દસ દિવસ બાદ સુરેશ જેવો બહારગામથી આવ્યો તેવો સીધો જ મા પાસે દોડી ગયો. ઘરમાં દાખલ થતા પગ હંમેશા માની ઓરડી તરફ દોડી જતા. દર વખતની જેમ આજે પણ માને પગે લાગતા તેણે સવાલોની ઝડી વરસાવી, “હું આવી ગયો મા, કેમ છે તું? તબિયત બરાબર છેને? દવા સમયસર લેતી હતીને? શું જમી તું આજે?”
માએ સુનિતા તરફ અછડતી નજર ફેંકી અને તે હસી. કામ કરવાને બહાને સુનિતા રસોડામાં પેઠેલી હતી પરંતુ તેની આંખ તેમજ સરવાં કાન બહાર મા-દીકરા તરફ ખેંચાયેલા હતાં. ‘ઓહોહો, છ દિવસમાં તો દીકરા વગર મા જાણે દુબળી પડી ગઈ હોય!’ તે મનોમન બબડી.
મા-દીકરાની આવી વર્તણૂક જોઈ સુનિતા ખૂબ અકળાતી. લગ્ન પહેલાંની વાત જુદી હતી પણ હવે મા ઊપરાંત ઘરમાં જીવતી જાગતી પોતે, સુરેશની ધર્મપત્ની હાજર હતી. પ્યારું પિયર, વહાલાં માવતર, ભાઈભાંડુને છોડીને અહીં અજાણ્યા શહેરમાં પરણીને આવી હતી તે સુરેશ માટે સ્તો. શું પોતાની કોઈ કિંમત નહીં? જ્યારે જુઓ ત્યારે બસ મા… મા…મા.
‘’સાવ માવડિયો. હંહ.’’ સુનિતાને નહોતું કહેવું તોય પોતાની ખાસ સહેલીને ફોનમાં કહેવાઈ ગયું. દરરોજ ઓફિસેથી આવી, સુરેશ પહેલો મા પાસે જ જાય. વર્ષોની ટેવ પ્રમાણે તેના મુખેથી, ‘’મા, જેશ્રી કૃષ્ણ’’ નીકળી જાય. સુનિતાનો વારો ત્યાર પછી જ આવે.
સુરેશના બાપુજીને ગુજરી ગયે દસેક વર્ષ ઉપર થયેલા. ત્યારે તે દસમીમાં હતો. ઓચિંતી ઘર, કરિયાણાની નાનકડી દુકાન તેમજ માની જવાબદારી તેના શિરે આવી પડી હતી.
“ના. બેટા, તારે ભણવાનું નથી છોડવાનું. હું છુંને. ઘર અને દુકાન સંભાળી લઈશ વળી, દુકાનમાં માણસો જૂના અને વિશ્વાસુ છે. તું હાલ અભ્યાસમાં ધ્યાન આપ.” માએ તેના તેજસ્વી દીકરાને માથે લાગણીભીનો હાથ ફેરવતાં કહેલું. પછી તો મા ઘરકામ, રસોઈ વગેરે પતાવી સવારના પહોરમાં દુકાને પહોંચી જતી તે છેક મોડી સાંજે દુકાન વધાવી પાછી ફરતી. રવિવારે જરાતરા રાહત મળતી. આમ મા દીકરાનો સંસાર સુખેદુ:ખે મોજથી ચાલતો. મુશ્કેલીઓને આંબી જઈ હિંમત અને ધૈર્યપૂર્વક માએ સુરેશને ભણાવ્યો. બંને પોતપોતાના કામકાજમાં વ્યસ્ત રહેતા. સુરેશ શાળા પૂરી કરીને કોલેજના અભ્યાસમાં ગુંથાઈ ગયો. સાંજે બંને મા દીકરો જોડે જમતા, અલક મલકની વાતો કરતા અને સાથે મળી ઘરકામ આટોપતા. લાગણીના અતૂટ તાંતણે બંને એવાં બંધાઈ ગયા હતાં કે તેમને બીજી કોઈ દેશ દુનિયાની ફિકર નહોતી.
સવારે ઊઠે ત્યારથી તે રાતે ઊંઘે ત્યાર પર્યંત સુરેશના મોઢે મા સિવાય ભાગ્યે જ કોઈનું નામ હોય. “મા, આમ અને મા, તેમ.” આમ તો તેમનું ખાસ નજીકનું બીજું ક્યાં કોઈ હતું? સુરેશનો અભ્યાસ પૂરો થયા બાદ તેને સારી ઊચ્ચ પગારની નોકરી પણ મળી ગઈ. ત્યાર બાદ શરુ થઈ તેને યોગ્ય પરણવાલાયક યુવતીની શોધ.
સુનિતા દરેક રીતે તેને લાયક હતી. સુંદર, સુશીલ અને ગુણિયલ. સુરેશને પરણીને કેટલાય અરમાનો સાથે લઈ તે સાસરે આવી. વર્ષોથી બે જ જણને નીરખતી નવા રંગ રોગાન ધારણ કરેલી ઘરની ચાર દિવાલોએ આજે હોંશથી ઊછળતી સુનિતા નામક ત્રીજી નવી વ્યક્તિને જોઈ. કપડાંનાં કબાટે કાળા, ભૂરા, કથ્થાઈ રંગની જગ્યાએ લાલ, લીલા, પીળા રંગો જોયા.
સુનિતા માટે એ નવું શહેર, નવી જગ્યા અને નવા લોકો હતાં પરંતુ સુરેશ માટે તો બધું એ જ. પોતાના જાણીતા શહેરમાં એ જ પોતાનું ઘર, એ જ પોતાની જીવથીયે વહાલી મા અને એ જ પોતે. તેના નિત્યક્રમમાં કોઈ જ ફેરફાર નહોતો નોંધાયો. ઘરમાં એક વ્યક્તિ ઊમેરાઈ હતી જે પોતાની જીવનસંગિની હતી પરંતુ તેના સંગનો રંગ હજુ ચડ્યો નહોતો.
સુનિતાએ જોયું, અનુભવ્યું, આ બંને મા દીકરા વચ્ચે અતિશય લગાવ હતો. ‘તે તો હોય, સ્વાભાવિક છે. એક લોહી ખરુંને.’ તે વિચારતી પરંતુ તેમાં પોતે ક્યાં, કેવી રીતે ગોઠવાશે તે નક્કી નહોતું કરી શકાતું. ‘વચ્ચે? ઊપર? બાજુ પર? ક્યાંય નહીં?’ તે પોતાનું સ્થાન શોધવા મથતી. પોતાની મહત્વની નિશ્ચિત જગ્યા આ ઘરમાં અને સુરેશના મનમાં બનાવવી જ રહી પરંતુ એ માટે માને બાજુએ ખસેડવી પડે તો જરીક જગ્યા થાય તેમ તેને લાગ્યા કરતું.
“વાહ, આજે દાળ તેં બનાવી છે. ખરું ને મા? સુનિતાનેય આવી જ દાળ બનાવતા શીખવી દેજે.” તદ્દન સ્વાભાવિક બોલાયેલ એ વાક્યો સુનિતાના હ્રદય સોંસરવા ઊતરી જતા અને તેને થતું કે ‘મા’ નામની વ્યક્તિના ભારે પલડા સામે તેનું પલડું સાવ નિર્માલ્ય હલકું હતું. સુનિતાનું વંકાયેલું મોઢું માના ધ્યાન બહાર નહોતું રહ્યું. તીરછી આંખે મા બધું જ જોઈ લેતી, બધું જ પામી જતી અને એ સાથે તેની નજર સુનિતાનેય માપી લેતી.
“સુરેશને દરરોજ તાજી ચટણી જોવે. તેમાં લીલું મરચું એક જ નાંખવાનું. તેના બાપુજીનેય એવી જ ટેવ હતી. આ મોટા ડબ્બા ત્યાં ગોઠવવાના. કપડાંનો સાબુ તો પેલી ખૂણા પરની દુકાનેથી જ લાવવાનો. એ આપણી જાણીતી દુકાન. હું પરણીને આવી ત્યારથી સવારમાં પહેલાં…”
સાસુમાની અગણિત સલાહો, સૂચનો સુનિતાને કાને અફળાતા. ‘ઊફફફ… આ દરરોજની કચકચ! મારામાં તો જાણે અક્કલનો છાંટો કે આવડત જ નથી એવું લાગે છે.’ સુનિતા વિચાર કરી કરી જાતને થકવી દેતી.
“મા, તું જે રીતે વેડમી બનાવે છેને તે સુનિતાને શીખવજે. સુનિતા, માના હાથની સ્વાદિષ્ટ વેડમી એટલે આંગળા ચાટ્યા કરીએ હોં.” સુરેશ તાનમાંને તાનમાં બોલ્યે જતો હતો તે સાંભળી નીચી નજર ઢાળી ચુપચાપ જમતી સુનિતાને થતું, ‘મારી રાંધણકળાની ચોપડી ફાડીને ફેંકી દઊં અને દરેક પાને લખું, મા બનાવે તેમ… મા કહે તેમ… માની દાળ, માની કઢી. મા… મા… મા.’ દાળ ચૂલે ઊકળતી અને તે અંદર. પછી કહેવા ખાતર તેય કહેતી, “હા. મા, તમારી બનાવેલી દાળ બહુ સરસ છે. મને વેડમી કેવી રીતે બનાવવી તે બતાવજો.” પરંતુ પચાસ દિવાળી જોઈ ચૂકેલી માની અનુભવી આંખોને એ બોદો સ્વર પારખી જતા વાર ન લાગી. સુનિતાને ઘરકામમાં પળોટવા ઈચ્છતી મા તેની બોલચાલ પરથી તેનું મન કળી શકતી.
“મારી સરસ વહુ પણ સરસ દાળ બનાવે છે હોં.” મા કહેતી ત્યારે સુરેશ કંઈ બોલે તે પહેલાં સુનિતા જ જવાબ આપી દેતી, “પણ તમારા જેવી નહીં.” જો કે મનોમન તો તે બોલતી હોય, ‘છટ્ માવડિયો. માનો લાડકો ટીપીકલ ઈંડિયન હસબંડ.’
“સુરેશ, તું કામકાજ અંગે બહારગામ જશે, તેટલા દિવસ હું પિયર જઈ આવું?” સુનિતાએ પરવાનગી માંગતા પૂછ્યું.
“પણ પછી મા બીચારી સાવ એકલી રહેશે?” ડગલે ને પગલે માની ચિંતા કરતા સુરેશને કહેવાનું મન થઈ આવ્યું, ‘તો તેની સાથે છેડાછેડી બાંધીને બીચારી માને જ પરણવું હતુંને.’ પરંતુ સુનિતા સમસમીને ચૂપ રહી.
“હું નહોતી ત્યારે શું કરતા હતા?” પિયર જવા અધીરી થયેલી સુનિતાથી પૂછાઈ જ ગયું.
“ત્યારની વાત જુદી હતી.” સુરેશે શાંતિથી જવાબ વાળ્યો.
“વાત જુદી નહીં, એની એ જ છે. મારા આવવાથી કશું જ ક્યાં બદલાયું છે?” સુનિતાનું એ મોટેથી બોલાયેલું વાક્ય સાંભળી
બીજા ઓરડામાં આરામ કરતી માને તેનું આ રીતે બોલવું ખૂચ્યું. તે બહાર આવી.
“ભલેને જઈ આવે થોડા દિવસ. મને શું થઈ જવાનું? મજાની કડેધડે છું.” માએ વાત વાળી લેવાના આશયે કહ્યું.
“સારું. જેવી તારી ઈચ્છા.” સહજ રીતે બોલી સુરેશ ઓફિસ જવા નીકળ્યો.
‘આ ઘરમાં ઈચ્છા પણ માની જ જોવાય છે.’ સુનિતા મનોમન બબડી અને ‘’માની ઈચ્છા’’ મુજબ સુરેશના બહારગામ ગયા બાદ તે પિયર ગઈ.
સ્વાભાવિક રીતે જ સુનિતાને તેની મમ્મીએ સૌનાં ક્ષેમકુશળ પૂછ્યા પરંતુ સુનમુન દીકરીની આંખોમાં ડોકાતી ઉદાસી સ્પષ્ટ વંચાતી હતી. તેને સાસરે વળાવ્યે માંડ આઠેક મહિના થયેલા.
“મને ત્યાં ગમતું નથી. એ ઘર મારું હોય તેવું નથી લાગતું. મારે જુદા રહેવું છે મારા પોતાના ઘરમાં, તેની માથી અલગ પરંતુ જાણું છું સુરેશ તેવું કદાપિ કબુલ નહીં જ કરે.” સુનિતા પોતાની મમ્મીને કહી રહી હતી.
“તે સૌ તારા પોતાના જ છેને સુનિતા. કહે જોઊં, શું બાબત બની? તેમણે કંઈ આડું અવળું સંભળાવ્યું? સુરેશનું વર્તન બરાબર નથી? તેનામાં કોઈ અધુરપ કે પછી તેનો સ્વભાવ…”
મમ્મીને વચ્ચેથી બોલતી અટકાવી સુનિતા બોલી, “ના. ના તેવું તો કંઈ જ નથી.”
“તો? જો બેટા, વેવાણ ખૂબ સમજુ છે. સુરેશ પણ સરળ છોકરો છે. એ તો નવી જગ્યાએ ગોઠવાતાં, સેટ થતાં સમય લાગે. આવી રીતે એકદમ ઉતાવળો નિર્ણય ન લેવાય.” સુનિતાની મમ્મીએ તેને વાળવાનો પ્રયત્ન કર્યો અને દીકરીને સમજાવીને સાસરે રવાની કરી. તેમનું અનુભવી મન કહેતું હતું કે નવા વાતાવરણમાં ગોઠવાતાં કોઈને પણ સમય લાગે.
સુનિતા પિયર હતી ત્યારે માનેય તેની યાદ આવી જતી. અચાનક એકલું એકલું લાગવા માંડેલું. પહેલાં દિવસો આવા લાંબા નહોતા લાગતા!
થોડા દિવસો બાદ સ્ટેશનેથી રિક્ષા કરી સુનિતા પરત ઘરે આવી ત્યારે સાસુમા રસોડામાં રસોઈ કરતા હતા. “આવી ગઈ મારી વહુ? બેસ જરા પાણી બાણી પી. શરબત બનાવી દઉં?” માએ લાગણીથી પૂછ્યું તેનો પડઘો પાડતી હોય તેમ સુનિતા બોલી, “આ બધું શું કરવા માંડ્યું છે? લાવો હું કરું. તમે બેસો.”
“સુરેશ રાત્રે પાછો ફરશે તો મને થયું આટલા દિવસ બહારનું જ ભોજન જમ્યો હશે તેથી લાવને રોટલા, ઓળો અને કઢી બનાવી નાખું. તનેય ભાવે છે. જો બેટા, બધો મસાલો કરેલો છે. તું વઘાર કરી દે અને હા, આજે પેલી તારી લાવેલી નવી ક્રોકરી કાઢજે.” વળી યાદ આવ્યું હોય તેમ બોલ્યા, “પર્યાવરણવાળા પેલો છોડ આપી ગયા છે તે કહેને ક્યાં મૂકવો છે? તને યોગ્ય લાગે ત્યાં તું ગોઠવી દે. મને તેમાં સુઝકો ન પડે. હું જરા બાજુમાં રમામાસીને ત્યાં ખબર કાઢી આવું.” કહેતાં તેમણે પગ ચંપલમાં ઘાલ્યા.
સુનિતાએ તેમના કહ્યા મુજબ તેને પોતાને ગમતી ક્રોકરી કાઢી, બારીની પાળીએ છોડ ગોઠવી ફ્રેશ થવા માંડી ત્યાં જ ડોરબેલ રણકી. સામે મલકાતો સુરેશ હાથમાં બેગ લઈ ઊભો હતો. સુનિતાએ તરત બેગ ઊંચકી લીધી.
સુરેશે આમતેમ નજર દોડાવતા પૂછ્યું. “મા ક્યાં?” ધારણા હતી તે મુજબ જ પૂછાયું.
“આવશે. બાજુમાં માસીને ત્યાં ગયા છે.” જણાવતાં સુનિતાના હોઠ સહેજ વંકાયા.
“ઓહ, ખોલ ખોલ બેગ ખોલ, જો તારા માટે શું લાવ્યો.” બોલતા સુરેશને સુનિતા અપલક તાકી રહી.
“મારા માટે?” તેણે જોયું બેગમાં સુંદર રેશમી પંજાબી ડ્રેસ હતો. પહોળા થયેલા હોઠ મલકી ઊઠ્યા.
“ગમશે ને?” તે બોલ્યો.
“બહુ સરસ છે.” બોલતી સુનિતાના ગાલે શરમના શેરડા પડ્યા તે જોઈ સુરેશે પણ તેની આંખમાં આંખ પરોવી જોયા કર્યું. વચ્ચે ક્યાંય સાસુમા નહોતા તે સુનિતાને ખૂબ ગમ્યું પરંતુ તેને ક્યાં ખબર હતી કે સુનિતા માટે ડ્રેસ લાવવાનું સૂચન માનું જ હતું.
“મા આવે એટલે જમવા બેસીએ. તમે નહાઈ લો.” સુનિતાએ ટુવાલ ધરતા કહ્યું.
ત્રણે જમવા બેઠાં અને સુરેશે કઢીનો સબડકો બોલાવતા કહ્યું, “વાહ, મસ્ત કઢી છે.”
“સુનિતાએ બનાવી. અને આ ઓળો, રોટલા બધું જ.” સાસુમાને આવું કહેતા સાંભળી સુનિતા તેમને આંખો ફાડીને જોવા લાગી.
“મેં તો… મેં તો વઘાર…” સુનિતાનું વાક્ય વચ્ચેથી કાપતા તેઓ બોલ્યા, “હા. વઘાર પણ સરસ ધમધમાટ છે વહુ.” તે સાંભળી સુરેશ પ્રસંશાભરી નજરે સુનિતાને તાકતો રહ્યો. સુનિતા ગડમથલમાં સાસુમાને જોતી રહી.
“હું આવતા મહિને માસી સાથે ચૌદ દિવસની જાત્રા કરવા જવાની છું. વહુ તું આવી ગઈ માટે મારે ઘરની ચિંતા નથી.” માએ ઊભા થઈ હાથ ધોતાં કહ્યું. તેમને મનમાં તો એવું જ હતું કે ભલે બંને પતિ-પત્ની પોતાની રીતે રહે. જે સ્વતંત્રતા તેઓ પોતે લગ્ન બાદ નહોતા પામી શક્યા તેવી સ્થિતિ વહુ ભોગવે તેમ તેઓ નહોતા ઈચ્છતા પરંતુ સુરેશ…
સુરેશને નવાઈ લાગી. તે પૂછે ત્યારે મા હંમેશા નનૈયો ભણતી. “મારે ક્યાંય નથી જવું.”
‘હવે અચાનક આ બદલાવ? પાછું આટલા બધા દિવસ?’ તે વિચારતો હતો. ‘સુનિતા છે માટે તેમને મારી કે ઘરની ચિંતા નથી.’
“હા. મા, તું તારે નિરાંતે જાત્રા કરી આવ.” સુરેશે નછૂટકે કહ્યું તે સાંભળી સૌથી વધુ ટાઢક સુનિતાને થઈ. ‘હાશ મોકળાશ મળશે. મારા ઘરમાં હું આઝાદ. હવે મારું રાજ.’ તે ખુશ થતી વિચારતી હતી.
નિયત દિવસે મા જાત્રાએ ગયા અને ઘર તેમજ રસોડાની સઘળી જવાબદારી સુનિતાને માથે આવી. બીજે દિવસે સવારના પહોરમાં જ બબાલ થઈ પડી. ગેસ પર ચ્હા મૂકી ત્યાં તો ડોરબેલ વાગી. પેપરવાળો હિસાબ કરવા આવેલો. તેને પૈસા આપવા ગઈ ત્યાં ચ્હા ઊભરાઈ ગઈ. માંડ ચૂલો સાફ કરી બીજી ચ્હા મૂકે ત્યાં સુરેશની બૂમ પડી, “સુનિતા મારો મોબાઈલ જોયો? મળતો નથી, જરા શોધી આપ તો.” એ શોધવામાં ટીફીન ભરવાનું મોડું થઈ ગયું તેમાં સુરેશ તે લીધા વગર જતો રહ્યો.
તેને થયું સાંજે ગરમા ગરમ ભજીયા ઊતારી આપું પરંતુ બરણીમાં તેલ પુરું થઈ ગયેલું તે તેના ધ્યાન બહાર રહ્યું. ઊતાવળ કરવામાં દાઝી જવાયું. “મા, તેલ કયાં મૂક્યું છે?” બુમ પાડ્યા બાદ ખ્યાલ આવ્યો કે ઘરમાં મા હાજર નથી. એમના હોવાથી જવાબદારીઓ વહેંચાઈ જતી.
બીજે દિવસે બાઈ ઘરકામ પતાવીને ગઈ પછી તે શાક લેવા નીકળી ત્યારે બાજુના પાડોશમાં ઘરની ચાવી આપવાની ભુલાઈ ગઈ. હમેશાં સાસુમા ઘરમાં હોવાથી આવી ટેવ નહોતી અને સુરેશ તેના પરત ફરતાં સુધી બહાર બેસી રહ્યો.
પછીના દિવસે રવિવાર હતો અને તેને સુરેશની અતિપ્રિય વેડમી બનાવવાની હોંશ થઈ. સરસ બની. સુરેશે વખાણી પણ જ્યારે તે પોતે જમવા માંડી ત્યારે થયું, ‘મા બનાવે તેવી નથી. કંઈક ખૂટે છે.’ ઘરમાં બન્ને હુતો હુતી જ હતા. ઘર પોતાનું જ હતું પરંતુ ખાલી ખાલી કેમ લાગતું હતું?
“ચટણી લીલી રહે માટે લીંબુ નીંચવવાનું.” સાસુમા બોલતા હોય તેમ સુનિતાને લાગ્યું. તેણે આજુબાજુ જોયું. ના, ત્યાં કોઈ નહોતું. અવાજ તો ભીતરથી ઊઠેલો. તેણે ચટણીમાં લીંબુ નીચવ્યું.
રોટલી કરતી હતી ત્યાં ફોન રણક્યો. “મા, લો ને મારા હાથ લોટવાળા છે.” ટેવ મુજબ બોલાયા પછી થયું, અરે, સાસુમા તો છે નહીં.
બપોરે સુરેશ ઓફિસે હોય ત્યારે તે જમવામાં એકલી પડી જતી. ગળા નીચે કોળિયા જેમતેમ ઉતરી જતા. “લે. લે ખવાઈ જશે.” તેવું કહેનાર સાસુમા ગેરહાજર હતા. પાંચમે દિવસે તો મોકળાશ માણવાની હોંશ એકલતાના કંટાળામાં પરિવર્તિત થઈ ગઈ.
“જરા ચાખો તો, દાળ બરાબર છે?” તેવું કોને પૂછાય? મા ઘરમાં નહોતા. વારંવાર સાસુમાની ગેરહાજરી શાથી સાલતી હતી? ડાઈનીંગ ટેબલ પર ત્રીજી થાળી કેમ મૂકાઈ જતી હતી?
પહેલી વાર જાતે છુંદો બનાવવાની હિંમત કરી પરંતુ સાસુમા હોત તો ચાસણી બરાબર બની કે નહીં તે ચકાસી આપત. ઓહ! વારંવાર થતું કે તેઓ હોત તો પૂછી જ લેત.
સવારથી સાંજ એકલી પડતી ત્યારે વારેઘડીએ સાસુમાનું ટોકવું, તેમના સલાહ સૂચનો જેને તે કચકચ સમજતી હતી તેનીયે ખોટ વરતાતી હતી. મમ્મી પિયર હતી અને હવે તો સાસુમા જીવનમાં વણાઈ ગયા હતાં. મનના તાર ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે! સુનિતાએ ફોન હાથમાં લીધો. સાસુમાને જોડ્યો, “મા, ક્યારે આવશો? તમારા વગર નથી ગમતું.” તે બોલી ત્યારે સામા છેડે તેને સાંભળતી માની આંખો છલકાઈ. સુનિતાના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.
“જાત્રા સરસ થઈ ગઈ છે બેટા, કુંભાર પાસે બેઠી છું. અહીંના માટલા બહુ વખણાય. માટી ગુંદાઈને ટીપાઈ ગઈ છે. ઘડાંને મનગમતો ઘાટ અપાઈ જાય, ભઠ્ઠીમાં તે શેકાઈ જાય એટલે લઈને આવીશ.” સાસુમા બોલતા હતા.
સુંદર મજાનાં માટલાં તેઓ લેતા આવ્યા. તે સાંજે સાથે માસીજી પણ જમવા આવ્યા. સુનિતાએ સરસ રસોઈ બનાવી હતી. સુરેશ ઓફિસથી આવી મા અને માસીને મળી, પગે લાગી શયનકક્ષમાં ગયો. પલંગની બાજુના સાઈડ- ટેબલ પર સુનિતાએ ગોઠવેલો તેમનાં લગ્નનો સજોડે પડાવેલો ફોટો મીઠું મલકતો હતો.
“સુનિતા, મારો ઝભ્ભો ક્યાં?”
“સુનિતા, આજનું પેપર આપ તો.”
“સુનિતા, આજે જમવામાં શું છે? બહુ ભૂખ લાગી છે.”
“સુનિતા, થાળી પીરસ, હું નહાઈને આ આવ્યો.”
“સુનિતા, ટીવીમાં પેલી સીરીયલ કેટલા વાગે છે?”
જમતી વખતે પણ તે સુનિતા…. સુનિતા… કરતો રહ્યો. એ જોઈ માસી માના કાનમાં ગણગણ્યા, “સાવ વહુઘેલો છે નહીં ?”
‘હા. મારે એ જ સાંભળવું હતું.’ મા મનોમન બોલી મલકાતી રહી. ‘વહુ સાસરે આવે તે પહેલાં માએ સાસુ બનતાં શીખવું પડે તે મને સમજાઈ ગયું.’
“મા, આ માટલા ક્યાં મુકું?” સુનિતાએ પૂછ્યું.
“તારું ઘર છે. તારે જ્યાં મૂકવા હોય ત્યાં મૂક. મને શું પૂછે? હવે માટી કાચી નથી રહી. સરસ પકવેલા છે માટે તૂટશે નહીં.” કહી તેઓ સુંદર ઘાટ ઘડેલા માટલાને નીરખતા રહ્યા.
વરસાદના છાંટાએ ભીની માટીની મહેક ચારે બાજુ પસારી દીધી. બંન્ને સ્ત્રીઓને મલકાતી જોઈ સુરેશ વિચારતો હતો, ‘ઘરમાં વહેતી સુગંધ એ જ છે પરંતુ કંઈક બદલાયું જરુર છે.’