આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સાહિત્ય દ્વારા ગૌરવગાથા શ્રેણીમાં 75 પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા એમાં આ પુસ્તક સ્થાન પામ્યું છે જે ગૌરવની બાબત છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આજે આ પુસ્તકની 35,000 હજાર નકલ ગુજરાતની લગભગ બધી શાળાના પુસ્તકાલયમાં પહોંચાડવામાં આવી છે.
મણિબહેન એટલે આપણા સ્વાતંત્ર્યસેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન એવા લોખંડી પુરુષ ‘સરદાર’ વલ્લભભાઈ પટેલનાં સુપુત્રી. સરદાર વલ્લભભાઈ પટેલને બે સંતાનો હતાં, મણિબહેન અને ડાહ્યાભાઈ. મણિબહેનનો જન્મ 3 એપ્રિલ, 1903ના રોજ ગુજરાતના કરમસદ ખાતે થયો હતો, તેમનાં માતાનું નામ ઝવેરબેન હતું, જેમનું દેહાવસાન મણિબેન 6 વર્ષનાં હતાં ત્યારે થઈ ગયું હતું. એ પછી મણિબહેનનો ઉછેર એમના કાકા વિઠ્ઠલભાઈ પટેલે કર્યો. મણિબહેને પ્રાથમિક અભ્યાસ મુંબઈની અંગ્રેજી માધ્યમની સ્કૂલ ક્વિન મેરી ખાતે પૂર્ણ કર્યો. 1920માં તેઓ અમદાવાદ આવ્યાં અને મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ પછી તેમણે પોતાના પિતા વલ્લભભાઈ સાથે એમનાં કાર્યો અને સેવાઓમાં જોડાઈને ભારતના ઇતિહાસમાં એક નવા જ આયામનું સર્જન કર્યું.
સરદાર વલ્લભભાઈ ના કોઈ સેક્રેટરી રાખતા હતા કે ના કોઈ સેવક, મણિબહેન આ બંને કામ કરી આપતાં હતાં. પોતાની અંગત જિંદગીનો વિચાર સરખો કર્યા વિના એમણે પોતાનું જીવન દેશ કાજે પોતાના પિતાનાં કામોને સમર્પિત કરી દીધું હતું. એટલે સુધી કે એમણે પોતાનાં લગ્ન માટે પણ ક્યારેય વિચાર્યું નહીં.
1923-24 ના બોરસદ સત્યાગ્રહથી મણિબહેન વિધિવત્ રીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયાં. ભારે કર વસૂલાત માટે અંગ્રેજ સરકાર લોકોનાં પશુ, મિલકત અને જમીન છીનવી રહી હતી, ત્યારે સરદાર અને ગાંધીજીને પોતાનો સહકાર આપીને મણિબહેને પોતાની પ્રેરણાથી આ સંગ્રામમાં મહિલાઓને પણ જોડી દીધી હતી. અલબત્ત, વર્ષો પછી એક વાર મણિબેનને એમનાં માતા વિશે પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે એ વિશે પોતે કાંઈ નથી જાણતાં, કારણ કે એમનાં પિતાએ આ વિશે એમને કોઈ વાત નથી કરી. એટલે સુધી કે તેમની પાસે માતાની કોઈ તસવીર પણ નહોતી.
1928 માં ખેડૂતો પર નાખવામાં આવેલા આકરા કરના વિરોધમાં સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ થયો. એ સમયે સ્ત્રીઓ ખૂબ મર્યાદામાં રહેતી, ઘરની ચાર દીવાલોની બહાર આવતી પણ નહીં. એવા સમયે મણિબહેનના પ્રયાસોથી સ્ત્રીઓ ઘરની બહાર આવી, જેના કારણે બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે જોવા મળી હતી. આ જ રીતે મહાત્મા ગાંધી દ્વારા 1930માં મીઠાના સત્યાગ્રહ માટે આદરવામાં આવેલી દાંડી યાત્રામાં પણ મણિબેનની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. એ જ રીતે મણિબેને 1942 ની હિન્દ છોડો ચળવળ વખતે પણ વલ્લભભાઈ અને ગાંધીજીને સક્રિય સાથ આપ્યો હતો, જે કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. અંગ્રેજ સરકારે એમને મહારાષ્ટ્રની યરવડા જેલમાં પૂર્યાં હતાં.
1930 થી માંડીને 1950 ની 15 ડિસેમ્બર, એટલે કે સરદાર પટેલના અવસાન સુધી મણિબહેને પોતાના પિતાની અખંડ સેવા કરી. 15મી ઓગસ્ટ, 1947ના દિને દેશ આઝાદ થયો એ પછી અને એ પહેલાં પણ પોતાના પિતાની સઘળી તકલીફો અને સંકટોનાં મણિબેન એકમાત્ર અંગત સાક્ષી રહ્યાં હતાં.
એમણે 8 જૂન, 1936 થી 15 ડિસેમ્બર, 1950 સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરીને એક ડાયરી લખી છે, જેમાં સરદાર પટેલ અંગેનાં અનેક ઐતિહાસિક અને ભાવાત્માક સત્યો, સમસ્યાઓનો સમાવેશ છે, જેમનો ઉલ્લેખ સરદાર પટેલે પોતાના કોઈ અંગત સ્નેહી કે મિત્રો સમક્ષ ક્યારેય નથી કર્યો.
મણિબહેન પોતાનાં અને પોતાનાં પિતાનાં ખાદીનાં કપડાં જાતે સીવતાં હતાં અને કાયમ ટ્રેનના થર્ડ ક્લાસમાં મુસાફરી કરતાં હતાં. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનાં આ ગરવાં પુત્રી સાદગીભર્યું જીવન જીવવામાં અને એક થીગડાંવાળી ખાદીની સાડી પહેરવામાં જરાય સંકોચ નહોતા અનુભવતાં.
સરદારના મૃત્યુ પછી એમનો વારસો મણિબહેનને સોંપવામાં આવ્યો, જેમાં બેત્રણ લોખંડના ટ્રંક, ત્રણચાર જોડ કપડાં અને સરદારના બેન્ક એકાઉન્ટમાં જમા 237 રૂપિયા સિવાય કંઈ જ નહોતું.
ભારતની આઝાદી પછી પણ મણિબહેને દેશસેવા છોડી નહોતી. આઝાદી પછી ગુજરાત પ્રોવિન્શિયલ કોંગ્રેસ કમિટીનું વાઇસ પ્રેસિડેન્ટપદ તેમણે શોભાવ્યું હતું. ત્યારબાદ જવાહરલાલ નેહરુ દ્વારા નેતૃત્વ કરવામાં આવેલી સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભા (1952થી 1957)માં સાઉથ કેરા, મુંબઈ તરફથી તેઓ સાંસદ તરીકે રહ્યાં હતાં. ત્યારબાદ 1957 થી 1964 ની દ્વિતીય લોકસભામાં પણ તેઓ આણંદ, ગુજરાત તરફથી સાંસદ તરીકે રહ્યાં. 1964 થી 1970 સુધી તેઓ રાજ્યસભાના સદસ્ય તરીકે ચૂંટાયેલાં રહ્યાં.
ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું, નહોતાં બદલાયાં તો માત્ર મણિબહેન. એમની જીવનશૈલી અને વિચારો કાયમ હતાં. હજુ એમણે અન્યાય સામે લડવાનું બંધ નહોતું કર્યું.
ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ (આઈ)ને છોડીને તેમણે મોરારજી દેસાઈના નેતૃત્વાળી કોંગ્રેસ (ઓ)માં તેઓ જોડાયાં હતાં. 1975માં જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 અંતર્ગત ભારતમાં કટોકટી લાદી હતી ત્યારે પણ મણિબહેને તેનો વિરોધ કર્યો હતો, જે બદલ તેમને જેલની સજા થઈ હતી.
1977 માં તેમણે જનતા પાર્ટીની ટિકિટ મેળવીને મહેસાણાથી ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીત પણ મેળવી હતી.
મણિબેન અનેક ટ્રસ્ટો સાથે જોડાયેલાં રહ્યાં. સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સાથે પણ તેઓ લાંબો સમય જોડાયેલાં રહ્યાં.
આજીવન દેશ સિવાય બીજા કશાનો વિચાર ન કરનાર મણિબહેન પાસે આજીવન પોતાનું ઘર નહોતું, ના કોઈ અંગત મિલકત અને જીવનના અંત ભાગ સુધી તેઓ ભાડાની રિક્ષામાં જ ફરતાં રહ્યાં હતાં. પોતાની જૂની સાડી અને જૂનાં ચશ્માં સાથે પોતાના પિતાના મહાન વારસાને પોતાની સાથે લઈ 1990માં તેમણે આ દુનિયાને અલવિદા કર્યું.
મણિબહેન પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમણે ક્યારેય પોતાની પ્રસિદ્ધ માટે કામ કર્યું નહીં. સ્વયં શિસ્ત દ્વારા પોતાના ઉદાહરણ સાથે જ અન્યોને પ્રેરણા આપી. એમણે પિતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સર્વસ્વ અર્પણ કર્યું તે ત્યાં સુધી કે છેલ્લે એમના પત્રો અને સાહિત્ય પુસ્તક સ્વરૂપે સચવાય એ માટે નવજીવન પ્રેસ સાથે મળીને બધું પ્રકાશિત કર્યું હતું.
મણિબહેન પટેલને લોકો માત્ર એક સાદાઈની મૂર્તિ કે સરદાર વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ તરીકે ઓળખે છે પરંતુ ભારતની આઝાદી માટે એમણે પુષ્કળ કામ કર્યું છે એટલે તેઓ ઈતિહાસમાં એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ સ્થાન પામ્યાં છે. એમણે આજીવન ચરખો કાંત્યો છે, જ્યારે પણ સમય મળે ત્યારે અને ક્યારેક તો કોઈ ચર્ચા વિચારણા દરમિયાન પણ એમનું કાંતવાનું કાર્ય અવિરત પણે ચાલુ રહ્યું હતું.
આ દુનિયા દેશસેવા, પિતૃસેવા અને સમાજસેવા માટે મણિબહેનને હંમેશાં યાદ રાખશે. દુનિયાના કોઈ દેશને, કોઈ પરિવારને કે કોઈ માતાપિતાને આવી દીકરી ભાગ્યે જ પ્રાપ્ત થઈ શકે. પણ હા, દીકરીઓ તો આવી જ હોય છે, એમની કદર કરવી જોઈએ.