નીતિએ ઘડિયાળમાં જોયું તો સાડા સાત વાગવા આવ્યા હતા . તેણે કામની ઝડપ વધારવા માંડી. હાથ સાથે મનના વિચારોએ પણ વેગ પકડ્યો . સાડા આઠ ની બસ જો ન પકડાય તો સમયસર ઓફિસે નવ વાગે ન પહોંચી શકાય. તેના પતિ અભિજીતે ક્યારેય પણ ઓફિસે નીતિને પહોંચાડવાનું શુભકાર્ય કર્યું ન હતું. રસોડાના કેટલાંક કામ તથા પપ્પુનો નાસ્તા-નો ડબ્બો બનાવવાનો બાકી હતો. તેણે અછડતી નજરે પ્રિય પતિદેવ સામે જોયું તો તે નિરાંતે સવારની ચા સાથે છાપું વાંચવાનાં મશગૂલ હતા. નીતિ મનોમન વિચારી રહી હમણાં આવીને અભિજીત કહેશે લાવ હું પપ્પુને તૈયારકરી lunch Box ભરી દઉં, પણ એવા નસીબ નીતિના નહતા, તેણે અસહાય પણે નણંદ સ્મૃતિ કહ્યું , બેન જરા પપ્પુ ને કોલેજ જતાં તેના બસ સ્ટોપ પર છોડી દો ને, પણ તે પણ મારે મોડું થાય છે કહી ખભા ઉલાળતી સ્કુટર પર નીકળી ગઈ, ત્યાં તો દિયરના મનમાં રામ વસ્યા ને પપ્પુની જવાબદારી હસતે મોં એ સ્વીકારી.જરા રાહતનો શ્વાસ લીધો ત્યાં તો હીંચકે ઝૂલતા સાસુમાં વહુ બેટા , આ જરા કરતા જજો, તે કરતાં જજો એમ ઓર્ડર કરતા હતા.આખરે જેમતેમ કામ પતાવી નીતિ સમયસર બહાર નીકળી ઝાંપા બહાર જ શાંતાકાકી મળ્યા, આછા સ્મિતની લહાણી કરી ઝડપભેર બહાર નીકળી, બહાર હીંચકે ઝૂલતા કમળા બાનેશાંતાકાકીએ સાહજિક પૂછ્યું, ‘કાં વહુ આજે ઉતાવળા’ ? કમળાબા એ હસીને જવાબ વાળ્યો બધું પરવારીને બિચારી જાય એટલે ઉતાવળ તો રોજની થઈ. નીતિ ના નસીબ સીધાં કે કામ મૂકીનેનહતી ગઈ નહીં તોસાસુના બબડાટ નો પાર ના રહેત.
આ દ્દશ્ય લગભગ ઘણાં ઘરોમાં રોજનું ભજવાતું હશે, પણ વહુ ને મદદરુપ થવાનો પ્રામાણિક પ્રયત્ન આજે કેટલાં ઘરોમાં છે?વહુ એટલે કંઈ કામ કરવાનું મશીન ખરીદીને નથી લાવ્યા.
કોઈના ઘરની લાડકવાયી કન્યા ને હોંશભેર તમારા દીકરાનો સંસાર માંડવા લાવ્યા છો ઘરના કાર્ય ને આનંદથી
ઉપાડી લઈ , વડીલોની માનમર્યાદા રાખી તેમની સગવડ સાચવવી એ સ્ત્રી નું કર્તવ્ય ખરું, પણ સામે પક્ષે , કુટુંબના દરેક વ્યક્તિ ની ફરજ એ છે કે વહુ સાથે સૌજન્ય પૂર્વકનો વ્યવહાર.
આજની મોંઘવારી માં સામાન્ય, ને મધ્યમવર્ગી સમાજના પુરુષને કુંટુબનું ભરણપોષણ કરવા સ્ત્રીને સહભાગી બનાવવી પડે છે, અર્થાત્ નોકરી કરાવવી પડે છે. વ્યવસાય કરતી સ્ત્રી પોતાની ફરજમાં થી ક્યારેક ચૂકે તો, તેને સ્વીકારી લેવાની તૈયારી કુંટુબે રાખવી પડે.ઘરનો કાર્યકારી સંર્પૂણપણે વહુ પર ન નાંખતા કુટુંબની દરેક વ્યક્તિ જો મદદરુપ બને , તો એકવ્યકતિ કામના બોજા હેઠળ દાબતી નથી. કામનું ચોક્કસ આયોજન કરી કાયમી વહેંચણી કુંટુંબ ના સભ્યો વચ્ચે કરવાથી કૌટુંબિક સમસ્યા હલ થઈ શકે છે.
પુરુષપ્રધાન સમાજમાં પુરુષો ના દુર્ગુણો નો ઢાંકપિછોડો ને સ્ત્રીના દુર્ગુણો ની નિંદા એ અભિગમને બદલવાની પળ આવી ગઈ છે. સમાજ સુધારણાંની પ્રક્રિયા પ્રત્યેક ઘરથી થવી જોઈએ.
આદર્શ પત્ની ની અપેક્ષા રાખો, પણ સાથે સાથે આર્દશ પતિ, સસરા કે સાસુ બનવાનો નિષ્ફળ કે સફળ પ્રયત્ન તો કરી જૂઓ . એમાં જ સમાજનું સાચું હિત છુપાયેલું છે.