વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ અને જય જગત

ભદ્રા વડગામા

February 25, 2022

આ વિષય પર હું તમને એક સચોટ અંગત દ્રષ્ટાંત આપવા માંગુ છું. વર્ષો પહેલાં મારી ૧૦ વર્ષની દીકરીએ મને એકવાર પૂછેલું, “હું ક્ચ્છી, ભાટિયા, ગુજરાતી, પટેલ, હિન્દુ, ઇન્ડિયન, ઇસ્ટ આફ્રિકન એશિયન કે પછી બ્રિટિશ છું?” [હું કચ્છી ભાટિયા જ્ઞાતિની છું અને મારા પતિ સોજીત્રાના પટેલ હતા, અને અમે કેન્યાથી આવી બ્રિટનમાં વસ્યાં છીએ.] આ પ્રશ્નમાં તેને કેટલી બધી ભૂમિઓના વારસા અને સંસ્કૃતિ મળ્યાં છે એ સમજાઈ જાય છે અને તેનું ડાયસ્પોરિક વિશ્વ કેટલું વિસ્તૃત છે તેનો ખ્યાલ આવે છે. તેના જવાબમાં મેં તેને કહ્યું હતું કે “તું એ બધું છે પણ અગત્યની વાત તો એ છે કે તું એક વ્યક્તિ પણ છે, જેની પોતાની એક આગવી ઓળખ છે.”

હવે એનાથી એક પેઢી આગળ જઈએ તો મારી બીજી દીકરી, જેનો પતિ અંગ્રેજ છે જે લોકડાઉનને લીધે ૧૫ મહિને મને બ્રિસ્ટલથી લંડન મળવા આવી, ત્યારે મારી પાંચ વર્ષની દોહિત્રીએ મને કહ્યું, “નાની, આઈ ફીલ ઇન્ડિયન વેન આઈ કમ ટૂ યોર હાઉસ.” ત્યારે બીજી દોહિત્રી જેના પિતા ગ્રીક અમેરિકન છે એને તો ઉપર આપેલા બધા વારસા ઉપરાંત ગ્રીસ અને અમેરિકાની ભૂમિના વરસાઓ પણ મળ્યા છે. ૧૫ વર્ષની ઉંમરે આ વિવિધ વારસાને આવરી લેતું એક કાવ્ય પણ તેણે લખ્યું છે. આથી વધુ વિશાળ ડાયસ્પોરિક વિશ્વ કેવું હોઈ શકે?

બ્રિટનથી વિપુલભાઈ કલ્યાણીના સંપાદન હેઠળ પ્રસિધ્ધ થતા ‘ઓપિનિયન’ મેગેઝીનમાં આપણને ગુજરાતી લોકોના વિવિધ વારસાને આવરી લેતી કૃતિઓ વાંચવા મળે છે, પછી તે લેખ હોય, વાર્તા હોય, કાવ્ય હોય, અનુવાદ હોય, નાટક હોય, વિડીયો હોય કે છબીઓ. પૂર્વ આફ્રિકામાં પહેલ વહેલાં જે ગુજરાતીઓ સ્થાયી થયાં તેમાં ભાગ્યે જ કોઈ પુરુષ મેટ્રિક સુધી ભણેલો હશે. અને જ્યારે નવા પ્રદેશમાં સ્થાયી થવામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય ત્યારે પેટિડો ભરવા ફાંફા મારતાં લોકો પાસે એમના અનુભવો વિષે લખવાની ન તો હતી આવડત કે ન તો હતો અભરખો. પણ વિપુલભાઈએ ઓપિનિયનમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતી વસાહિતોના અનુભવો અને તેમણે લીધેલી છબીઓ છાપીને એ ઇતિહાસને લેખિત રૂપ આપ્યું છે. વિશ્વમાં ભારતીય વસાહતનો ડાયસ્પોરા સૌથી મોટો છે. કોમનવેલ્થ દેશોમાંથી બ્રિટિશ નાગરિકતા ધરાવતાં લોકોને બાદ કર્યા પછી પણ ૧૮ કરોડ જેટલાં ભારતીય નાગરિકો ભારતની બહાર વસી રહ્યાં છે.

ક્યારેક એવું પણ બને કે અમુક માબાપોએ પોતાનાં બાળકોને વારસાની ભૂમિના સંસ્કારો ન પણ આપ્યા હોય, અથવા તો બાળકોએ તેને અવગણ્યા હોય, પણ એ સંસ્કારો કદી સંપૂર્ણપણે લુપ્ત થતા નથી. આનો દાખલો ‘ઓપિનિયન’ના એક અંકમાં રંજના હરીશના સુંદરી નામની સ્ત્રી વિશે લખેલા લેખમાં જોવા મળે છે. સુંદરીનાં માતાપિતા ભારતથી મલેશિયા જઈને વસ્યાં હતાં, અને ત્યાંથી પછી અમેરિકા. તેમણે સુંદરીને ન તો ભારતની કે ન તો મલેશિયાની સંસ્કૃતિ વિશે કંઈ સમજાવ્યું હતું. સુંદરીને ત્રણ મહિના સુધી સતત એક જ સ્વપનું આવતું જેમાં તેને એક મહાકાય વાનર પોતાની પાસે બોલાવતો હતો પણ તે વાનર હનુમાન હતા તે વાતથી તે સાવ અજાણ હતી. તે નર્સ હતી એટલે જ્યારે તેની હોસ્પિટલમાં એક ભારતીય નારી દર્દી થઈને આવી અને તે હનુમાન ભક્ત હોવાથી તેણે ખાટલા પાસેની ટેબલ પર હનુમાનની છબી મૂકી, ત્યારે એ દર્દી સાથે વાત કરતાં સુંદરીએ હનુમાનની વાતો સાંભળી. ત્યારબાદ એ હનુમાન ભક્ત બની મંદિરમાં એમના દર્શને જતી થઈ. આમ અનાયાસે પણ એના ભારતીય વારસાએ એને જકડી લીધી.

કહેવાય છે કે માતૃભાષા ન આવડતી હોય તો એ ભાષા સાથે સંકળાયેલી સંસ્કૃતિ નથી જળવાઈ શકતી. અમુક અંશે એ સાચું છે પણ બ્રિટનમાં જન્મેલાં ગુજરાતી ભાષા ન જાણવા છતાં અમુક બાળકો અને યુવાનોને મેં ગુજરાતી ભજનો અને ગીતો ગાતાં સાંભળ્યાં છે અને તેમના પર ગુજરાતી વારસાની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.

જો આ વિષય પર વધુ વિચારણા કરવી હોય તો ૨૮/૧૦/૨૦ નો ‘ઓપિનિયન’માં વિપુલભાઈએ લખેલો લેખ: ‘બાપીકા ઓરતા: વર્ણ અને વારસાની વાતડિયું’ વાંચવા સૂચવું છું, કેમકે એમાં ગુજરાતીઓના સંકૂચિત માનસનો પણ ઉલ્લેખ કરેલો છે. એ લેખના સંદર્ભમાં મેં તેમને લખ્યું હતું કે ‘ગુજરાતીપણાની સંકૂચિતતા વિના હું તો ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, યુગાન્ડન, અને કેનિયન – દરેક પ્રાંત કે ભૂમિના ઉચ્ચ ગુણોના પલ્લામાં બેસી જ્યારે પણ મોક્કો મળે ત્યારે તેમની જયગાથા માણી, બ્રિટિશપણામાં રાચું છું.’

અને આખરે ‘જય જગત’ના સંદર્ભમાં મારે ઉમાશંકર જોશીના કાવ્યની પંક્તિઓને થોડો વળાંક આપવો છે:
“જે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી
એ તે કેવો ગુજરાતી
જે વસ્યો છે સાગરપાર”

પછી ભલે હોય તે દેશ
આફ્રિકન, ઓસ્ટ્રેલિયા, યેમન કે કેનેડા,
જાપાન, ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન કે ફીજી,
બ્રિટન, મલેશિયા, ઓમાન કે મોરિશિયસ,
યુએસએ, ચીન કે શ્રી લંકા,
અને એ વસાહતના દેશોનાં નામે તેની ઉછળે ન છાતી?