જ્યોતિ ચોંકી તો ઊઠી, પણ થોડી વાર પૂરતી જ. લાલીની ખુલ્લી પીઠ પર..! એ લોકોએ પીઠ પાછળ ઘા.. અમુકને મંગલ કરવામાં જ રસ હોય તો અમુકને દંગલ કરવામાં. ‘ફૂલની જેમ રાખશું’ કહીને..! ડામ, લાલ ચકામાં. ‘જો બેટા, આવું તો થાય. આ સમાજ અમને ને તને શું કહેશે? લોક્લાજનો વિચાર પણ કરવાનો ને? અમે એ લોકોને સમજાવશું.’ મમ્મી આમ બોલી. લાલી રડી, કકળી, પરંતુ જડ મમ્મીએ કડકાઈથી પોતાનો નિર્ણય..!
લાલીને યાદ આવ્યું. પોતે જયારે નાનકડી હતી ત્યારે પડોશીના દીકરાએ અમથી ટપલી મારી’તી, તોય મમ્મીએ આખી શેરી માથે લીધી’તી. એ લોકો સાથેનો વહેવાર કાપી નાખ્યો હતો. ને પપ્પા! નિશાળમાં એક અપશબ્દ બોલવા બદલ શિક્ષકે ફટકારી’તી ત્યારે બોલ્યા હતા, ‘સાહેબ, હજી વધુ બે ધોલ મારો.’ લાલીને જરાક છોલાતું ત્યારે ચિંતિત થઈ બહુ કાળજી લેતી મમ્મી આજે પીઠ જોયા પછીય પીઠ ફેરવી ગઈ!
જેનો મિજાજ બાર ખાંડીનો એવા ભરતભાઈએ લાલીને એક તમાચો લગાવી દીધો. એની આંખોમાં અંગારા, પણ નિર્દોષ ને ભલી લાલી ડરવાને બદલે પપ્પાને વળગી પડી. પપ્પા ગુસ્સામાં જેમજેમ વધુ ને વધુ આકરા શબ્દો બોલી રહ્યા તેમતેમ તે વધુ ને વધુ એની સોડમાં લપાતી ગઈ. એની સોડમાંથી છૂટે એ બીજા!
‘લાલી, મૂરખની સરદાર, ત્યાં તારો એવો તે કયો ડાબલો દાટ્યો’તો કે આટલું..? તારો ટાંટિયો તોડી નાખીશ, જો હવે એ તરફ નજર પણ કરી છે તો! ને એય, તારું નામ છે તો જ્યોતિ, પણ તારી આંખો ફૂટી ગઈ લાગે છે. તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે? ચુપ! આ બાબતે મારે તારો એક શબ્દ પણ નથી સાંભળવો. લાલી હવે અહીં જ..’ ભરતભાઈએ અફર નિર્ણય સંભળાવી દીધો હતો.
લેખક : દુર્ગેશ ઓઝા.