હિન્દુ ધર્મમાં દેવીદેવતા તેમજ પ્રકૃતિનું મહત્ત્વ

ભદ્રા વડગામા

February 7, 2023

આજકાલ વિશ્વભરમાં પૃથ્વીની જાળવણી માટેની સભાનતા વધતી જાય છે, ત્યારે હું આ લખવા પ્રેરાઈ છું. મેં લખ્યું છે એ આપણા માટે નવું નથી, પણ આપણે જે જાણીએ છીએ તેને ક્યારેક વાગોળીએ તો ફરી એનું મહત્ત્વ આપણા માટે તાજું થાય.

હિન્દુ લોકો અસંખ્ય દેવીદેવતાઓમાં માને છે, અને તેમની પૂજા કરે છે. આ વાત અન્ય ધર્મનાં લોકોને નવાઈ પમાડે છે. પ્રભુ તો એક જ હોય ને? હા, સાચી વાત છે. હિન્દુઓ માટે પણ પ્રભુ તો એક જ છે અને તે છે બ્રહ્મ! બ્રહ્મા નહીં. બ્રહ્મ નિરાકાર છે. આપણે તેને જોઈ શકતાં નથી, પણ એ દરેક જીવમાં તેના આત્મા તરીકે વસે છે એવું આપણે માનીએ છીએ. અને એટલે જ હિન્દુ લોકો એકબીજાંને મળે ત્યારે નમસ્કાર દ્વારા સામી વ્યક્તિમાં રહેલા બ્રહ્મને વંદન કરે છે.

દરેક જીવમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ વસે છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેકની જન્મસિધ્ધ પ્રકૃતિ પ્રમાણે તે સતત ક્રિયાશીલ રહે છે. આ ક્રિયા વિચારોની ઉત્પતિ હોય કે પછી કોઈ કાર્યની. એ ઉત્પતિનું સર્જન કરાવે છે બ્રહ્મા. એ ઉત્પતિનું જતન કરે છે વિષ્ણુ. આપણી અંદર સ્ફૂરતા અમુક વિચારો, લાગણીઓ આવે અને જાય. પણ આપણા માનસને સ્થિત રાખવાનું કાર્ય વિષ્ણુ કરે છે. આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ વસ્તુ જન્મે છે તે આખરે મૃત્યુ પામે છે, કે પછી ખંડિત થઈ જાય છે, પછી એ ભૌગિક હોય કે આંતરિક. એને તેને નષ્ટ કરનાર છે મહેશ.

પ્રકૃતિના પાંચ તત્ત્વોને આપણે દેવ માનીને પૂજીએ છીએ – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ – કેમકે આપણું શરીર પણ આ પાંચ તત્ત્વોનું બનેલું છે અને એ તત્ત્વો આપણામાં પ્રાણ પૂરે છે. અને એટલે જ સ્તો ઊઠતાંની સાથે સૌ પ્રથમ ઈશ્વરને યાદ કરી હાથની હથેળીઓ ઘસી આ શ્લોક બોલ્યા પછી આપણે પૃથ્વી, વનસ્પતિ, જળ અને આકાશમાં રહેલા સૂર્યને આવાહન આપતાં શ્લોકો બોલીએ છીએ.

આ શ્લોક સહિત સૌ પ્રથમ પ્રભુનું, અને તે સાથે સમૃધ્ધિની દેવી લક્ષ્મી અને જ્ઞાનની દેવી સરસ્વતીનું આપણે વંદન કરીએ છીએ.

‘કરાગ્રે વસતે  લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ‘

આ મંત્ર બોલવાનો મુખ્ય ઉદેશ તો એ જ છે કે આપણે પોતાના કર્મ પર વિશ્વાસ રાખીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણે એવાં કર્મ કરીએ જેનાથી જીવનમાં ધન, સુખ અને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા હાથોથી એવા કર્મ થાય જેનાથી બીજાનું ભલું થાય.

અને ઊઠીને જમીન પર પગ મૂકતાં પૃથ્વીમાતાને સંબોધી આ શ્લોક બોલી એના પર પગ મૂકવા માટે માફી માગીએ છીએ:

સમુદ્ર્વસને દેવી પર્વતસ્તન મંડલે |
વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમસ્વમે ||

જેમણે સમુદ્રના રૂપમાં વસ્ત્રો પહેર્યાં છે, પર્વતો રૂપી જેમનું સ્તનમંડલ છે, અને જે ભગવાન વિષ્ણુના પત્ની છે તેવાં હે ધરતીમાતા, હું તમને નમન કરું છું અને મારા પગથી તમને સ્પર્શ કરવા બદલ માફી માગું છું.

ત્યાર પછી દાતણ કરતાં વનસ્પતિની પ્રશંસા કરતો આ શ્લેક બોલીએ છીએઃ

આયુર્બલં યશો વર્ચ: પ્રજા:
પશુ વસૂનિ ચ બ્રહ્મપ્રજ્ઞાં
ચ મેઘાં ચ ત્વન્નો દેહી વનસ્પતે ||

ઓ વનસ્પતિ, મને લાંબું આયુષ્ય, યશ, શક્તિ, બાળકો, ગાયભેંશો, સમૃધ્ધિ, બ્રહ્મજ્ઞાન અને આધ્યાત્મિક બુધ્ધિ આપો.

અને નહાતી વખતે આ શ્લોક બોલીએ છીએ:

ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી !
સરસ્વતી, નર્મદે, સિન્ધુ, કાવેરી !
જલેસ્મિન સન્નિઘિં કુરુ ||

ઓ પવિત્ર નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી – કૃપા કરીને મારા સ્નાનના આ પાણીમાં પ્રવેશી તેને પવિત્ર બનાવો.

ત્યારબાદ સૂર્યને અર્ઘ્ય આપતાં આપતાં આ શ્લોક બોલીએ છીએ:

ॐ ભાસ્કરાય વિદ્મહે।
મહાદ્યુતિકરાય ધીમહિ।
તન્નો આદિત્ય: પ્રચોદયાત।
ભાસ્કર, તમે પ્રકાશ આપનાર છો. તમે દૈવી શક્તિ ધરાવો છો. તમને હું વંદું છું. હે અદિતિના પુત્ર આદિત્ય મારી બુધ્ધિને તેજોમય બનાવો.

ત્યારબાદ ભોજન પહેલાં, જમ્યા પછી અને સૂતી વખતે પણ આપણે અન્નદેવતાને પ્રશંસતા શ્લોકો બોલીએ છીએ. તે ઉપરાંત પણ આપણા દરેક શુભ કાર્ય માટે નિયત કરેલા શ્લોકો છે, જેમાં આપણે માનવજાતિ સાથે પશુપંખી, પ્રકૃતિ અને વિસ્તૃત વિશ્વના અસ્તિત્વનો અહોવભાવ માનીએ છીએ.