જીન્સ

યામિની પટેલ

February 7, 2023

આખરે મેં કંટાળીને ડેટિંગ વેબસાઈટ પર મારું નામ લખાવી જ દીધું. મૅરેજ બ્યુરોનો ઑપ્શન મારા માટે નહોતો. એમાં તો આખો બાયૉડેટા આપવો પડે. ઓળખીતાં, પાળખીતાં, સગા વહાલા, મિત્રો બધા મારા વિશે જાણે જ. માટે જ એમાંથી કોઈ છોકરો બતાવવા તૈયાર જ નહીં ને! ડેટિંગ વેબસાઈટ જ બેસ્ટ. અજાણ્યા છોકરાઓ તો ખરા.

જો કે એ અજાણ્યાંઓ પણ મારા ફોટા જોઈ જાણીતા થવા પ્રયત્ન કરતા. કેટ કેટલાંય મૅસેજ આવે સાંજ પડે. જો કે હું કોઈને જવાબ આપતી નહીં. પણ એક છોકરો….. એને હું જવાબ આપવા લાગી. ચેટિંગ ચાલ્યા કર્યું.

એને તો હતી મળવાની ઉતાવળ પણ મેં ટાળ્યા કર્યું. જો કે એક રીતે સારું જ થયું. વધારે જાણી શકી આમ એના વિશે હું.

આમ ને આમ સારો એવો વખત વીતી ગયો. મને એમ કે મારી મળવાની ના સાંભળી સાંભળીને એ વહેતો થશે, પણ ના, એવું કશું થયું નહીં. ઘણો ધીરજવાળો લાગ્યો.  એનો નંબર તો એણે ક્યારનો ય આપેલો, પણ હવે મેં હિંમત કરી એને મારો નંબર આપ્યો. હવે whatsapp માં અમારું ચેટિંગ ચાલતું. ઘણા દિવસો પછી એણે વળી પાછું મળવા માટે કહ્યું. આ વખતે મેં ના ના પાડી.

ઓપન કાફેમાં અમે મળ્યા. સમજુ તો પહેલેથી લાગતો જ હતો મળ્યા બાદ હસમુખો પણ લાગ્યો. દેખાવ તો એનું ડીપી જોયું ત્યારથી ખબર જ હતી કે સાધારણ હતો. એનો વાંધો નહીં, સ્વભાવ સારો હોય એટલે પત્યું.

જેટલી વાર એને આમ પબ્લિક પ્લેસમાં મળતી એટલી વાર લાગતું, વાંધો નહીં આવે. એકાદ બે ફિલ્મો જોઈ પાડી, એક બે ડિનર પણ કર્યા. રાત્રે ઘરે મૂકી જવા એ ઘણીવાર કહેતો પણ હું ના પાડતી.

તે દિવસે એ સ્કૂટર લઈને આવેલો. દૂર એક દરિયો દેખાય તેવી કાફેમાં જવાનું નક્કી કર્યું. ફ્રોક સાથે હું સ્કૂટર પર એક સાઇડ પગ રાખીને  બેઠી. ટ્રાફિક… એમાંય રસ્તો ઓછો ને ખાડા વધારે. મારે એના ખભા પર હાથ રાખી ટેકો લેવો જ પડ્યો.

દરિયા કિનારે અમે થોડું ચાલ્યા. તે દિવસે પવન ખૂબ હતો. મારું ફ્રોક….. મને ફ્રોક સાચવવાની મથામણ કરતા જોઈ એ બોલ્યો,

“ચાલ, બહુ થયું. કાફેમાં જઈને બેસીએ?”

હજુ અમે વહેલા હતા  એટલે કાફેમાં લોકો ઓછા હતા. ખૂણાનું ટેબલ પસંદ કરી અમે ત્યાં બેઠા. ફ્રૅશ લાઇમ સોડા પીતાં પીતાં એણે પૂછ્યું,

“તું વેસ્ટર્ન તો પહેરે છે પણ જીન્સ? એ નથી પહેરતી?”

હું સહેજ મલકી.

“કેમ તને નથી ગમતા?”

“એવું નથી, ગમે છે.”

“એ પહેર્યું હોત તો સ્કૂટર પર બે બાજુ પગ રાખી બેસાત. દરિયા કિનારે પણ તકલીફ ના પડત.”

“ઑફિસમાં તો હું રોજ પેન્ટ જ પહેરીને જાઉં. પછી બહાર જતા એ નથી પહેરવા ગમતા.”

“મારા તો જીન્સ ફેવરિટ.”

“જોઈ રહી છું. રોજ જુદા જુદા…”

“હા, પણ બ્રાન્ડ એક જ. ધિવાઇઝ.”

“એટલાં ગમે તને ધિવાઇઝના જીન્સ?”

“એનું ફીટ, એના કટ અને સ્ટાઇલિંગ બેસ્ટ. કમ્ફર્ટ તો એના જેવું ક્યાંય ના મળે. તું એકવાર પહેરી જોજે, તને ય ગમશે. પછી તો જોબ પર પણ એ જ..”

“તારી જોબમાં તને પ્રમોશન મળવાનું હતું ને એનું શું થયું?”

“મળવામાં જ છે. એની પાછળ જ લાગેલો છું. લગ્ન થશે એટલે જરૂરિયાતો પણ તો વધશે.  જો કે તારો પગાર પણ…. પણ એ તો કહે તું કરે છે શું?”

“જોબ.”

“હા પણ ક્યાં? શું કામ છે તારું?”

“જો પગાર સારો છે મારો, વાંધો નહીં આવે.”

“એ બધું સમજ્યા, પણ શું કામ કરે છે એ કહે ને? અને ક્યાં?”

મેં ઘડિયાળમાં જોયું, “બાપ રે આટલું મોડું થઈ ગયું? આપણે પછીથી શાંતિથી મળીએ?”

“તું મારા પ્રશ્નનો જવાબ આપવાનું કેમ અવોઇડ કરે છે હંમેશા? કામની વાત નીકળે કે તરત જ તું જવાનું નામ લે છે. જો કોઈ ઊંધું ચત્તું કામ…”

“ના, ના, એવું કશું જ નથી. સાચે જ ઉતાવળ છે.”

ખરી ઉતાવળ તો એને હતી, જાણવાની. પણ મને કહેવાની ઉતાવળ જરાય નહોતી.

પાછા થોડા દિવસ અને પાછો પેલો જ પ્રશ્ન. કામનો. કંપનીનો. આમ તો હું એના ઘરે પણ જઈ આવેલી. એ પણ મારા ઘરે આવી ગયેલો. બધું બધાને પસંદ પડેલું, છતાં હું અચકાતી હતી. પણ આ વખતે મેં હિંમત કરીને કહી દીધું.

“તને જીન્સ પહેરવા બહુ ગમે છે ને ધિવાઈઝના?”

“હા તો?”

“હું એમાં જ કામ કરું છું.”

“લે, તો અત્યાર સુધી બોલતી કેમ નહોતી? હું વળી તને એના જીન્સ ટ્રાય કરવા કહેતો હતો.  તને તો એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટમાં સસ્તામાં મળતા હશે નહીં?”

“હા. પણ હું ખરીદું નહીં ને? ત્યાં એટલા પહેરવાના થાય કે… “

“તો ખરીદ્યા વિના કઈ રીતે પહેરે? મફતમાં આપે?”

“ટ્રાયલ માટે તો આપે જ ને મફતમાં.”

“ને ટ્રાયલ પછી ગમી જાય તો?”

“તો પછી બને એવા ઢગલા બંધ.”

“હું સમજ્યો નહીં.”

“હું ધિવાઇઝ કંપનીમાં જીન્સ ટ્રાય કરવાનું કામ કરું છું.”

“એટલે?”

“એટલે એમ કે નવી નવી પૅટર્ન આવે, નવા નવા બેચીઝ આવે, દરેક વખતે મારા પર ટ્રાયલ થાય. ફીટીંગ જોવાય. ઓકે થાય એટલે જથ્થાબંધ બને એ જ માપથી. વળી બન્યા પછી પણ મારા પર ટ્રાયલ થાય.”

“આવી ય જોબ હોય છે? મેં તો પહેલી વાર સાંભળ્યું આવું.”

“ઘણાને ખબર નથી હોતી.”

“તે અત્યાર સુધી બોલતી કેમ નહોતી? આમાં વળી છુપાવવા જેવું શું છે?”

“તે તને વાંધો નથી ને?”

“મને શું કામ વાંધો હોય?”

“આ તો બીજાને કહેવું હોય કે શું કામ કરે છે તો જરા મુશ્કેલ પડે એટલે.”

“એ હું સંભાળી લઈશ. ચિંતા ના કર. હવે મને ખબર પડી કે ખાવાપીવામાં તું કેમ આટલું ધ્યાન રાખે છે તે. તારી ફિગર માટે તારે કોન્શિયસ રહેવું જ પડે.”

“હા. હું જરાય વધી જઉં, વજનમાં કે ઇંચમાં, તો ન ચાલે.”

“તો તો તું આવી જ હૉટ રહેવાની હંમેશા. ગુડ ગુડ.”

“હંમેશા. સમજ્યો?”

“હા, હા, સમજ્યો.”

“એક ઇંચ પણ વધવા ના દેવાય. સમજ્યો?”

“હા, હા. હવે કેટલી વાર પૂછીશ?”

“તું પણ મને ના પૂછતો.”

“શું?”

“કે બાળકોનું શું?”

“કેમ? તને નથી ગમતા?”

“ગમે ને, ખૂબ ગમે. પણ વજન, ફિગર કશું ડિસ્ટર્બ થાય તો જોબ ના રહે. માટે વી કાન્ટ પ્લાન અવર બેબી એવર.”  

“વોટ? મારા મા-બાપ તો અત્યારથી જ એના સપના જુએ છે.”

“તો સરોગસી છે. અડૉપ્શન પણ કરાય.”

“હોતું હશે? પોતાનું લોહી એ પોતાનું લોહી. આપણા જીન્સ એ આપણા જીન્સ. મારા મા-બાપ તો કદાચ તારા આ કામને પણ… સમાજને શું કહેવું? યાર. એક કામ કર. તું જોબ બદલી નાખ.”

“એના કરતાં હું છોકરો જ બદલી નાખું તો?”

આટલું બોલી હું નીકળી ગઈ ત્યાંથી સડસડાટ.