પાટણની પરાક્રમી રાણી નાયિકા દેવી

સંજય થોરાટ

August 16, 2022

પાટણની પરાક્રમી રાણી નાયિકા દેવીએ ક્રુર મોહમ્મદ ઘોરીને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો

ભારતના ઇતિહાસની સૌથી મહાન અને બહાદુર મહિલાઓમાંના એક રાણી નાયિકા દેવીની અતૂટ હિંમત અને અદમ્ય ભાવના ઝાંસીની સુપ્રસિદ્ધ રાણી લક્ષ્મીબાઈ, મરાઠાઓની રાણી તારાબાઈ અને કિતૂરની રાણી ચેનમ્મા સમાન છે. તેમ છતાં ઇતિહાસનાં પુસ્તકોમાં તેના અથવા તેણીનાં બહાદુરીભરી અકલ્પનીય સાહસ વિશે થોડુંક જ લખાયું છે!

શુક્રવારે ગુજરાતના સિનેમા ઘરોમાં એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી” પ્રકાશિત થઈ છે. રાણી નાયિકા દેવીનું ભારતના ઈતિહાસમાં અમુલ્ય યોગદાન છે પરંતુ એમનાં વિશે ભાગ્યે જ કોઈને કંઈ ખબર છે. અહીં આ ફિલ્મ વિશે નહીં પણ એનાં ઐતિહાસિક ઘટના અને મહત્વ વિશે વાત કરી છે. ગ્રીક પૌરાણિક કથાઓના સુપ્રસિદ્ધ એમેઝોનથી લઈને રોમન બ્રિટનની રાણી બોડિસિયા સુધી, યોદ્ધા મહિલાઓએ સહસ્ત્રાબ્દી માટે વિશ્વને આકર્ષિત કર્યું છે. ભારત પાસે પણ અદ્દભુત મહિલાઓનો પોતાનો હિસ્સો છે જેણે પોતાને સાહસી, બહાદુર લડવૈયાઓ અને કુશળ આગેવાન સાબિત કર્યા.

આવા ભુલાઈ ગયેલ યોદ્ધા મહિલાઓમાં રાણી નાયકી દેવી છે, ચંદેલ રાજકુમારી (બુંદેલ ખંડના મહોબા પરમાદી રાજાની પુત્રી) જે ગુજરાતની ચાલુક્ય રાણી બની અને યુદ્ધના મેદાનમાં શકિતશાળી મહંમદ ઘોરીને હરાવ્યો હતો. વર્ષ 1173 હતું અને યુવાન ગુરિદ રાજકુમાર, મુહમ્મદ શહાબુદ્દીન ઘોરી (તેમનું શાહી બિરુદ મુઈઝુદ્દીન હતું), અફઘાનિસ્તાનમાં ગઝનવી પર વિજય મેળવ્યો હતો. એવા મહત્વાકાંક્ષી, ક્રૂર, રાક્ષસી શાસક, તેણે – ભારતીય પ્રદેશના હૃદયમાં દરોડા પાડ્યા અને રાડ પડાવી હતી.

મુહમ્મદ ઘોરીના પ્રથમ આક્રમણ મુલતાન રાજ્ય પર થયા હતા. મુલ્તાન અને ઉચ પર કબજો કર્યા પછી, તે દક્ષિણ રાજપૂતાના અને ગુજરાત તરફ દક્ષિણ તરફ વળ્યો. તેનું લક્ષ્ય? અણહિલવાડ પાટણનું સમૃદ્ધ કિલ્લેબંધ નગર અને હંમેશા સમૃદ્ધિથી ભરપૂર સોમનાથ મહાદેવનું મંદિર હતું. વી. સ. 802માં ચાવડા રાજવંશના વનરાજ ચાવડા દ્વારા સ્થાપિત, અણહિલવાડ પાટણ ચાલુક્ય રાજાઓની (સોલંકીઓ)ની રાજધાની હતી. અમેરિકન ઇતિહાસકાર ટેર્ટિયસ ચાન્ડલરના જણાવ્યા મુજબ પ્રાચીન પાટણ વર્ષ ઇ.1000માં વિશ્વનું દસમું સૌથી મોટું શહેર હતું, જેની વસ્તી આશરે 1, 00,000 હતી અને પાટણ એક ભવ્ય અજેય કિલ્લો ધરાવતું હતું!

ઇ સ. 1178માં જ્યારે ઘોરીએ અણહિલવાડ પાટણ સર કરવા ગુજરાત બાજુ કુચ કરી, ત્યારે પાટણ મૂળરાજ -2 ( બાળ મૂળરાજ)ના શાસન હેઠળ હતું, જેણે તેના પિતા અજયપાલના નિધન બાદ બાળક તરીકે સિંહાસન સંભાળ્યું હતું. જો કે, વાસ્તવમાં શાશક તેની માતા, નાયકી દેવી હતાં. જેમણે રાણી શાસક તરીકે રાજ્યની લગામ સંભાળી હતી અને મૂળરાજના કાકા ભીમદેવ બીજો તેને સહાય કરતો હતો. રસપ્રદ વાત એ છે કે, આ જ હકીકત હતી કે જેણે ઘોરીને અણહિલવાડ પાટણ પર કબજો કરવા માટે લલચાવ્યો હતો. તેણે ધાર્યું હતું કે એક મહિલા અને બાળક શું પ્રતિકાર કરશે?

ભારે શૌર્ય પૂર્વક લડનાર ઘણાં યોદ્ધાઓનો ઇતિહાસ પ્રસિદ્ધ છે, એવા મહોબા રાજ્યના ચંદેલ વંશના પરમાર્દી રાજાની રાજકુમારી નાયકી દેવી તલવારબાજી, ઘોડેસવાર, લશ્કરી વ્યૂહરચના, મુત્સદ્દીગીરી અને રાજ્યક્વહીવટના અન્ય તમામ વિષયોમાં સારી રીતે પ્રશિક્ષિત હતાં. ઘોરીના નિકટવર્તી હુમલાની સંભાવનાથી, તેણીએ ચાલુક્યદળ, સેનાની શક્તિની જાણકારી મેળવી લીધી અને આક્રમણકારી સૈન્ય સામે સુયોજિત વિરોધ ગોઠવવા માટે વ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવી દીધી.

બીજા રાજાઓ નહોતા કરી શક્યા, એવો સમગ્ર દેશને એક કરવાનો પ્રયત્ન કરીને નાયકી દેવીએ મહત્ત્વની ભાગીદારી કરવા માટે અને આ પરદેશી આક્રમણને મારી હઠાવવા બીજા રાજ્યો મદદમાં આવે તે પ્રકારના સંદેશ સાથે દૂતો મોકલ્યા અને પૃથ્વીરાજ ચૌહાણ સહિતના ઘણાં રાજાઓને મદદ માટે નજીકના પ્રાંતો પાસેથી મદદની વિનંતી કરી. જ્યારે આ રાજ્યોએ તેની વિનંતી સ્વીકારી ન હતી, પરંતુ તેણીને નાડોલના ચૌહાણ , જાલોર ચૌહાણ અને અર્બુદાના પરમાર જેવા ચાલુક્યના સામંતો તેમજ પોતાના કુટુંબ મહોબાના ચંદેલ રાજાઓ પાસેથી સહાય મળી હતી.

દુશ્મન સૈનિકોના વિશાળ સૈન્યને હરાવવા માટે આ પૂરતું નથી તે સમજીને, સમજદાર નાયકી દેવીએ કાળજીપૂર્વક યુદ્ધની વ્યૂહરચનાની યોજના બનાવી. તેણીએ ગદ્રારઘાટ્ટાના કઠોર ભૂપ્રદેશને પસંદ કર્યો-કસાન્દ્રા ગામ (આધુનિક નામ કયાદરા, સિરોહી જિલ્લામાં) નજીક માઉન્ટ આબુની તળેટીનો વિસ્તાર-યુદ્ધના સ્થળ તરીકે તેણીએ પસંદ કર્યો. ગદાર ઘાટીના સાંકડા ડુંગરાઓ ઘોરીની આક્રમણકારી સેના માટે અજાણ્યા મેદાન હતા, જેને નાયકી દેવીને એક મોટો ફાયદો આપ્યો અને એક કુશળ હિલચાલમાં અવરોધોને સંતુલિત કર્યા. અને તેથી જ્યારે ઘોરી અને તેની સેના છેલ્લે કસંદ્રા પહોંચ્યા ત્યારે, મહાન યોદ્ધા મહારાણી નાયકી દેવી તેના પુત્ર સાથે, તેના ખોળામાં બેસાડીને યુદ્ધમાં ઉતરી! તેના સૈનિકોને ઉગ્ર પ્રતિ-આક્રમણ તરફ દોરી ગઈ!

આબુના વિશાળ પર્વતના ખૂણે ખૂણાથી નાયકી દેવી અને તેના સ્થાનિક સામંતોનું સૈન્ય વાકેફ હતું, જ્યારે ઘોરીનું સૈન્ય અજાણ હતું! તેનો લાભ લઈને અનાજ વગેરેના પુરવઠો રોકવો, સંતાઈને હુમલો કરવાની આવડત, રાજપૂતોના અપ્રતિમ શૌર્ય, અને પાટણના સૈન્ય પાસે તાલીમ પામેલા હાથીઓના સૈન્યને કારણે ઘોરીના સૈન્યનો કચ્ચર-ઘાણ નીકળી ગયો! જેના પરિણામે મહમુદ ઘોરીના સૈનિકો ભાગવા માંડ્યા! અને ઘોરી ખૂબ ખરાબ રીતે જે હાર્યો અને મુશ્કેલીથી કેટલાક અંગરક્ષકો સાથે ભાગી જવામાં સફળ રહ્યો!

આ યુદ્ધ કસંદ્રાનું યુદ્ધ તરીકે ઓળખાયું તેમાં વિશાળ ચાલુક્યના સૈન્યના બહાદુર સૈનિકો અને તેના યુદ્ધના હાથીઓની ટુકડીએ આક્રમણકારી દળને કચડી નાખ્યું! જે ઘોરીએ એક સમયે યુદ્ધમાં મુલતાનના શકિતશાળી સુલતાનોને હરાવ્યા હતા. આ યુદ્ધમાં રાજમાતા નાયકીદેવીના પિયર પ્રસિદ્ધ મહોબાના ચંદેલ રાજા પરમારદી એ પણ લશ્કરની મદદ કરી હતી અને તેના એક સરદાર રાઉત આ યુદ્ધમાં શહીદ પણ થયો હતો. આ યુદ્ધનો ઉલ્લેખ બુંદેલખંડના મહોબાના ઇતિહાસમાં પણ જોવા મળે છે.

મોટી હારનો સામનો કરતા, ઘોરી મુઠ્ઠીભર અંગરક્ષકો સાથે ભાગી ગયો. તેનું ગૌરવ વિખેરાઈ ગયું અને તે પણ એક મહિલા હસ્તક હારનો સામનો કરવો પડ્યો, અને તેમણે ફરી ક્યારેય ગુજરાત જીતવાનો પ્રયાસ કર્યો નહીં! પરદેશી આક્રમણ સામે આ બહુ મોટા અને સફળ યુદ્ધને કારણે પછીના 100 વર્ષો સુધી ગુજરાત પરદેશી, વિધર્મી આક્રમણખોરો સામે સલામત રહ્યું હતું અને ભગવાન સોમનાથ ઉપરના આક્રમણને પોતાના બલિદાનો વડે રોકયું હતું! આ અનુભવ પછી ભારત ઉપર આક્રમણ કરવા મુહમ્મદ ઘોરી એ રસ્તો જ ભૂલી ગયો હતો અને બીજી વખતે ઇ. સ. 1191 માં અને 1192 માં પંજાબનો માર્ગ પસંદ કર્યો હતો!

રસપ્રદ વાત એ છે કે આ એ જ માર્ગ હતો, જે પાછળથી, તૈમુર (તમુરલેન) પણ 1383 માં ઉત્તર -પશ્ચિમ ભારત પર વિજય મેળવતા સમયે તે જ માર્ગ અપનાવ્યો હતો, અને તેમનો વંશજ બાબર 1526 માં ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપનાના વખતે પણ એજ માર્ગ પર ગયો હતો! બધાએ મુહમ્મદ ઘોરીની ભયંકર હારથી પાઠ લીધો હતો. કસંદ્રાના યુદ્ધની વાત કરીએ તો, ચાલુક્યોની અદમ્ય મહાન મહારાણી નાયકી દેવીએ યુદ્ધનો ચાર્જ ન લીધો હોત તો ભારતનો ઇતિહાસ ખૂબ જ અલગ હોત. નાયકી દેવીની જીત ગુજરાતના રાજ્યના ઇતિહાસકારો તેમજ ચાલુક્યના શિલાલેખોમાં અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે.

ગુજરાતી કવિ સોમેશ્વરાની કૃતિઓ ઉલ્લેખ કરે છે કે કેવી રીતે ‘બાલ’ મુલરાજ (શિશુ રાજા)ની સેનાએ તુરુષ્કાસ (તુર્કિશ લોકો)ના સ્વામીને હરાવ્યો હતો અને મલેચ્છા (વિદેશી) સેનાને કચડી નાખી હતી. અન્ય એક કવિ, ઉદયપ્રભા સૂરી, તેમની સુકૃતા-કીર્તિ-કલ્લોલિનીમાં જણાવે છે કે નાયકી દેવીની સેનાએ હમીરા (અમીરનું સંસ્કૃત સ્વરૂપ) અને તેમની મલેચ્છ સેનાને હરાવી હતી. જેમના સૈનિકો પોતાને બચાવવા માટે માથાથી પગ સુધી ઢંકાયેલા હતા. વળી ભીમદેવ બીજા બાળ મુલરાજના કાકા અને તેનો અનુગામીના શાસનનો એક ચાલુક્ય શિલાલેખ જણાવે છે કે બાલ મુલારાજના શાસન દરમિયાન એક સ્ત્રી પણ હમીરાને હરાવી શકે છે.

13મી સદીના ફારસી લેખક મિન્હાજ-એ-સિરાજે પણ તેના લખાણમાં ચાલુક્ય વિજયનો ઉલ્લેખ કર્યો છે. તેના મતે, ઘોરનો મહંમદ ઉચ્છ અને મુલ્તાન થઈને નહેરવાલા (અણહિલવાડ) તરફ કૂચ કરી. “નહરવાલાનો (અણહિલવાડ) રાય (રાજા) ખૂબ નાનો હતો પરંતુ યુદ્ધ હાથીઓ સાથે વિશાળ સૈન્યની સાથે ભયંકર લડાઈ આપી હતી.” આ યુદ્ધમાં, “ઇસ્લામની સેનાનો પરાજય થયો અને તેને હરાવ્યો” અને આક્રમણકારી શાસકને કોઈપણ સિદ્ધિ વિના પાછા ફરવું પડ્યું. 16મી સદીના લેખક બદાઉનીએ આક્રમણકારની હારનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવે છે કે તે ભારે મુશ્કેલીથી પોતાના વતન પાછો ફર્યો. જો કે, કસંદ્રાના યુદ્ધનો સૌથી વિગતવાર અહેવાલ 14મી સદીના જૈન ઇતિહાસકાર મેરુતુંગાની કૃતિઓમાં મળી શકે છે. જે વર્ણવે છે કે કેવી રીતે રાણી નાયકી દેવી આબુના પર્વતોમાં મલેચ્છો સામે લડ્યાં અને તેમના નેતા પર વિજય મેળવ્યો.

ભારતના ઇતિહાસની સૌથી મહાન અને બહાદુર મહિલાઓમાંના એક રાણી નાયિકા દેવીની અતૂટ હિંમત અને અદમ્ય ભાવના ઝાંસીની સુપ્રસિદ્ધ રાણી લક્ષ્મીબાઈ, મરાઠાઓની રાણી તારાબાઈ અને કિતૂરની રાણી ચેનમ્મા સમાન છે. તેમ છતાં ઇતિહાસનાં પુસ્તકોમાં તેના અથવા તેણીના બહાદુરીભરી અકલ્પનીય સાહસ વિશે થોડુંક જ લખાયું છે! ગુજરાતી ઈતિહાસના અભ્યાસુ અને ડુંગરપુર મેડિકલ કૉલેજના ડીન ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાણી નાયિકા દેવી વિશે સંશોધન થયું છે. એમણે લખેલા લેખમાંથી આ રસપ્રદ માહિતી લેવામાં આવી છે.

ચૂંટલો: છેલ્લા 20 વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ઐતિહાસિક નગરી પાટણનો સ્થાપના દિવસ મહાવદી 7 ના રોજ ઉજવીને મહાન, શૌર્યવાન સંસ્કૃતિને યાદ કરવામાં આવે છે. ગુજરાતની વિરાંગનાની વીરતાને નાયિકા દેવી ફિલ્મમાં ઐતિહાસિક રીતે કંડારી છે.