂછું એ બધું મને સાચે સાચું કહો.”
ચોપડાની પૂછપરછ કરી પટેલ પાછા જતાં હતાં ત્યારે ઑફિસમાં રાખેલા મસ્ટર પર એમની નજર પડી. એમણે શીલાના નામની સામે જોયું. એક પણ દિવસનો ખાડો નહોતો એનો આખા મહિનામાં. રોજ કામ પર આવેલી એ.
આ સાંભળી પોલીસ સ્ટેશનમાં ખેડેકર ચિડાયા. “એક પણ રજા નહિ? પણ એવું કેવી રીતે બને? કાલે અને આજે તો એ કામ પર નથી જ ગઈ આવી ને તો ત્યાં ઍબ્સન્ટ માર્કિંગ ના જોઈએ?”
પટેલે માથું કૂટ્યું, “મારા ધ્યાન બહાર જ ગયું આ.”
“જો પટેલ, શીલા નથી ગઈ તો પણ પ્રેઝન્ટ માર્ક કરેલું છે. કોઈ તો મળેલું છે એની સાથે. કદાચ મિસ્ટર ચોપડા જ. તો આવું થતું જ રહેતું હશે. એ કામ પર જાય કે ના જાય એની પ્રેઝન્ટ માર્ક થતી જ હશે.”
પટેલ ઉભા થઈ ગયા, “હમણાં જ પૂછી લઉં મિસ્ટર ચોપડાને.”
“કોઈ જરૂર નથી. એ તપાસ કરો કે કામ પર ના જાય ત્યારે એ ક્યાં જતી? અને એની આવી મદદ કોણ કરતું હતું? અને કેમ?”
“જી સર.”
“અને પટેલ ધીરુ શાહને ત્યાં તપાસ કરાવી. એની બૈરી બેહાલ છે.”
“બૈરી? શીલા તો કહેતી હતી એ ધીરુ શાહ સાથે લગ્ન કરવાની હતી.”
“એકલી બૈરી નહિ, બાળકો પણ છે.”
“શીલા ને આ ખબર હશે? કે પછી ખબર પડી હશે એટલે આવું કર્યું?”
“પટેલ હવે ધીરુ શાહનો વારો.”
“એટલે હું તપાસ કરવા ઉપર જાઉં?”
“ના. હૉટલના માલિકને પકડો. પૂછો એને કે ધીરુ શાહ કેવા કેવા કામ કરતો હતો કે ગન રાખવી પડે. વળી એ શીલા પછી કઈ રીતે પહોંચી હશે? એ તો ચાલો ઉપાડી લે. પણ આટલી પાસેથી એક ગોળી કાફી છે તો પછી એણે છ છ કેમ ચલાવી?”
“ગુસ્સો? નફરત?”
ત્યાં ફોનની ઘંટડી વાગી. ખેડેકરે ઉપાડ્યો, “હા બોલો, શું જાણવા મળ્યું? છ ગોળી? ખબર છે. આગળ? હં હં..અચ્છા અચ્છા… હેં?”
ખેડેકરે ફોન મૂક્યો કે પટેલે પૂછ્યું, “હેં શેના માટે હતું સર?”
“આગળના હં હં અને અચ્છા અચ્છા શેના માટે હતા એ તો સાંભળ પહેલા. છ ગોળીમાંથી કઈ પહેલાં અને કઈ પછી ચાલી એ તો ખબર નથી. પણ છાતી પર જે ગોળી વાગી છે એણે જીવ લીધો હશે એમ લાગે છે.”
“હં હં. હેં?”
“શું હેં?”
“હવે હેં શેના માટે હતું એમ પૂછું છું.”
“ઓહ આ બધી ગોળીઓના ઍન્ગલ અને ડિસ્ટન્સ અલગ અલગ છે.”
“મને લાગે છે કે પહેલી ગોળી વાગવાથી ધીરુ શાહ પલંગ પર પડ્યા હશે. પછી બીજી ગોળી ચાલી હશે. દરદનો માર્યો અથવા એ પલંગમાં આમથી તેમ થતો હશે.અથવા તો ગોળીથી બચવા. તો ઍન્ગલ તો બદલાય જ ને?”
“ડિસ્ટન્સ? એ કઈ રીતે બદલાયું? ધીરુ પાસે સમય જ ક્યાં હતો? મૅનેજર નહોતા બોલ્યા કે ઉપરાઉપરી ધડાકા થયેલા?
“શીલા હલી હશે ગોળીઓ મારતા. હા એની ફૉરેન્સિક તપાસ થઈ?”
“ના, એને વાર લાગશે.”
“એમને જલદી કરવા કહો.” પટેલ બોલ્યા.
“હવે ઉતાવળ કરીને શું મળવાનું? કયો ગુનેગાર ભાગી રહ્યો છે? એ તો લૅબમાં જ છે, સૂતેલી.” સાઠેએ મમરો મૂક્યો.
પટેલ હવે ચિડાયા, “તું જઈને સૂઈ જા ભૈસાબ. આ તારી ઊંઘ પૂરી ના થાય એટલે તારા લવારા ચાલુ. ડબડબ ના કર્યા કર વચ્ચે.”
“પટેલ અહીં ધ્યાન આપો. આપણે બધાં ઍન્ગલ ડિટેઇલ લઈ ડ્રોઇંગ બનાવીએ.”
મોટા કાગળ પર ધીરુ શાહનું શરીર જે હાલતમાં મળેલું એ દોર્યું.
પછી ગોળી લાગેલી એ જગ્યાઓના નિશાન કર્યા. વળી કયા ઍન્ગલથી ગોળી ચાલેલી એના નિશાન કર્યા.
“આ ખૂન શીલાએ નથી કર્યું.” ખેડેકર મક્કમતાથી બોલ્યા.
“વોટ?” પટેલ ઊછળ્યા.
“એટલે એકલી શીલાએ નથી કર્યું. બીજા પણ આમાં સામેલ છે. ગોળીના ઍન્ગલથી જે ડિસ્ટન્સથી ગોળી વાગી હોય ત્યાં સુધી લાઇન દોરો એટલે સમજાવું.”
પટેલ લાઇન દોરી રહ્યા એટલે ખેડેકરે પૂછ્યું, “સમજાયું પટેલ? જુઓ બધા ડિસ્ટન્સ અલગ અલગ છે. જાણે બધા આજુબાજુમાં લાઇનસર ઊભા હોય અને ગોળીઓ ચાલી હોય એમ.”
“એટલે શીલા સાથે બીજા પાંચ જણા હતા?”
“હોવા જ જોઈએ.”
“શીલા જ ખસી હોય તો?”
“આટલી ચોક્કસ રીતે? શક્ય જ નથી. ગોળીઓનું ડિસ્ટન્સ જરા એક સમાન છે. બીજા લોકો આમાં શામિલ છે. આ જ વાત છુપાવતી હશે એ. બીજાને બચાવવા એ જુઠ્ઠું બોલી હશે.”
“સર મને લાગે છે કે શીલા બીમાર પણ હતી.”
હવાલદાર સાઠે પાસે સરક્યો, “સર મને ય તપાસોને. પેટમાં જરા ગરબડ…”
પટેલ બરાડ્યા, “પિત્ઝા ખાવાનું બંધ કર. તને એ જ નડે છે અને સાઠે હવે તું નડવાનું બંધ કર.”
“પટેલ તુ આવું કઈ રીતે કહી શકે?”
“તો આને શું કહેવું બીજું?”
“એમ નહિ એ તો બરાબર. શીલાની બીમારીની વાત.”
“એના હાથ પર મેં નાનકડું ચોરસ નિશાન જોયેલું.”
સાઠે પાછો વચ્ચે પડ્યો, “ચોરસ નિશાન? લાલ કે કાળું? કઈ બીમારીમાં ચોરસ નિશાન પડે? કંઈ પણ ના બોલો.”
પટેલ હવે ખરેખર બગડ્યા, “મને બોલવા દઈશ? સર ખાસ કરીને નાની સ્ક્વેર ટેપ મારે ને? એ ઊખડી જાય ત્યારે પેલું ચીકણું નિશાન ના રહે એવું.”
“તો એના ઘરેથી કોઈ રિપોર્ટ મળ્યો?”
“ના, કોઈ રિપોર્ટ નથી મળ્યો.”
“કાંદિવલીની એના ઘરની આજુબાજુની બધી લૅબમાં તપાસ કરો. ક્યાંક તો આપ્યું હશે ને એણે બ્લડ સૅમ્પલ? ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટમાં પણ જણાવો. જો એ લોકો પણ બીમારી કન્ફર્મ કરે તો પાકું થઈ જાય. અને પટેલ તમે હોટેલ પર કોઈને મોકલો સાદા ડ્રેસમાં. રાત દિવસ રહે અને જાણી લાવે બધું.”
“પણ એ બીમાર હતી કે નહિ એનાથી શું ફેર પડે છે? હવે થોડા આપણે એની ટ્રીટમેન્ટ કરીને એમને બચાવવાના?”
“તું મારાથી બચી નથી શકવાનો હવે. ચલ ભાગ હવે અને બધી લૅબમાં તપાસ કરી આવ.”
બીજા દિવસે સાંજે હવાલદાર સાઠે ખેડેકરને રિપોર્ટ આપી રહ્યો હોય છે.
“સર તમારો શક સાચો હતો. શીલાને એઇડ્ઝ થયેલો. આ પંદર દિવસ પહેલાનો રિપોર્ટ જુઓ. લૅબે ત્યારે શીલાને મેઇલ પણ કરેલો.”
“તેનું નિશાન પંદર દિવસ થોડી રહે? તારી કઈ ભૂલ થાય છે.”
“શીલાએ મર્ડરના આગલા દિવસે જ ટેસ્ટ રિપીટ કરવા કહેલું. પાછું કન્ફર્મ કરવું હતું.”
“ઓકે. હવે બીજું કંઈ કહેવું છે?”
“હા સર. હવે મને પેટમાં સારું છે. પટેલ સર હવે પિત્ઝા જ ખાવા નથી દેતા એટલે….”
“સાઠે.. કેસને લાગતું કાંઈક કહેવું છે હવે?” ખેડેકર અકળાઈને બોલ્યા.
એટલામાં તો પટેલ ધમપછાડા કરતા આવ્યા, “ગડબડ બધી ગડબડ છે હૉટલમાં. બારમા માળે ૬00 ની તેરમાં મળે ૭00ની અને ચૌદમા માળે ૮૦૦ની સિરીઝના રૂમ નંબર છે. પુરુષો રૂમો રાખે અને છોકરીઓ આવે. વિઝિટર બુકમાં રૂમ નંબર લખે પણ લિફ્ટમાં જે તે માળનું બરાબર બટન દબાવે, જાણે બધું જાણતી હોય. આ ત્રણેય માળમાં બધા ગલત સલત ધંધા ચાલે છે.”
“એનો મતલબ એ કે ધીરુ શાહ પણ આમાં સંડોવાયેલો હશે.”
“ચોક્કસ ખબર નથી પણ રોજ રાત્રે ત્યાં જ રહેતો. અને હા, એના ફોન રૅકર્ડમાં બહુ બધી છોકરીઓને ફોન કરેલા છે. શીલાને પણ.”
હવે હૉટલના માલિક મિસ્ટર છેડાને હિરાસતમાં લઈ ધાક ધમકી આપી તો એણે વટાણા વેર્યા. ધીરુ શાહ છોકરીઓનો દલાલ હતો. હૉટલનો ઉપયોગ કરતો એના ધંધા માટે. અને આ કામમાં છેડાનો પોતાનો કોઈ હાથ નહોતો.
હવે ખેડેકરને સમજાયું. રોજ રાત્રે શીલા એ ટુ ઝેડ કૉલસેન્ટરમાં જવાને બદલે હૉટલ પર જતી. એટલા માટે જ મોંઘી ઘડિયાળો, કપડાં, સેન્ડલ બધાની જરૂર પડતી. એઈડ્ઝ પણ એટલે જ થયો હશે.
“પણ પેલા મિસ્ટર ચોપડાનું શું?” પટેલે આ સાંભળી પૂછ્યું.
“એ શીલાને મદદ કરતો હશે અને શીલા એને પણ ખુશ રાખતી હશે. આવા કામ કરનારને પોતે એક સારી સાફ સુથરી જીંદગી જીવે છે એવું બતાવવા મિસ્ટર ચોપડા જેવાની જરૂર પડે. હવે તેરમા મળે તે રાત્રે કોણ કોણ છોકરીઓ હતી તેની તપાસ કરો. ઉપર નીચેના માલની તપાસ કરવાની જરૂર નથી. ગોળી મારી ઉપર નીચે છે ભાગી જવાનો અવકાશ જ એમને નહોતો.”
તેરમા માળે પાંચ છોકરીઓ બીજી હતી. સાથેના પુરુષને ‘આવું છું પાંચેક મિનિટમાં’ કહીને નીકળેલી. કોણ લફડામાં પડે કરીને સાથેના પુરુષોમાંથી કોઈએ આ વાત પોલીસને નહોતી કરી. પાંચેય છોકરીઓએ કબૂલ્યું કે હા, એ પાંચે ય અને શીલા છ જણા ખૂન વખતે હાજર હતા. બધા લાઇનસર એકબીજાની આજુબાજુમાં ઊભેલા હતા. ધીરુ શાહે બહુ ચાલાકીથી એમને ફસાવી આ ધંધામાં ધકેલેલા. બહાર નીકળવાનો રસ્તો બંધ હતો. પોતાની જિંદગી બરબાદ થવાનો ગુસ્સો શીલાએ પહેલી ગોળી ચલાવ્યા બાદ બધાંએ એકએક ગોળી એના શરીરમાં ધરબી લીધો. ખૂનનો ગુનો શીલાએ પોતાના એકલીના જ માથે લીધેલો કારણકે એઇડ્સ તો થયેલો જ હતો અને એને હતું જ કે આમેય મરવાની જ છું તો મારીને મરું.
બીજા દિવસે પટેલ ખેડેકરને પૂછતા હતા, “સર, આ પાંચ છોકરીઓનું શું થશે?”
“ગોળી તો બધાંએ ચલાવી છે પણ કઈ કોણે તે ખબર નથી. વળી શીલાએ પહેલી ગોળી ચલાવેલી તે નક્કી છે. હોઈ શકે કે એની જ ગોળીથી ધીરુ શાહનું મૃત્યુ થયું હોય. કારણ કે પછી બીજી ગોળીઓ વખતે એ હલ્યો ચાલ્યો પણ નથી. પણ મને લાગે છે કે અટેમ્પ્ટ ટુ મર્ડર કેસ તો બને જ.”
“આ શીલા જબરી કહેવાય નહી? મને એ નથી સમજાતું કે એણે આપણને ખોટા માર્ગે દોરવ્યા પેલી પાંચને બચાવવા કે પછી એને ખાતરી હતી કે તમે એના મૂળ સુધી પહોંચી જ જશો અને એટલે હાથે કરીને આવું કર્યું?”
“યક્ષપ્રશ્ન પટેલ, યક્ષપ્રશ્ન.”