નવી દિવાળી
કોઈ નવી નવરાત્રી લાવો, એક નવી દિવાળી લાવો,
શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.
આદર કેરા દાંડિયાઝાલી અમૃત-રાસ રચાવો.
સ્નેહનું ઘૂંઘર, સ્મિતનું ઝુમ્મર,ઘમ્મર ઘૂમ મચાવો..
દિલડે દીવડા પ્રગટે એવી રાત અજવાળીલાવો… એક નવી દિવાળી લાવો..
પ્રાંત-પ્રાંત કેભાષા-ભેદની વાડો તોડી,વછોડી
માનવતાનો ધર્મ છે સાચો, ધનની પૂજાછોડી
મન-મંદિર સજાવો, કોઈ રીત મતવાલીમનાવો….એક નવી દિવાળી લાવો.
ઉરને આંગણ સમજણકેરા સાથિયાઓ પૂરાવો.
એકાંત કુંજે, પ્રસન્ન ચિત્તે,આતમ-રાજ બોલાવો.
ચૌદશ કાળી હોય જો અંતર,વળીને વાળી આવો.. એક નવી દિવાળી લાવો..
નૂતન વર્ષે આશાઓના અભિગમ સંગે ઝુલો,
હો વિચાર-વાણી વર્તન સાચા આચરણના ફૂલો,
ભીતર કંકુ પૂજાપાની આરત-થાળી લાવો … એક નવી દિવાળી લાવો..
-----દેવિકા ધ્રુવ