વિસરાતો વારસો: શીકું

સંકલન

February 7, 2023

💫 અર્થ :

ખાદ્ય મૂકવાનો અધ્ધર લટકાવાય એવો ઝોળી જેવો ઘાટ.

💫 રચના :

શીકું શણની દોરી, તાર, લોખંડની પટ્ટીઓ વગેરેની ગૂંથળીવાળું મોભ કે જેને છતમાં લટકાવી શકાય. તેનો ઘાટ ઝોળી જેવો હોય છે.

💫 ઉપયોગ :

ખાદ્ય ચીજવસ્તુઓ રાખવા માટે.

   પહેલાંના વખતમાં ગામડાંમાં આજના જેવા કબાટ અને  ફ્રીઝ ન હતાં. તે વખતે હવાની અવરજવર હોય તેવામાં રાખવી પડતી ચીજવસ્તુઓને શીકામાં મૂકવામાં આવતી. ડુંગળી, બટાટા અને લસણ જેવા શાકભાજીને વિવિધ પ્રકારની દોરીથી ગૂંથણી કરેલ ઝોળી જેવા ઘાટમાં (શીકામાં) મૂકવામાં આવતી, જેથી તેને લાંબો સમય સુધી સાચવી શકાય.

ખાસ કરીને  દૂધ, દહીં, છાશ, માખણ જેવી ખાદ્યચીજોને કૂતરા-બિલાડા જેવા પ્રાણીઓથી બચાવવા પણ આ પ્રકારની વ્યવસ્થા કરી હોય એવું બની શકે. આ પ્રકારની ખાદ્યચીજોને મટકીમાં મૂકીને કાંઠલા જેવો ઘાટ ધરાવતાં શીકામાં મૂકવામાં આવતી.

💫 રૂઢિપ્રયોગ:

શીકે મૂકવું – ઊંચે મૂકવું,પડતું મૂકવું

શીકા પરથી નરસિંહ મહેતાનું ભક્તિ પદ ‘જશોદા! તારા કાનુડાને’ ની પંક્તિઓ યાદ આવે છે.

“શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું,  ઉઘાડીને બાર રે,

માખણ ખાધું ઢોળી નાંખ્યું, જાણ કરી આ વાર રે.”

—સંકલન