જટાયુ

સુષમા શેઠ

April 27, 2023

ચર્ચગેટથી બોરીવલી જતી રાતની દસ પચાસની ફાસ્ટ લૉકલમાં હું દાદર સ્ટેશનેથી ચડ્યો. એ સમયે પોણા ભાગની ટ્રેન લગભગ ખાલી જ રહેતી હોય છે. મેં બારી પાસે બેઠક જમાવી ત્યાં તો હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી. ધીમે રહીને ગતિ પકડતી ટ્રેન પ્લેટફોર્મ છોડે તે પહેલાં એક યુવતી દોડતી આવીને હું બેઠો હતો તે ડબ્બામાં ચડી ગઈ. તેના ચહેરા પર ટ્રેનમાં ચઢીબેઠાની રાહત વરતાઈ આવતી હતી. પરસેવે રેબઝેબ થયેલી હાંફતી યુવતીએ હાશકારા સાથે આમતેમ નજર ફેરવી અને દરવાજા નજીકની સીટ પર પર્સ મૂકી ગોઠવાઈ ગઈ.

હળવાશ અનુભવતી હોય તેમ દુપટ્ટાથી પરસેવો લૂછી પોતાની મોટી પર્સમાંથી નાનકડું મોબાઈલ કાઢી તે મેસેજ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. વેગપૂર્વક દોડતી ટ્રેન બહાર છવાયેલા અંધકારને કાપી તેને અવગણતી આગળ ધપતી હતી. મુંબઈના જાણીતા પરાં, ઊંચા એપાર્ટમેન્ટ, નાના મકાનો, આડેધડ ફેલાયેલી ઝૂંપડપટ્ટીના વિસ્તારો અને ફાટક પાસે કર્કશ હોર્ન વગાડી ટ્રાફિક જામ કરતી અણઘડ ગાડીઓ જોવામાં મનેય રસ નહોતો. પેલી તરફ એક અછડતી નજર કરી અને પછી હુંય મારા મોબાઈલને નીચી ડોકે મચડતો રહ્યો.

પેલી તરફ અછડતી નજર ફેંકેલી ત્યારે મેં જોયું હતું, તે યુવાન હતી. ચહેરાનો દેખાવ સાધારણ કહી શકાય પરંતુ તેનું શરીર સુડોળ અને સપ્રમાણ હતું. લેટેસ્ટ સ્ટાઈલના સુઘડ પંજાબી ડ્રેસમાં તે શોભી રહી હતી. તેની મોટી પર્સ, હાથમાં ફાઈલ અને ચહેરા પરનો થાક જોઈ મેં અનુમાન લગાવ્યું કે તે કદાચ કોઈ મોટી ફર્મ કે કંપનીમાં તેનું કામ પતાવી પોતાના ઘરે જતી હોવી જોઈએ.

અમારે એકબીજાની હાજરીની નોંધ લેવાની ખાસ  દરકાર ન હોય તેમ હું મારા મોબાઈલમાં વ્યસ્ત હતો અને તેણી તેના. છેક છેલ્લા સ્ટેશન બોરીવલી પર મારે ઊતરવાનું હોવાથી હું પીઠ લંબાવી અને પગ ફેલાવી આરામથી બેઠો. મુંબઈની હાલકડોલક થતી લૉકલમાં આવી મોકળાશ જવલ્લે જ મળે. હું ઝોકું ખાવાની તૈયારીમાં જ હતો તેવામાં પીઠ પાછળ થતો ગણગણાટ મારા કાને અથડાયો.

“ક્યા ચીકના માલ હૈ રે.” લાળ ટપકતો સ્વર સંભળાયો.

“અબે, અપુન કે વાસતે હી ચ હૈ.” ખંધુ હાસ્ય હવામાં ઊછળ્યું.

“યે ફટાકડી કો પટાને કા કિ ગીરા દેનેકા?” સાંભળી મને જરાતરા ખ્યાલ આવ્યો કે આ સંવાદ પેલી એકલી બેઠેલી યુવતીને અનુલક્ષીને થઈ રહ્યો હતો. હું સહેજ ટટ્ટાર થયો. પેલી યુવતી અને મારા ઉપરાંત ડબ્બામાં મારી સીટ પાછળ બે જણા બેઠા હતા. તેમની વાતચીતની ભાષા પરથી એ બંને લફંગા ગુંડાઓ હતા તેવું પ્રતીત થતું હતું.

“સોચને કા નૈ ભીડુ. પંછી કો ઊઠા લેનેકા.” સાંભળી હું ધ્રૂજી ગયો. તેમની સડક છાપ બમ્બૈયા ભાષાથી હું અજાણ નહોતો જ. ખડખડ કરતા લય સાથે ટ્રેન પોતાની નિયમિત ગતિથી આગળ વધી રહી હતી.

મેં પાછળ ફરીને જોયું. તે બંનેને જોતાં હું ખરેખર કંપી ઊઠ્યો. ગળામાં રુમાલ, તે  બંનેમાંથી એકના રુક્ષ ચહેરા પર ઘાવના નિશાન, બીજાનો કાળો કદાવર દેહ, બેફિકરાઈથી પીવાતી સિગારેટમાંથી બહાર કઢાતા ધુમાડા અને મોંઢામાંથી નીકળતી મા બહેન સમાણી ગંદી ગાળોએ મને ચોંકાવી દીધો. તેમના મોઢામાંથી વછૂટતી દારુની ગંધ સાથે બંનેના બદઈરાદાની ગંધ પણ હું સુંઘી ગયો હતો. તેમની મોટી ચકળવકળ આંખો મવાલીગીરી પ્રદર્શિત કરતી હતી.

મારું મોઢું એમની તરફ ફરેલું જોઈ તેમાંના એકે તોછડાઈથી પૂછ્યું, “કિધર જાનેકા?”

મારે બોરીવલી ઊતરવાનું હતું તેવું મેં તેને જણાવ્યું.

“અગલે સ્ટેશન ઊતરજા સા… ભૈણ…નહીં તો સીધ્ધા ચ ઊપર…પૌંચ જાયેંગા. સમજા ક્યા…” કહી તેણે બેફિકર અટ્ટહાસ્ય કર્યું. વિરુદ્ધ દિશા તરફ મોઢું રાખી બેઠેલી, મોબાઈલમાં ખૂંપેલી પેલી યુવતી હજુ કદાચ આ બંનેની હાજરીથી બેખબર હતી.

પેલાએ મને આપેલી ધમકી સાંભળીને આગલા સ્ટેશને ઊતરી પડવા હું ઊભો થઈ ગયો. તેમની સામે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો. પવનના સુસવાટા સાથે દોડતી ટ્રેનના ખુલ્લા દરવાજા પાસે જતા પહેલાં મેં પેલી યુવતી નજીક જઈ તેના કાનમાં ધીમેથી ફૂંક મારતાં કહ્યું, “મલાડ સ્ટેશને ઊતરી જા બહેન.”

મગજમાં ગડ ન બેસતી હોય તેમ તેણીએ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. મેં તેને છેક પાછળ જોવાનો ઈશારો કર્યો. એ સમજી ગઈ. તેની નજર પેલા બે ગુંડા મવાલીઓ પર પડી અને તે પોતાનું પર્સ લઈને એકદમ ઊભી થઈ ગઈ. આગલું સ્ટેશન આવવાને એક મિનિટની જ વાર હતી. તેણીને ઊભી થતી જોઈ પેલા બંને અમારી તરફ ધસી આવ્યા. એકના હાથમાં ખુલ્લું રામપૂરી ચાકુ હતું. બીજો સાવ બેશરમ બની એકીટશે યુવતીને તાકતો ગીત ગણગણતો હતો, “મેરે સપનોં કી રાની કબ આયેગી તુ…”

મને ઊતરી જવાનું કહેનારા પેલા બંને એ યુવતીને સહેલાઈથી જવા દે તેમ નહોતા. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. હું તદ્દન મધ્યમ કદ ધરાવતો એક સામાન્ય નાનો માણસ. કોઈ સામે ઊંચે સાદે બોલીયે ન શકું. આવા ચાકુ-છરો લઈ ફરતા ભયાનક માથાફરેલ ગુંડાઓ સામે વળી મારું શું ગજું? મેં મનોમન પ્રભુ શ્રીરામનું નામસ્મરણ કરવા માંડ્યું. અચાનક મારા શરીરમાં જોશ ઊભરાઈ આવ્યું. ‘હવે આ પાર કે પેલે પાર’ મેં વિચાર્યું.

સામાન્યત હું શાંત અને ઓછાબોલો. જો કે હું ગમે તેટલો સરળ ગણાઊં પરંતુ મારાથી અસત્ય, અન્યાય કે ગુનો જરાય સહન ન થાય, છોને એ બીજા કોઈ પરત્વે થતો હોય. કૉલેજમાંય હું તેવું જોઈ ઊકળી પડતો. તે વખતે મારો અવાજ મોટો થઈ બહાર નીકળતો. મારું એ ઊગ્ર સ્વરુપ જોઈ સૌને નવાઈ લાગતી. ખોટી વાતનો વિરોધ કરવાનો હોય ત્યારે હું ચુપ ન બેસી શકતો. એક વાર મિત્રને જૂઠું બોલતો સાંભળી તેનો કાંઠલો પકડી લીધેલો. બધાએ વચ્ચે પડી અમને છોડાવ્યા. મારી સચ્ચાઈથી ચમકતી તીક્ષ્ણ આંખો અને અન્યાયનો વિરોધ કરવાની ટેવને લીધે સૌએ મારું નામ જયમાંથી “જટાયુ” કરી નાખેલું. સૌ ચીડવતાય ખરા, “જુઓ પેલો હીરોગીરી કરે છે તે જક્કી જટાયુ જાય.” જોકે એથી મને કોઈ ફરક ન પડતો કારણ કે હું સાચો હતો. મારી હાજરીમાં છોકરીઓની છેડતી કે મશ્કરી કરતાં મારા મિત્રો ડરતા.

તે વખતે મારી સામે બે રસ્તા હતા. એ એકલી યુવતીને પેલા બે દુષ્ટોને હવાલે રામભરોસે મૂકી ભાગી જવું અથવા મારા રામ પર ભરોસો મૂકી જે થશે તે જોયું જશે માની તેની મદદે રહેવું અને મવાલીઓનો સામનો કરવો. તેમનો સામનો કરવાનું શારીરિક બળ મારામાં નહોતું જ પરંતુ માનસિક જોશ તો હતું જ ને! હું જાણતો હતો કે તે બંને સામે મારા જેવાનું કોઈ ગજું નથી તે છતાંય…

પેલી અજાણી યુવતી એકલી હતી. ‘એની આ લોકો શી હાલત કરશે? આવો ગુનો હું મારી હાજરીમાં કઈ રીતે થવા દઊં?’ પળવારમાં મને અનેક વિચારો આવી ગયા, ‘મારી નજર સમક્ષ એક સ્ત્રી પર થવા જઈ રહેલો અન્યાય હું સહન ન જ કરી શકું. ધિક્કાર છે મારી જાત પર જો હું કાયરની જેમ ભાગી જાઊં. મારું જે થવાનું હોય તે થાય પરંતુ મારી બહેન જેવી આ યુવતીની સહાયતા મારે કરવી જ રહી. આગલું સ્ટેશન આવે કે તરત તેનો હાથ ખેંચી તેને લઈ નીચે ઊતરી પડું પરંતુ ત્યાં સુધી પેલા લફંગા ગુંડાઓને મારે રોકવા જ રહ્યા.’ મારી ભીતર ખળભળાટ મચી ગયો. મારા મનમાં મારા રામ આવીને વસ્યા અને મેં બીજો વિકલ્પ પસંદ કર્યો.

એ યુવતી અને પેલા બંનેની વચ્ચે હું આડશ બની ઊભો રહી ગયો. મારી આંખોમાં ખુન્નસ ઊભરાઈ આવ્યું. અચાનક મારી નસોમાં વહેતું ગરમ લોહી વધુ તેજીથી દોડવા માંડ્યું. મારી ભીતર સંકોચાઈને બેઠેલું વિરાટ ગીધ આળસ મરડી બેઠું થયું. પેલા રાવણોને ચાંચ મારી ફોલીને ચૂંથી નાખવા હોય તેમ, એક બૂટ કાઢી, હાથમાં લઈ હું પેલાને ધડાધડ ઝૂડવા માંડ્યો. પેલો કંઈ સમજે કે વિચારે તે પહેલાં મેં મારી બૉલપેનની અણી તેની આંખમાં ખૂંપાવી દીધી.

“ઊહ… આહહહહ…” એ આંખ પર હાથ દબાવી ચીસો પાડતો સીટ પર બેસી પડ્યો. તે જ વખતે બીજા ઇસમે મારા પેટમાં ધારદાર ચપ્પુ હુલાવી દીધું. તેના પ્રહારથી હું નીચે પછડાયો છતાંય ટ્રેનનો સળિયો પકડી લઈ ઊભા થઈ મેં હતું એટલું જોર કરી તેને ધક્કો માર્યો. હું જાણતો હતો કે પેલા બે હતા અને હું એકલો. એમની પાસે ચપ્પુ હતું, મારી પાસે મારા બે હાથ. વળી જે હાથ આવ્યું તે હથિયાર. તે બંને કદાવર અને શક્તિશાળી હતા અને હું દુર્બળ પરંતુ લાચાર બની તાલ જોયા કરવો એ મારા સ્વભાવમાં નહોતું. એ યુવતી બિચારી થરથર કાંપતી હતી. તેણે છટકીને ડબ્બાના બીજે છેડે ભાગવાનો પ્રયત્ન કર્યો.

ભડકેલા ખૂંખાર જાનવર જેવો બીજો ગુંડો મારી પર તૂટી પડ્યો. તેણે મને એક તરફ હડસેલી દઈ ફરી વાર નીચે પછાડ્યો. મારા માથામાંથી રક્તની ધારા વહેવા માંડી. એટલી વારમાં સ્ટેશન આવતાં ટ્રેન ધીમી પડી. એક ગુંડાએ પેલી યુવતીનું મોઢું દબાવી તેને પકડી રાખેલી. બીજાએ મને લાત મારીને ટ્રેનના ડબ્બામાંથી બહાર ફંગોળી દીધો. હું કંઈ કરી શકું તે પહેલાં ફાસ્ટ લોકલે સ્ટેશનનું પ્લેટફોર્મ છોડ્યું.

રાતના અંધકારમાં મલાડ સ્ટેશન પર નહીંવત અવરજવર હતી. લોહી નીંગળતા પેટ પર હાથ દબાવી મેં હતું તેટલું જોર કરી ચીસ પાડી, “હે…લ્પ…”

એ સાંભળી ત્યાં પહેરો આપતી રેલ્વે પોલીસ તરત દોડી આવી. મારી આંખે અંધારાં આવતા હતાં. કપડા લોહીથી લથપથ થવા માંડ્યા. લાંબા ચાકુથી થયેલ ઊંડા ઘાને લીધે પેટમાં અસહ્ય પીડા થતી હતી. મને લાગ્યું કે હું બેભાન થઈ જઈશ. મારી આસપાસ લોકોનું ટોળું જમા થવા માંડ્યું.

મેં પોલીસને તૂટક તૂટક શબ્દોમાં કહેવા માંડ્યું, “મને છોડો. પેલી છેલ્લા ડબ્બામાં… એકલી… બે ગુંડા… તેને બચાવો… આગલા સ્ટેશને… પોલીસને ખબર કરો… રોકો…” મારા કહેવાનો અર્થ પોલીસો સમજી ગયા. તેમણે કાંદીવલી સ્ટેશને ટ્રેન રોકવાના આદેશો આપી દીધાં. ત્યાં હાજર પોલીસને જરુરી સૂચનાઓ અપાઈ ગઈ. મને એમ્બ્યુલન્સમાં સુવડાવી નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાયો.

મારા શરીરમાંથી ખાસ્સું લોહી વહી જવા પામ્યું હતું. ખિસ્સામાં રાખેલા મારા મોબાઈલમાંના નંબર પરથી ફોન દ્વારા મારી પત્ની ગરિમાને સમાચાર મળતાં અડધી રાત્રે તે તુરંત હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં દોડી આવી.

“સર્જરી કરવી પડશે.” ડૉક્ટર મારી પત્નીને કહી રહ્યા હતા. અર્ધબેભાન અવસ્થામાંય મારા સતેજ કાન એ તરફ મંડાયેલા હતા. તેમની વાતચીત મારે કાને ઝાંખીપાંખી સંભળાતી હતી.

“ડોક્ટર, આ બધું કઈ રીતે? એમને શું થયું?” ગરિમા ગભરાટભર્યા સ્વરે પૂછી રહી હતી.

“તમારા પતિએ એક અજાણી યુવતીને બે મવાલી ગુંડાઓથી બચાવવાની કોશિશ કરી હોવી જોઈએ. પેલા લોકોના હુમલા સામે તેમણે બહાદુરીપૂર્વક લડત આપી. કાંદીવલી સ્ટેશને ટ્રેન રોકી પોલીસે તે બંનેને પકડી લીધાં છે. પેલી યુવતી ખૂબ ડરી ગયેલી. એ પણ ઘાયલ થઈ છે પરંતુ તેને બીજી કોઈ ગંભીર હાનિ થઈ નથી. તમારા પતિ ન હોત તો બિચારીનું શું થાત તે રામ જાણે પરંતુ સમયસૂચકતા વાપરી તમારા પતિએ જીવની બાજી ખેલીનેય પેલાઓનો સામનો કર્યો. તેમના પેટમાં ચપ્પુના ઊંડા ઘા થયા છે. આંતરડાને નુકસાન થયું હશે. ઠેક ઠેકાણે મૂઢ માર વાગ્યો છે. માથામાંથી વહેતા લોહી પર અમે તાત્કાલિક પાટાપીંડી કર્યા. એમણે સમયસર પોલીસને આ ધટના અંગે યોગ્ય દિશા નિર્દેશ કર્યો, બધી જાણ કરી અને પેલી બચી ગઈ.” ડોક્ટર કહી રહ્યા હતા.

“એ એવા જ છે. ખુદને જરાય લાગતું વળગતું ન હોય પરંતુ આંખ સામે થતો અન્યાય તેમનાથી સહન ન થાય. તેમાંય આ તો સાવ એકલી નારી! તેનું નામઠામ પણ નહીં જાણતા હોય. ડોક્ટર, મારા પતિ બચી તો જશેને? એમને કંઈ નહીં થાય ને?” મારી પત્ની પૂછી રહી હતી.

“હાલ તો કશું કહી ન શકાય. તમે ચિંતા ના કરો. અમે બનતા બધાં જ પ્રયત્નો કરીશું.” ડોક્ટર બોલ્યા, “લો આ સર્જરી માટેના સંમતિપત્ર અને ફોર્મની વિગતો ભરી અહીં સહી કરી દો. પેશન્ટનું નામ અહીં લખો. શું નામ એમનું?”

“જય. ના, જટાયુ.” ગરિમાનો સ્થિર ગંભીર ટટ્ટાર સ્વર ઓરડામાં ગુંજ્યો. “જટાયુ” શબ્દ ઉચ્ચારતાં તેની છાતી ગર્વથી ફુલી જતી હોય તેવું લાગ્યું. મારા માટેનો આદર તેની આંખમાં છલકાયો. તે ઉન્નત મસ્તકે મારી સમીપ ઊભી રહી. મારો હાથ ઝાલી જાણે કહેતી હોય, “હું દુનિયાને ગર્વથી કહીશ કે મારો પતિ વીર લડવૈયો છે.”

આખું શરીર પીડાથી કળતું હોવા છતાંય મારા ચહેરા પર હાસ્ય પ્રસરી ગયું. હા, હું જટાયુ હતો. રામાયણની કથાનું એક નાનકડું અદકેરું પાત્ર. મારા યશોગાનની ગાથાઓ નથી ગવાતી છતાંય લોકો મારું નામ આદરપૂર્વક લે છે. માણસ પ્રત્યે માણસ તરીકેની ફરજ બજાવનાર, એક નીડર યોધ્ધો છું. દેશના સીમાડે લડનાર નહીં પરંતુ સમાજના નિયમોની સીમા લાંઘનાર સામે લડનાર. સત્કાર્ય કરવાના સંતોષરુપી તેજથી મારો ચહેરો ઝગમગી ઊઠ્યો. આંખોમાં આનંદ આંજી, મનમાં શાંતિ ભરી દઈ હું આંખો મીંચી બોલ્યો, ‘હે રામ. હવે આ પાર કે પેલે પાર. હું તૈયાર છું.’

*************

જયને ઑપરેશન થિયેટરમાં લઈ જવાયો. ગરિમા મનમાં ઉચાટ સાથે સર્જરી પૂરી થવાની રાહ જોતી બહાર બેઠી. એક અજાણી યુવતી આવીને તેનો ખભો દાબી તેની બાજુમાં બેસી પડી.

“તું કોણ?” ગરિમાએ પૂછ્યું.

“તારા પતિએ જેની આંખમાં બૉલપેનની અણી ખોસી દઈ તેને કાણો કરી મૂક્યો તેની પત્ની છું.” એ ગરિમાને તાકતી બોલી.

“સોરી. પરંતુ…” થોથવાતી ગરિમાને અધવચ્ચેથી પેલીએ બોલતી અટકાવી.

“હું તો થેંક્યુ કહેવા આવી છું. મારો વર બીજી વાર કોઈ પરાઈ સ્ત્રી સામે આંખ ઊઠાવીને જોવાની હિંમત નહીં કરે. તે અને તેનો લફંગો દોસ્તાર એવા જ છે, સજા પામવાને લાયક. ચાલો આપણે બંને તારા પતિની સફળ સર્જરી માટે પ્રાર્થના કરીએ.” અને તેણે ગરિમા સમક્ષ બે હાથ જોડ્યા. ક્યાંક બીજા બે અજાણ્યા હાથ પણ જયની લાંબી આવરદાની યાચના કરતા જોડાયેલા હતાં