વિસરાતો વારસો: મીંઢળ

સંકલન

August 16, 2022

વિસરાતો વારસો : મીંઢળ

અર્થ:

મીંઢળ ઝાડનું સોપારી જેવડું બજરિયા રંગનું ફળ; મીંઢોળ; મદનફળ; શુભ ક્રિયાઓમાં વાપરવામાં આવતું એ નામનું એક જાતનું ફળ.

વ્યુત્પત્તિ:

સંસ્કૃત શબ્દ મદનફળ પરથી મયણહલુ-મઈણહલ- મંઈઢલુ –  મીંઢળ.

લગ્ન પ્રસંગોમાં મીંઢળને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે.આ ફળ  માણેકસ્તંભને  તથા વર-કન્યાનાં કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે.  તેનો વાસ્તવિક હેતુ નીચે પ્રમાણે સંભવિત છે.

લગ્નનો પ્રધાન ઉદ્દેશ પ્રજાવૃદ્ધિ છે. મીંઢળ  એક ચમત્કારી ઔષધિરૂપ ફળ છે. તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહે છે. એ જૂના કાળથી પ્રચલિત છે.  લગ્નના ઉમેદવારોમાં ધર્મયુક્ત સ્વાભાવિક કામનાનો ઉદય થઈ પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જ્વળ પરિણામ આવે અને બેઉ શરીરમાંથી પ્રતિરોધ કરનારમાં પરમાણુઓ ફળના સંસર્ગથી નાશ પામે તેવી ભાવના નાડાછડીમાં પરોવીને બાંધવાથી સેવાય છે.

આરોગ્યની દૃષ્ટિએ દવા તરીકે :

આવા પ્રસંગમાં કોઈ સંયોગવશ વર કે કન્યાને કોઈ ઝેરી જંતુનો દંશ થયો હોય અગર ભૂલથાપથી  કોઈ વિષમય વસ્તુ ખવડાવવામાં આવી હોય ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે મીંઢળ ઘસીને પાવાથી જલદી ફાયદો થાય છે.

રક્ષાકવચ તરીકે : લગ્નના આનંદથી ઊભરાતા પ્રસંગમાં કેટલાક છુપા વિઘ્નસંતોષી પોતાની ચોટ, મૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રસમાં ભંગ કરવા સાહસ કરે છે ત્યારે વર-કન્યાને બાંધેલ મીંઢળ ફળ તેની રક્ષા કરે છે.

ધાન્યસંગ્રહ માટે :  ચોમાસા માટે જે ધાન્ય સંગ્રહ કરી રાખવાનું હોય તેમાં લીલાં મીંઢળ નાખવાથી ધાન્ય સડી જતું નથી.

પણ, હવેના લગ્નપ્રસંગો તો કમૂરતામાં પણ જોવા મળે છે.  પછી, માણેકસ્તંભ રોપવાનો કે મીંઢળ બાંધવાની વાત જ ક્યાં કરવી?