મારું ગુજરાતીમાં લેખનનું પ્રયોજન

યામિની પટેલ

April 27, 2023

મારું નામ યામિની. નામ જ ખાલી મિની પણ સાઈઝ છે મેક્સી.

જયારે હું સ્કૂલમાં હતી ત્યારે હું નાસ્તા માટે પૈસા લઇ જતી. એક દિવસ   સ્કૂલ બેગમાંથી એ ચોરાઇ ગયા. હું તો ભૂખથી જ અડધી મરી ગઇ. ત્યાં તો   સાંજે એક બહેનપણીએ આવીને   હાથમાં થોડા પૈસા મૂક્યા.

મેં પૂછ્યું, “શું છે આ?”

તો કહે, “તારા નાસ્તાના પૈસામાં અમે ચાર જણા પેટ ભરીને જમ્યા તો ય આટલા વધ્યા. રાખ તારા પૈસા.”

આમ હું નાનપણથી જ  થોડી જાડી. એમાં  મારા નસીબે  થોડો ઘણો સારો પતિ મળ્યો. એટલે લગ્ન પછી થોડું વજન વધી ગયું. એમાં આવી પ્રેગ્નન્સી. એટલે થોડું ઓર વધ્યું. મને થતું  કાંઈ નહીં ખાતાપીતા ઘરની તો લાગું છું.

અમેરિકામાં મારા એક આંટી રહે. એમને મળવા જવાનું થયું. ઑનલાઈન ટિકિટ બુક કરી. નિયત સમયે ઍરપૉર્ટ પહોંચી. તો બોર્ડિંગ પાસ લેતી વખતે પેલા કાઉન્ટર પરના માણસે પૂછ્યું, “બેન તમે કેટલા ઝાડ સ્પૉન્સર કર્યા ?”

હવે એમાં એવું છે  કે આપણે પ્લેનમાં ટ્રાવેલ કરીએ  ત્યારે ઈંધણ બળે  જેનાથી પ્રદૂષણ થઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય. જે ઓછી કરવા આપણને ટિકિટ બૂક કરતી વખતે પૂછે કે તમે કેટલા ઝાડ સ્પૉન્સર કરવા માંગો છો ? તો આપણે જેટલા વધારે ઝાડ સ્પૉન્સર કરીએ એ મુજબ ટિકિટ વધારે મોંઘી પડે.

એટલે જ્યારે મને પેલા માણસે પૂછ્યું  તો મેં ફટાક દઈને જવાબ આપ્યો, “૧૦ ઝાડ.”

તો એ કહેવા લાગ્યો  તમારે તો ૧૦૦ ઝાડ પણ ઓછા પડે. લો બોલો.

પાછો એ કહેવા માંડયો કે આવતી વખતથી તમારા પૈસા વધારે થશે. અમે તમારા જેવાની ટિકિટના ડબલ ચાર્જ લેવાનું વિચારીએ છીએ. ઘણી ફોરેનની ઍરલાઈન્સ કંપની પણ  આવું જ વિચારે છે.

મેં કહ્યું, “આવતી વખતની વાત  આવતી વખતે. હમણાં તો મને છોડ.”

પછી એણે મને બોર્ડિંગ પાસ આપ્યો, મારી બેગનું વજન કર્યું. એનું વજન તો બરાબર હતું. પછી એમણે એની પર લેબલ લગાડ્યું F   A  T     ફે  ટ. હું તો શું ગુસ્સે થઈ ગઈ.

મેં કહ્યું, “ક્યાં છે તમારો ફ્લોર મેનેજર?”

હું સીધી એની કૅબિનમાં પહોંચી ગઈ. ગુસ્સામાં મેં કહ્યું, “આ શું? માણસના  દેખાવ પરથી તમે બેગ પર લેબલ લગાવો છો? કેવું ઇન્સલ્ટીંગ લાગે? ખબર પડે છે કાંઈ? મારી બેગ પર  F  A  T      ફે  ટ એમ લેબલ લગાડયું તમે લોકોએ. આ તે કંઈ રીત છે?”

તો મેનેજરે પૂછ્યું, “બહેન તમારે કયાં જવું છે?”

મેં કહ્યું, “ફ્રેસ્નો, અમેરિકા”

તો એ હસી પડ્યા, “ઓહોહો, તમે જરા શાંતિથી બેસો. તમને સમજાવું. આ તો છે ને અમારો ફ્રેસ્નો ઍરપૉર્ટનો કોડ જ F  A  T છે. એટલે તમને એવું લાગ્યું. પ્લીઝ  ખોટું ના લગાડશો.”

મેં કહ્યું, “તો ઠીક છે. આ તો શું કોઇ ખાલીપીલી આપણને હેરાન ના કરી જવું જોઈએ.”

પછી શાંતિથી જઈને હું વેઈટીંગ લોંજમાં બેઠી. મારી ખુરશી સ્હેજ તૂટેલી હતી તો અટૅન્ડન્ટ આવીને કહેવા લાગ્યો, “બહેન  તમે પ્લીઝ બીજે જઈને બેસો ને.”

તો મેં પૂછ્યું, “કેમ?”

એ બોલ્યો, “આમેય આ ખુરશી તૂટેલી છે. આ તો સાવ પતી જશે અને તમને વાગશે એ વધારામાં.”

મેં મનમાં કહ્યું આ આટલા બધા ઇનબિલ્ટ શૉક ઍબસોર્બર  એમ ને એમ બેસાડ્યા છે? વાગે કયાંથી? તો ય એના કહ્યા મુજબ બીજે જઈને બેઠી.

પછી પ્લેનમાં ચડી તો સીટબેલ્ટ જ બંધ ના થાય. કેટલી માથાકૂટ પછી  ઍરહોસ્ટેસ ઍક્સટેન્શન બેલ્ટ લાવી ત્યારે પત્યું. ત્યારે મને  થયું વજન સ્હેજ વધારે કહેવાય નહીં?

પણ ત્યાં અમેરિકા પહોંચીને તો માનશો ઘણું જ સારું લાગ્યું. એટલા જાડા લોકો, એટલા જાડા લોકો. એમની વચ્ચે તો હું સાવ પાતળી લાગું. ફોટા પાડતી વખતેય બે ચાર જાડા જોઈ  એમની વચ્ચે ઉભી રહી જાઉં. શું  ફોટા તો સારા આવે બીજું કાંઈ નહીં. આમેય સ્ત્રીઓ સૌથી વધારે ઍક્સાઇટ ત્યારે જ થાય છે જ્યારે એ પોતાનાથી  જાડી સ્ત્રીને જોવે.

ત્યાં એક વાર મારી એક સ્કૂલ ફ્રેન્ડ મળી, પેલા પૈસા ચોરેલાને એ. એ પણ અમેરિકા ફરવા આવેલી. એ તો એવી દૂબળી  પાતળી.

મેં એને પૂછ્યું, “કેમ? તમારે ત્યાં  દુકાળ પડે છે?  કેમ સાવ આવી?”

તો મને ઉપરથી નીચે સુધી શાંતિથી જોઈ બોલી, “હવે મને સમજાય છે  કે અમારે ત્યાં કેમ દુકાળ છે.” મેં મનમાં કહ્યું કપાળ તારું, ચોરીને ખાય એનું થોડું વજન વધે?

અમેરિકામાં મજા કરી, ફરી પાછી આવી. ત્યાંથી બ્રાંડેડ Guessનું ટીશર્ટ લાવેલી. વિચાર્યું  આ જ પહેરી બહાર જઉં. તો સ્હેજ  ટાઈટ થયું. મેં એ ઘડીએ જ નક્કી કર્યું  કે આ ધોબીને  તો કપડાં  ધોવા જ ના આપવા જોઈએ. કેવા ચડી જાય છે? પછી  ટાઈટ જ લાગે ને.

એ જ  ટાઈટ  ટીશર્ટ પહેરી  બહાર ગઈ. તો એક અજાણ્યો માણસ આવીને કહેવા લાગ્યો  “કરી લીધું.”

મેં પૂછ્યું, “શું?”

તો કહે, “Guess કર્યું. તમને…  થાઈરોઈડનો પ્રોબ્લેમ છે ને?”

મને એવી તો શરમ આવી. હવે  અજાણ્યા ય સંભળાવી જાય છે? ત્યારે મને  થયું  હવે તો મારે વજન કરવું જ જોઈએ.

ડરતાં ડરતાં કાંટા પર ચડી તો ચિઠ્ઠી આવી  એક પછી એક આવો. આટલા બધા સાથે ના ચડો. માંડ માંડ વજન થયું. પછી મને થયું  કે હાઇટ મુજબ વજન બરાબર છે કે નહીં  એ તો જોઇ લઉં. તો વજન તો બરાબર હતું. ફ્ક્ત મારી હાઈટ દસેક ઈંચ ઓછી હતી. આમેય મારા તો હાડકાનું જ વજન વધારે.

પછી તો ટી.વી.માં, પિક્ચરમાં, ફોટામાં બધે પાતળું ઝીરો ફીગર જ દેખાય. છોકરીઓ બધી પાતળી, કેટલી બધી પાતળી, પેપર ક્લીપ જેવી. મને થયું  કાચમાં જોઈ રોજ થોડું થોડું મરવા કરતાં  વજન જ ઉતારી દઉં.

એટલે મેં મારી ફ્રેંડને કહ્યું, “મારે હવે શેપમાં આવવું જ પડશે.”

તો કહે, “લો ગોળ શેપમાં શું વાંધો છે? ગોળ એક શેપ નથી?”

લો બોલો, આને શું કહેવું? મેં કહ્યું, “ના, ના, મારે  ડાયેટ કરવું છે. આજથી  તળેલું બધું બંધ.”

તો કહે, “જોજે એવું કરતી. આજકાલ  બહાર બધા  કયા તેલમાં તળે છે?”

મેં કહ્યું, “વેજીટેબલ ઑઈલમાં.”

તો કહે, “બસ? આ તો કેટલું સારું. આખી દુનિયાના બધા ડૉક્ટરો  ગાઈ વગાડીને કહે છે  કે વેજીટેબલ્સ વધારે ખાવ, વેજીટેબ્લસ વધારે ખાવ. તો તળેલું ખાઈએ  તો કેટલા બધા શાકભાજી પેટમાં જાય. આ તો બહુ સારું કહેવાય.”

મેં કહ્યું, “તારી વાત તો સાવ સાચી છે.”

એટલે પછી મને થયું  કસરત કરું? આમ તો રોજ  એક જ કસરત કરું છું. જમીને ઊભી થાઉં એટલે ખુરશી પાછળ ખસેડું. થયું  વધારે કરવી જોઈએ. તો… દોડવા જાઉં? પછી થયું ના ના દોડીશ  તો લાગશે જાણે કેટલાય લોકો એકસાથે દોડે છે. એના કરતાં ચાલવા જ  જાઉં.

તો મારી ફ્રેંડ પાછી પૂછે, “ચાલવું શું કામ છે?”

મેં કહ્યું, “ફાસ્ટ ચાલવાથી ઍરોબીક ઍક્સરસાઈઝ થાય, હાર્ટ રેટ વધે, હાર્ટ સ્ટ્રોંગ થાય, લાઈફ વધે.”

તો કહે, “ખોટી વાત. જો ગાડીમાં પેટ્રોલ પૂરાવીને પછી ફાસ્ટ ફાસ્ટ ભગાવીએ  તો એ દૂર સુધી જાય?”

મેં કહ્યું, “ના.”

તો એ કહેવા લાગી, “તને શું લાગે છે? આપણા તો  શ્વાસ જ ગણેલા છે, ફાસ્ટ ફાસ્ટ  લઈશ  તો લાઈફ વધી જશે ? પાછો એમાં બીજો પણ પ્રોબ્લેમ છે. તને આપણી ફ્રેંડ  સીમાની ખબર નથી? એને ડૉક્ટરે કહ્યું,  રોજ  દસ કિ.મી. ચાલજો, મહિનામાં  દસ કિલો ઘટશે. મહિના પછી ડૉક્ટરને એણે ફોન કર્યો. વજન  દસ કિલો ઘટ્યું છે. તો ડૉકટર કહે, વેરી ગુડ! તમે મારું કહેલું બધું  માન્યું લાગે છે. તો સીમા ઢીલી થઈને બોલી  એ બધું બરાબર પણ હવે એમ કહો  કે મારે  ઘરે કઈ રીતે જવું? આમને આમ  તો હું ૩૦૦ કિ.મી. દૂર આવી ગઈ. અને તું તો પાછી વરની એકની એક. ના ભાઈ ના  આવી કયાંક  ખોવાઈ જાય તો?”

તો મને થયું, “ચાલો, તો સ્વિમિંગ કરવા જાઉં.”

તો પાછી મારી ફ્રેન્ડ કહે, “ સ્વિમિંગ?  બૅડ આઈડિયા! જો તરવાથી પાતળા થવાતું હોય  તો આ બધી વ્હેલ કેમ જાડી છે? હજુ સુધી પાતળી નથી થઈ?”

મને થયું, વાત તો સાવ સાચી છે. ચાલો જીમમાં જઈ  પેટની કસરત કરી  પેટ તો  ઉતારી દઉં. તો મારી ફ્રેંડ પાછી કહે  કે જોજે જતી. આ બધા  બૉડી બિલ્ડર લોકો નથી જોયા?  કેવા કસરત કરી કરીને મસલ્સ બનાવે છે. તારે તે  પેટ  વધારવું છે કે ઘટાડવું છે? હું તો કન્ફયુઝ જ થઈ ગઈ.

મેં કહ્યું, “છોડ પેટની કસરત. એના કરતાં જીમમાં  બીજી બધી કસરત કરી  ચરબી બાળી નાખું.”

તો પેલી પાછી કહે, “તને ખબર છે? આપણું મગજ  એક ચરબી જ  છે. ચરબી બાળીને ઓગાળીશ  તો મગજનું શું? એ પણ ઓગળી જશે  તો એના વિના કરીશ શું? પાછું જેટલી ચરબી ખોઈશ એટલી તને એ પાછી શોધી જ લેશે. કારણ કે હવે આટલા વર્ષે  તો તારું શરીર અને તારી ચરબી  બંને સારા મિત્રો ના થઈ ગયા હોય?”

શું કરું?  શું કરું? એમ થઈ ગયું. ત્યાં કયાંક વાંચ્યું. જાપાનમાં  રિસર્ચ થયું છે, જાડા લોકો  લાંબું જીવે. મને થયું  જાડાપણાના  પણ કંઈ ફાયદા હોય? કેવા કેવા હોય? એક તો, હમણાં જ લગ્નગાળો છે, એટલે સૂઝ્યું. કપડાં વસૂલ થાય, સાડીનો આખો બ્લાઉઝપીસ વપરાય, કપડું કદાચ જોડવું પડે  પણ વધે નહીં. પૂરેપૂરું વસૂલ થાય. પાછા… આપણા માપના કપડાં તો દુકાનમાં હોય નહીં. શૉપિંગ ઓછું  તો ખર્ચા પણ ઓછા. પતિ પણ ખુશ.

પાછું લાંબી મુસાફરી જો ગાડીમાં કરવાની હોય  તો બધા કહેશે, તું આગળ બેસી જા. અમે તો પાછળ  જેમ તેમ આવી જશું. કોઈને ત્યાં મહેમાન થઈએ  અને ભાવતી વસ્તુ વધારે ખાઈએ  તો યજમાન કહેશે  આવડા મોટા શરીરમાં  આટલું તો જોઈએ જ ને બિચારીને! ના ભાવે ને ઓછું ખાવું હોય તો કહી દેવાનું  હમણાં ડાયટ પર છું  એટલે છૂટયાં.

જો છોકરી જાડી હોય  તો કોઈ રસ્તામાં  છેડછાડ પણ ના કરે. સારા દેખાઈએ  તો કોઈ છેડે ને? કોઇ કિડનેપ પણ ના કરે. આવડું વજન કોણ ઉપાડી જાય? પાછી શાંતિ પણ જળવાય. દુનિયામાં કયાંય જોયું છે? મોરચા, તોડફોડ, હિંસક પ્રવૃત્તિ  વગેરેમાં જાડા લોકો હોય? એમનું કામ જ નહીં. કરી જ ના શકે એ લોકો. ભૂલેચૂકે કરે  ને પછી પોલીસ આવે  તો… ભાગે કઈ રીતે? એટલે  શાંતિના દૂત કહેવાય જાડા લોકો.

એક સર્વે થયો હતો. જેના મુજબ, જાપાનીઝ લોકો ઓછી ચરબી ખાય  તો એના કરતાં  અમેરિકામાં વધારે જાડા લોકો સ્વાભાવિક રીતે હોય. પણ મૅકિસકોમાં વધારે ચરબી ખવાય તો પણ  અમેરિકામાં મૅકિસકો કરતાં જાડા લોકો વધુ. ચાઈનીઝ લોકો ઓછો દારુ પીવે અને ઈટાલીયન લોકો વધારે. તોય  બંને કરતાં અમેરિકામાં જાડા વધારે. જર્મન લોકો ચરબી વધારે ખાય અને પાછા દારુ પણ વધારે પીવે  તો પણ જર્મની કરતાં   અમેરિકામાં જાડા વધારે.

આવું કેમ? ચરબી ખાવ ના ખાવ, દારુ પીવો ના પીવો, તોય કેમ  અમેરિકામાં વધારે જાડા લોકો? ખૂબ… વિચાર્યું, ત્યારે ખબર પડી  અમેરિકામાં લોકો ઈંગ્લીશ બોલે છે એટલે જાડા છે  બીજું તો કાંઈ જ કારણ નથી.

એટલે મને ખબર પડી ગઈ  વજન કેમ ઉતારવું. આ અંગ્રેજી બોલવા, લખવા કરતાં  ગુજરાતીમાં લખવું, વાંચવું, બોલવું  કોઈ જ સાઈડ ઇફેક્ટ નહીં  અને વજન ઉતરે કે ના ઉતરે  પણ જો સારું લખતાં આવડી જાય  અને તમારા જેવા પસંદ કરવા માંડે  તો સારી લેખિકા બની જવાય એ લટકામાં. શું કહો છો બધા? કેમ, મેં બરાબર કર્યું ને?