અલ્પ વિરામ
સાંજે પરિમલપાર્કમાં પ્રવેશતાં જ માધવીએ નોંધ લીધી કે ખૂણાનાં બાંકડા પર એક નવા આગંતુકે સ્થાન લીધું છે. અલપઝલપ જોઇ તેણે પોતાના રોજીંદા મિત્રો સાથે સ્મિતની આપલે કરી walking Track પર ચાલવા માંડયું. આ તેનો રોજનો નિયમ હતો.લગભગ પચાસ થી સાઠ મિનિટ ચાલ્યા પછી મિત્રો સાથેટોળટપ્પા કરી તે વિદાય લેતી.
નીલકંઠના અકાળ અવસાન થતાં માધવીએ ભારે આઘાત અનુભવ્યો. જીવનની સંધ્યાએસાથીની ખરી જરૂર હોય તેવા સમયે જીવનસાથીનો સાથ છૂટવો, તે અકલ્પનીય બનાવે તેને હચમચાવી દીધી. સંતાનમાં એક માત્ર દીકરી હતી તે પરણીને તેને ઘરે સુખી હતી. પુત્રી દેવાંશીએ શરુઆતમાં મમ્મીને પોતાને ત્યાં લઇ જવા જીદ કરી હતી પણ માધવીનેતે માન્ય નહોતું. નીલકંઠ આર્થિક રીતે તેને સંપન્ન સ્થિતિમાં છોડી ગયા હતા તેથી આર્થિક વિટંબણા ન હતીપછી શાને માટે દીકરીને ત્યાં પરવશ જીવન ગાળવું, તેવું દ્રઢપણેમાનતી માધવીને એકાકી જીવન કોઠે પડી ગયું હતું.
એકાકી જીવનનેતેણે સુપેરે રોજીંદી ઘટમાળમાં ગોઠવી દીધું હતું. નવરાશના સમયમાંવાંચન કે લેખનના શોખને લીધે એકલતા સાલતી નહીં.
ત્રણચાર દિવસ પછીપણ માધવીએ જોયું કે નવા આવનાર આગંતુક કોઇ સાથે હળતાભળતા નથી. થોડીવાર ચાલવાની કસરત કર્યા પછી બાંકડા પર ગોઠવાતા ને સાથે લાવેલ પુસ્તક બગલથેલામાંથી કાઢીને વાંચતાં ને ક્યારેક ડાયરીમાં કંઇક ટપકાવતા રહેતા, અંધારું થતાં ઘરેજતાં. તેમની બેઠકનીજગ્યા માધવીને પ્રિય હતી,જે નવા આગંતુકે પચાવી પાડી હતી તે તેને જરા કઠતું પણ તેમનું વ્યક્તિત્વ ઘણું મોહક હતું ને માધવી પોતે પણ તેમનો પરિચય કેળવવા ઇચ્છતી હતી,તે માટે તે યોગ્ય તકની રાહ જોતી હતી.
તેમના ગ્રુપમાં નવનીત રાયકાકા તથા પુષ્પાકાકી પણ નિયમિત પણે પાર્કમાં આવતાં. ઉંમરલાયક હતા પણ તંદુરસ્તજીવન જીવતા. માધવી પર પુત્રી સરીખું વહાલ રાખતાં. નવનીતરાયની પંચોતેરમી વર્ષગાંઠ આવતી હતી. માધવીએ તેમની વર્ષગાંઠ ઉજવવાનું નક્કીકર્યું.માધવી નવા આગંતુક સાથે પરિચય કેળવવાનો મોકો ખોળતી હતી તે અનાયાસે સાંપડી ગયો. નિત્યક્રમ પ્રમાણે પરિમલ પાર્કમાં જતાં જ સ્મિત વેરતી આગંતુક પાસે જઇપરિચય કેળવવા બોલી,” મારું નામ માધવી, આપનું જાણી શકુ?” ગાલમાં ખંજનવાળા સ્મિતથી તેનેઆવકારતા તેમણેકહ્યું, “મારું નામ મનેષ છે, તમને જોઇને મને પરિચય કેળવવાનું મન થતું હતું પણ સંકોચવશ તેમ કરી ન શક્યો. મારો સ્વભાવ બહુ મળતાવડોનથી. ” માધવીએ ઔપચારિક વિધિ પૂરી થતાં વર્ષગાંઠનીઉજવણીનું આમંત્રણ આપ્યું, મનેષે તેનો સહર્ષ સ્વીકાર કરતાં બોલ્યો, “હું ઓછાબોલો છું,પણ તમારી સાથેવાત કરવાનું રોજ જરૂર ગમશે, I am good listener.”
બસ તે દિવસથીબંને વચ્ચે મિત્રતાના પાયા નંખાયા. માધવીને પણ તેના જેવા જ વિચાર ધરાવતા પુરુષમિત્રનો સહવાસ મળવાથી આનંદિત રહેવા લાગી. તેમના મિત્રમંડળમાં હવે મનેષ પણ જોડાયો ને રોજ અલકમલકની વાતો થતી રહેતી. કયારેક તેઓબધાં રાજકીય ચર્ચા પર પણ ઉતરી આવતા. આમ દિવસ આનંદમાં વિતતા હતા ત્યાં અચાનક મનેષે પરિમલ પાર્કમાં આવવાનું બંધ કર્યું. ફોન કરવા છતાં No reply આવતો હતો. ત્રણેક દિવસ તો બધાંએ ખૂબ અજંપામાં ગાળ્યા. માધવી ખૂબ અસ્વસ્થ રહેવા લાગી. મનેષ વિધુર હતા, તેના મોટા દીકરાને ત્યાં છ મહિનાથી રાજકોટથી આવ્યા હતા. નાનો દીકરો રાજકોટ હતો તેની સાથે ત્યાં રહેતા હતા એટલી જ માહિતી માધવી પાસે હતી.
આખરે નવનીતરાયે તપાસ કરવાનું વિચાર્યું. તેમણે સર્વને કહ્યું, “મારી બાજુની સોસાયટીમાં જ મનેષ રહે છે, ઘર જોયું નથી પણ પૃચ્છા કરતા મળી જશે.”
બીજા દિવસે નવનીતરાય ખબર લાવ્યા, મનેષને તો heart attack આવ્યો હતો ને તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવું પડ્યું છે. મહાવીર હોસ્પીટલમાં I.C.U.માં છે. ઓપરેશન તો સુખરૂપ થઇ ગયું છે, પણ હમણાં મુલાકાતી પર પ્રતિબંધ છે. અચાનક આવા સમાચારથી સર્વને આઘાત લાગ્યો. મનેષના સરળ વ્યવહારથી તેણે બધાંનુ દિલજીતી લીધું હતું.માધવી તો થોડીવાર શૂન્યમનસ્ક થઇ ગઇ.તેની વેરાન જીંદગીમાં મનેષની મિત્રતાએઆનંદના રંગની પુરવણી કરી હતી. તેણે હવે ચોમેર અંધકાર વ્યાપી ગયો હોય તેવો ભાવ અનુભવ્યો.
તે પછીના ત્રણદિવસે મનેષ I.C.U.માંથી બહાર આવતાં જ સાંજના ચાર થી છ ના મુલાકાતીના સમયમાં તેને કંપની આપવા પરિમલપાર્કના મિત્રોએ વારા બાંધી દીધા. તેના કુટુંબને પણ સારો સધિયારો પૂરો પાડ્યો.
માધવીએ તો આખાદિવસનો હવાલો જ લઇ લીધો હતો.મનેષને હોસ્પીટલનું ખાવાનું ભાવતુંનહોતું તેથી માધવીએ બપોરનું ભાણું ને નાસ્તાની જવાબદારી પણ ઉપાડી લીધી હતી.મનેષના પુત્ર રાકેશ ને પુત્રવધુ મીરાં બંને વ્યવસાયી હોવાથી તેમનેવધુ રજા મળે તેમ નહોતું તેથી વારાફરતી બંને ફરજ બજાવતા.
માધવી ને મનેષ માંદગીને લીધે સતત સહવાસમાં રહેવાથી ઘણાં નજીક આવ્યા ને લાગણીના બંધનમાં બંધાઇ ગયા. ઘરે ગયા પછી પણ માધવી અવારનવાર મનેષને કંપની આપવા ઘરે જતી. હવે મનેષ પણ ધીરેધીરે સ્વસ્થ થતા જતા હતા ને તેમનો રાજકોટ જવાનો સમય પણ થયો હતો. તેમનો પુત્ર રાકેશ ને પુત્રવધુ મીરાં તો માધવીનો ઉપકાર માનતા થાકતા નહોતા. ખરા સમયે માધવીએ સમય સાચવી લીધો હતો. બંનેમાધવીને કહેતા પણ ખરા પપ્પા જાય પછી આંટી આવતા રહેજો.
મનેષ મુસાફરીકરવા જેવા સ્વસ્થ થયા એટલે નાનો પુત્ર તુષાર રાજકોટથી સુરત તેમને લેવા આવી પહોંચ્યો. ફોનથી સંપર્કમાં રહેવાની બાંહેધરી આપી, મનેષ રાજકોટ જતા, પાછી માધવી ઘણાંમિત્રો હોવા છતાં એકલતાના અરણ્યમાં આવી હોય તેવું અનુભવવા લાગી.
તેમની મિત્રતાકયારે લાગણીના બંધનમાં બંધાઇ ગઇ તેનો બંનેમાંથી કોઇને ખ્યાલ ન હતો,પણ છૂટાં પડતાં અકથ્ય લાગણીનું ખેંચાણ બંને અનુભવવા લાગ્યા.મનેષ સંયમિત હતા પણ માધવી ચંચળ હતી ને ફોન પર અવનવી વાતો કરતી રહેતી, આમ બંને એકબીજાના મનનો તાગ મેળવવા પ્રયત્ન કરતા.
માધવી વિચારતી છ મહિના પછી મનેષ પાછા અહીં આવશે ત્યારે પરિસ્થિતિ શું આકાર લેશે તેની તેમે હંમેશા ભીતિ રહેતી. સાથે સાથે મનેષનું વલણ શું હશે તેવો પણ વિચાર માધવીને સતાવતો. ખૂબઓછાબોલા મનેષનું વ્યક્તિત્વ મોહક હતું, તેનું તેને ખેંચાણ હતું, મનેષ પણ તેની તરફ આર્કષાયો જરૂર હતો પણ બધું એટલું સ્પષ્ટ ન હતું. આમ વિચારોમાં ઝોલા ખાતી હતી ત્યાં અચાનક મનેષનો ફોન આવ્યો, “માધવી તું અહીં રાજકોટ આવી શકશે ? મારો નાનો દીકરો હમણાં ત્યાં આવવાનીના પાડે છે. તે પહેલાંથીજ મારી સાથે હતો,રિટાયર્ડ થયા પછી મોટા દીકરાના કહેવાથી મારે તેમની સાથે પણ છ મહિના રહેવું તેવી વ્યવસ્થા થઇ હતી પણ ઓપરેશન પછી હમણાં એક જ ઠેકાણે રહીશ, હમણાં તત્કાળ મારાથી ત્યાં આવી શકાશે નહીં. મારો પુત્ર તુષારને પુત્રવધુ રીના પણ તને મળવા ઇચ્છે છે. તારું ઋણ ચૂકવવા ઇચ્છે છે, અજાણ્યા શહેરમાં તે ઘણી મદદ કરી.
માધવીને થોડો ખચકાટ થયો, થોડા સમયની મિત્રતામાં તેને ત્યાં રહેવા જવું યોગ્ય લાગ્યું નહીં. સમાજની ટીકાનો ભોગ બનવાની તેની તૈયારી ન હતી, સાથે સાથે મનેષને નારાજ કરવા માંગતી ન હતી. માધવીએ વચલો રસ્તો કાઢ્યો. તેની ઘણી સારી મિત્ર સુધા રાજકોટ રહેતી હતી, ડીવોર્સી હતી,એકલી જ રહેતી હતી. તે અવારનવાર તેને બોલાવતી રહેતી પણ કંઇ મેળ પડતોનહીં. તેણે સુધાને ત્યાં થોડા દિવસ જવાનું વિચાર્યું .તેણે સુધાને ફોન કર્યો, “ હેલો સુધા હું તારે ત્યાં આવતીકાલે થોડા દિવસ રહેવા આવુંછું,” સાંભળતા જ સુધા તો ખુશીથી ઉછળી જ પડી.પછી મનેષને ફોનકરી કહેવા લાગી , “તમારી ઇચ્છાને માન આપી આવતીકાલે રાજકોટ આવું છું. હાલ પૂરતું બહેનપણી સુધાને ત્યાં રહીશ. ”સાંભળતા મનેષ નિરાશ થયો, પણ લાંબા સમય પછી રૂબરૂ મળાશે એમ મનને મનાવી બીજા દિવસની પ્રતિક્ષા કરવા લાગ્યો.
મનમાં અનેકપ્રકારની મૂંઝવણ ને અવનવા ભાવ સાથે ધીમેથી બંગલાનો ઝાંપો ખોલી માધવીએ પ્રવેશ કર્યો, સાથે સુધાને પણ લાવી હતી. મનેષ બગીચામાં બેઠાં બેઠાં ‘માનવસ્વભાવનું મહાભારત’ વાંચતા હતા. માધવીને જોતાં જ ઊભા થઇ સહર્ષ આવકાર આપ્યો. માધવી સ્વભાવ પ્રમાણે મનેષને કહેવા લાગી, “કોના સ્વભાવ પર પી.એચ.ડી. કરવા વિચાર્યું છે?” તારા જ વળી બીજા કોના? કહેતા મનેષે ટીખળ કરી, “ આમંત્રણ કોણ આપેને મહેમાન પરોણાં બીજાંને બનાવે તે વિચારવા જેવું ખરું”!! માધવી તેના હાજર જવાબીની પ્રશંસા કરતા અરસપરસ ઓળખાણ સુધા સાથે કરાવતી હતી ત્યાં પુત્રવધુ રીના પાણીના ગ્લાસ સાથે આવીને હસીને બોલી, “પપ્પા તો તમારા વખાણ કરતાં થાકતા નથી, અમને પણ તમારા સાંનિધ્યનો લાભ આપો.” થોડી ઘણી વિવેક પૂરતી આનાકાની પછી માધવીએ બે દિવસ પછી આવવાનું જણાવી ચા-નાસ્તાને ન્યાય આપી છૂટાં પડ્યા.
માધવી સાથેના સહવાસથી થોડા દિવસમાં મનેષ ખીલી ઉઠ્યા. તેમના પુત્ર તુષારે પણ નોંધલીધી. સાથે સાથે માધવીનું પપ્પા તરફનું કાળજી ભર્યું વર્તન પણ તુષારને સ્પર્શી ગયું. પપ્પાની તબિયતમાં થતો ઝડપથી સુધારો પણ રીનાએ નોંધ્યો.
એક દિવસ સાંજે હીંચકા પર માધવી સાથે વાતચીત દરમિયાન મનેષે માધવીને કહ્યું,” રીટાયર થયા પછીસામાજિક સેવાક્ષેત્રે યોગદાન આપવાની અદમ્ય ઇચ્છા હતી, પણ રાકેશને ત્યાં આવતાં જ માંદગીનો ભોગ બન્યો. હવે તબિયત સુધારા પર છે તો તું સાથ આપતી હોય તો મારી ઇચ્છાએક NGO સ્થાપી આસપાસના ગામડાંઓમાં ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવાની છે. માધવીએ આ સેવાયજ્ઞમાં જોડાવવાનો ઉત્સાહ બતાવ્યો, તેણે પણ એક શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી,તેથી બહોળો અનુભવ હતો.
પછી તો જોતજોતામાં મિત્રવર્તુળ ને સગાંવહાલાં તરફથી સારું એવું ભંડોળ જમા થઇ ગયું ને ‘સંકલ્પ’ નામના નેજા હેઠળ સંસ્થાસ્થાપવાની વિધિવત જાહેરાત કરી. બધાંને ઉદ્દઘાટન પ્રસંગે નિમંત્રણ અપાયા,પરિમલ પાર્કના મિત્રો સહિત મુંબઇથી દેવાંશી ને સુરતથી રાકેશપણ પરિવાર સહિત આવી પહોંચ્યા.
સમારંભને અંતે દેવાંશીએ સર્વને સંબોધન કરતાં જણાવ્યું,ખૂબ આનંદની વાત અત્રે રજૂ કરવા મારા મોટાભાઇ સમાન રાકેશભાઇને વિનંતિ કરું છું.
મનેષ ને માધવી એ એકબીજાં સામે મૂંઝવણભરી ને અચંબાભરી નજરે જોયું, ત્યાં તો તેમના આશ્ચર્ય વચ્ચે રાકેશનો ઘેરો અવાજ વહેતો થયો, “ મારા પિતા મનેષે અમને બંને ભાઈઓને એકલે હાથે અમે નાનપણમાં મા ગુમાવતા ઉછેર્યા છે, હવે મારા પિતા મનેષ ને મા સમાન માધવી આંટી તેમનું બાકીનું જીવન સહપ્રવાસી બની સમાજની ઉત્કૃષ્ટ સેવા કરે તેવી અમારી સૌની અંતકરણ પૂર્વક ઇચ્છા છે.
મનેષ ને માધવીને કંઇપણ બોલવાનો મોકો ન આપતા તુષારે આગળ આવી માધવીને સંબોધન કરતાં કહ્યું, “મા અમે એકપણ શબ્દ ના નો સાંભળવા ઇચ્છતા નથી, આ અમારું સૌનું પૂર્વયોજીતકાવતરું હતું, જે બધાંની સંમતિ સાથે અમે યોજનાબધ્ધ રીતે પાર પાડ્યુંછે. માધવી મા તમારી છત્રછાયામાં અમારા ત્રણ ભાઇબહેનનો પરિવાર કિલ્લોલ કરે એટલું જ ઇચ્છીએ છીએ.સાથે સાથે આ ‘મઢૂલી’ ની ચાવી અમારા ત્રણે વતી નાની ભેટ સમજીસ્વીકાર કરશો. પાછલી ઉંમરમાં જેવા જીવનની તમને અપેક્ષા હતી ત્યાં તમારું સહજીવન શરુ કરો.” પાછળથી ખિલખિલ કરતી દેવાંશી બોલી, “ મઢૂલીમાં હીંચકો તમારી રાહ જુએછે.”
આંખમાં હર્ષાસુને આનંદ મિશ્રિત લાગણી સાથે મનેષ ને માધવીએ ત્રણેને આર્શીવાદ આપ્યા. માધવી ડૂમો ખાળી માંડ માંડ સર્વને સંબોધન કરતાંકહ્યું , “ મારી અલ્પ વિરામ ‘ સમી જિંદગીનો વિરામ આટલો સુખદ હશે તેની કલ્પના પણ ન હતી.”
મનેષ ને માધવી સર્વનું અભિવાદન ઝીલતાં તેમના મુખારવિંદો પર તેજોમય આભાનું વર્તુળ રચાયું.!!
------સ્વાતિ દેસાઇ(મૈત્રી)