કાંટો – ફોર્ક

ભદ્રા વડગામા

February 7, 2023

સુંદર ફૂલોથી શણગારેલા એક નાનકડા સિનેગોગમાં લગ્નના સફેદ ડ્રેસમાં સજ્જ થઈ સૂઝન પોતાની એન્ગેજમેન્ટ રીંગને આંગળિયોથી ફેરવતી ફેરવતી ઉદાસ ચહેરે સાવ એકલી વિચારમગ્ન બેઠી હતી. બીજા હાથમાં ફૂલોનો ગુલદસ્તો પકડ્યો હતો.

‘બેટા, અહીં એકલી બેઠી શું કરે છે?’ સૂઝન કંઈ કહે તે પહેલાં તેને પ્રેમ નીતરતી આંખે જોતાં દાદીમાએ ઉમેર્યું, ‘તું કેટલી સુંદર લાગે છે આજે!’

‘તમે પણ ખૂબ સુંદર લાગો છો, દાદીમા!’

‘ખુશ તો છોને?’

‘હા, દાદીમા ખૂબ ખુશ છું.’

‘તો પછી આ ચહેરા પર સ્મિત કેમ નથી?’ સૂઝનના સુંદર મુખને ચૂમતાં દાદીમાએ પૂછ્યું.

‘મને ડર લાગે છે.’

‘ડર શેનો? કોલીન બહુ સરસ પુરુષ છે, તને ઘણું સુખ આપશે, પ્યાર અને જતનથી તને સંભાળશે.’

‘હા પણ દાદીમા, એકવીસ વર્ષની વયે હું ઉતાવળ તો નથી કરતી ને? મા 30 વર્ષે પરણી હતી અને તમે પણ પરણ્યાં ત્યારે કંઈ નાનાં તો નહોતાં?’

‘હું 28ની હતી.’

દાદીમાએ થોડીવાર મૌન રહી ઉમેર્યું, ‘પણ તારા દાદા મારા પહેલા પતિ નહોતા. હું 18 વર્ષની વયે ફ્રેડીને પરણી હતી. એ મારો પહેલો પ્યાર હતો. 60 વર્ષ થયા તો પણ અમારો એ લગ્ન દિવસ મને હજુ પણ યાદ છે. હું તારા જેવી જ સુંદર લાગતી હતી. અમે સાધારણ કુટુંબના હોવાથી આજના જેવી ઝાકઝમાળ નહોતી, પણ ખૂબ આનંદથી એ દિવસ અમે સૌએ માણ્યો હતો.’

‘ખરેખર દાદીમા? મને તો એ વાતની ખબર જ નહોતી.’

‘તારે એ જાણવાની જરૂર પણ નહોતી, બેટા.’

‘પછી શું થયું?’

‘પછી આવ્યા હિટલરના સૈનિકો અને બીજા યુવાનો સાથે તારા દાદાને પણ પકડીને લઈ ગયા.’

બે ઘડી બન્ને સ્ત્રીઓ ઊંડા વિચારમાં ગરકી પડી.

‘મેં ઘણા વર્ષો સુધી એમની રાહ જોઈ પણ એ પાછા આવ્યા જ નહીં.’

અને દાદીમાએ પોતાની હેન્ડબેગમાંથી બે કાંટાવાળું હેન્ડલ વગરનું એક નાનકડું ફોર્ક કાઢ્યું. જ્યાંથી ફોર્ક તૂટેલું હતું ત્યાં પ્લાસ્ટિકના પીળા રંગના હેન્ડલનો થોડો ભાગ રહી ગયો હતો. દાદીમાએ સૂઝનને તૂટેલો ફોર્ક આપતાં કહ્યું, ‘સૈનિકો આવ્યા ત્ચારે અમે જમતાં હતાં. ફ્રેડીએ પોતાનો ફોર્ક તોડી મને અડધો આપતાં કહ્યું હતું, ‘આ સાચવીને રાખજે; તે તારા માટે ભાગ્યશાળી નીવડશે. અને થયું પણ તેમ જ. મને તારા દાદા મળ્યા અને ભલે આજે એ હયાત નથી પણ એમણે મને અત્યંત પ્રેમ કરી બહુ સુખી રાખી હતી. મારા માટે આ ફોર્ક ખરેખર ભાગ્યશાળી નીવડ્યો છે. એ હવે હું તને આપું છું, તેને સાચવીને રાખજે; તું પણ મારી જેમ સુખી થઈશ.’

‘ચાલો બન્ને બહાર, બધાં વાટ જુએ છે. ગ્રુપ ફોટો પડાવવાનો છે.’ દાદી-પૌત્રીના વાર્તાલાપમાં ભંગ પાડતો ફોટોગ્રાફર આવી ચડ્યો.

એકાદબે ફોટા લઈ, ફોટોગ્રાફરે કહ્યું, ‘ચાલો હવે બન્ને પક્ષનાં માતાપિતા અને દાદાદાદી આવી જાઓ!’

બધાં ભેગાં થતાં હતાં તે દરમિયાન કોલીનની નજર સૂઝનના હાથમાં પકડેલા અડધા ફોર્ક ઉપર પડી. ‘આ શું છે?’ તેણે પૂછ્યું.

‘ગુડ લક માટે દાદીમાએ મને એ આપ્યું છે.’

‘ન હોય! આ જો, મને મારા દાદાએ શું આપ્યું છે.’ અને કોલીને તેની પાટલૂનના ખીસામાંથી કશુંક કાઢ્યું.

અને માની ન શકતી હોય તેમ કોલીને હાથમાં પકડેલા પીળા રંગના એક નાનકડા હેન્ડલને સૂઝન સૂનમૂન બની જોઈ રહી.

ત્યાં તો વાઈન ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો. દાદીમાના હાથમાંથી એ સરકી જમીન પર ચૂરેચૂરા થઈ પડ્યો હતો.

બધાંની નવાઈ વચ્ચે દાદીમા કેટલીયે વારથી એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેલા, પણ ફોટોગ્રાફરની હાકથી ઊભા થઈ બહુ ધીમે પગલે ડગમગતી ચાલે આવી રહેલા એક વૃધ્ધ પુરુષ તરફ દોડ્યાં.

‘ફ્રેડી, ઓહ ફ્રેડી! ખરેખર તમે જ છો?’ ફ્રેડીના ચહેરા પર હાથ ફેરવતાં આંસુ ભરી આંખોથી દાદીમા ફરી ફરી પૂછતાં હતાં.

‘હા રૂથ, હું જ છું; તારો ફ્રેડી.’ અને આખું કુટુંબ આ અપૂર્વ મિલનને કશું સમજ્યા વિના જોઈ રહ્યું,

અને કોલીને પીળું હેન્ડલ સૂઝને પકડેલા બે કાંટાવાળા ફોર્કમાં બરોબર ગોઠવી દઈ સૂઝનને પોતાના બાહુમાં સમાવી લીધી.

ભદ્રા વડગામા