કાળી, શ્યામ, સાંવરી, ઘઉંવર્ણી, ગોરી: ચામડીનાં જુદાંજુદાં રંગો

ભદ્રા વડગામા

February 7, 2023

મેઘનના બાળકનો વાન કેવો હશે?’ રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિના દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?

‘બેટા, બેબી કોના જેવી છે, રેશ્મા જેવી ગોરી કે તારા જેવી સાંવરી?’ જો કોઈ ગુજરાતી દાદીએ પરદેશમાં રહેતા પોતાના પુત્રને આવો પ્રશ્ન કર્યો હોય તો આપણને એમાં ખાસ કઈં અજુગતું ન લાગે, કે ન આપણે માની લઈએ કે દાદી આવનાર બેબીને વ્હાલ નહીં કરે. તે છતાંય આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ગોરાં હોવું એટલે રૂપાળાં હોવું એવી માન્યતા પરંપરાથી ચાલતી આવી છે. ‘એ છે કાળી, પણ બહુ નમણી છે.’ કેમ જાણે કાળી ચામડીવાળાં લોકો નમણાં ન હોય! વળી એક કહેવત પણ આ વાતને પ્રોત્સાહન આપતી હોય એવું મને લાગે છે. ‘સિદ્દી બાઈને સિદકાં વ્હાલાં.’ એનો અર્થ એ થાય કે ગમે તેટલું કદરૂપું બાળક હોય, પણ તેની માને તો વ્હાલું જ લાગશે. એટલે એમ જ ને કે સિદ્દી લોકો કાળાં હોવાથી કદરૂપાં હોય અને તેમનાં બાળકો પણ. અને એમાં એવો ભાવ પણ આવે છે કે એ બાળક કદરૂપું હોવાથી અન્ય માતાઓને વ્હાલું નહીં લાગે, ફક્ત એની સિદ્દી માતાને જ.

આફ્રિકામાં વસેલાં ગુજરાતીઓએ ત્યાંનાં કાળાં લોકોને ક્યારેય સુંદર માન્યાં નથી. એમણે લાકડામાંથી કોતરેલી આફ્રિકન ચહેરાવાળી માનવકૃતિઓને કળાની દ્રષ્ટિએ જોઈ જ નથી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને એવી એકાદ કૃતિ જોવા મળે. એવી માન્યતા પણ હતી કે એવી મૂર્તિઓ સગર્ભા સ્ત્રી જૂએ તો તેનું બાળક કદરૂપું અવતરે. હવેની વાત જુદી છે.

“ચામડી માટે ગોરો રંગ સારો કે કાળો?”

“આપણે ત્યાં કોઈક કારણસર ગોરા બનવાની ઘેલછા ખૂબ વ્યાપક છે. અત્યાર સુધી તો મહિલાઓ જ ગોરાં થવાની મહેનત કરતી હતી, હવે મેટ્રોસેક્સ્યુઅલ માનસિકતામાં પુરુષોને પણ ગોરા થવા પ્રેરણા આપવામાં આવે છે. ગોરા થતાં જ યુવતિઓ તમારી ઉપર લટ્ટુ બની જશે એવું દર્શાવતી જાહેરાતો કરવામાં આવે છે. કેટલાંક લોકો અંગ્રેજો દ્વારા આપણામાં જગાવવામાં આવેલી હીન ભાવનાના કારણે ગોરા થવાની ઘેલછા વ્યાપક બની છે એવું માને છે. પરંતુ શ્રીકૃષ્ણના જમાનામાં પણ રાધા ગોરી હોવાથી બાળ શ્રીકૃષ્ણ યશોદા માતાને ફરિયાદ કરતા હોય એવાં ભજનો ગવાય છે, ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યોં ગોરી, મૈં ક્યું કાલા?’ રાધા અને શ્રીકૃષ્ણના પ્રણયપ્રસંગોમાં પણ રાધા ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે…!’ કહેતી હોય એવાં ભજનો આપણે ગાઈએ છીએ. અંગ્રેજોના આગમનના સેંકડો વર્ષ અગાઉ પણ કોઈ સુંદરીના રૂપના વખાણ કરવા માટે રૂપરૂપનો અંબાર અને દૂધ જેવો શ્વેત રંગ એવી ઉપમાઓ કહેવાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એટલે ગોરા રંગ માટેની ઘેલછા આજકાલની તો ન હોઈ શકે!”

તો પછી બ્રિટનનું રાજવી કુટુંબ racist છે એવું કોઈ મોટી ઉંમરનો ગુજરાતી માનતો હોય તો તે નર્યો દંભ કહેવાય.