સુરેશભાઇને અમે મોટાભાઇ કહેતા. એમના ભાઇબહેન કહેતા એ સાંભળીને. એમની સાથે એક ઘરમાં રહીને જે અંગત જોયું, અનુભવ્યું એજ કહેવા પ્રયત્ન કરીશ .
અમે નાના હતા ને શાળામાં હતા ત્યારે સી-3 અધ્યાપક કુટિરમાં રહેતા. એ યુનિર્વસિટી ના ઘણાં જૂના કવાટર્સ હતા. એમાં ફક્ત બે જ ઓરડા ને બહારની લોબી હતા, પાછળ ઓસરી ને નાનું રસોડું . બાળપણમાં મોટાભાઇનું ચિત્ર એટલે ટેબલ પર પુસ્તકોનો અસ્તવ્યસ્ત ઢગલો, પાસે રેડિયો ચાલતો હોય . મોટાભાઇ ખુરશી કે ખાટલા પર વાંચતા કે મોટેભાગે લખતા હોય. પાસે પાંચ દસ પુસ્તકો તો હોય જ. અમને અભણ ને બહુ ચિંતા થતી કે મોટા થઇને આટલું બધું વાંચવું જ પડશે,વાંચ્યા જ કરવું પડશે?
મિત્રો, અતિથિઓ આવે ત્યારે પણ ચર્ચા થતી જ હોય . ત્યારે તો સાહિત્ય શું તે ખબર નહી , પણ કવિતા શબ્દ જાણતા , એક બહેનનું નામ સવિતા હતું, તેને હું કવિતા બહેન જ કહેતો. બધા હસતા કે સાક્ષરનો દીકરો ખરોને !
મોટાભાઈના રૂમમાં ચોપડી ના ઢગ અને કબાટ અને એમનો ખાટલો . સામે માંડ એક ખુરશી બહારથી કોઇ આવે ત્યારે લાવીને મૂકવી પડતી. મોટેભાગે મહેમાનો એમની સાથે એમના ખાટલા પર જ બેસતા . અમે આસપાસ જ ભણતા . કોઇ વાતચીતમાં અમારું પણ ધ્યાન ખેંચાય. મોટેભાગે જાણીતા મિત્રો ,
વિદ્યાર્થીઓ આવતા એટલે કોઈક બહાને કેમ છો કરવા પણ એ રૂમમાંથી પસાર થઇ જતાં ને વાતચીતમાં રસ
પડે તો ખૂણાંમાં ઊભા પણ રહેતા. એમાં વળી અમારા ગુજરાતી પાઠ્ય પુસ્તકના કોઇ લેખક આવતા તો ખાસ અંદર જતાં અને ઓળખાણ કરાવી લેતા. બીજે દિવસે શાળામાં જઇ બડાશ પણ મારતાં કે કાલે અમારો ત્યાં આ સાહિત્યકાર આવેલા.
પણ નસીબે અમારા મા, પોતે વિદ્યા અને સાહિત્યના ઉપાસક હોવા છતાં , આ ચર્ચાઓમાં સામેલ નહોરા થઇ શકતા અનેહંમેશા બધાની આગતા – સ્વાગતામાં વ્યસ્ત રહેતા , બસ કોઇવાર ચાહ- નાસ્તો લાવતાં ત્યારે થોડું રોકાઇને ઉપરછલ્લી વાતો કરીને જતાં રહેતા. માનું સાહિત્ય થી અળગા થવાનું આ દુ:ખ અમને મોડેથી સમજાયું .
મને યાદ છે કે શરૂઆતમાં મુ. પ્રબોધ ચોક્સી અને મુ. ભોગીલાલ ગાંધી નું આવવાનું નિયમિત થતું અને મોટાભાઇ નું પણ ભોગીલાલ ગાંધીને ત્યાં જવાનું નિયમિત થતું .
બાહ્ય જગતમાંમોટાભાઇ બહુ કડક અને ગુસ્સાવાળા છે એવી છાપ હતી પણ જે સામાન્ય બાપનો હોય એવો ગુસ્સો એમનો વધારે સમય રહેતો નહીં. ઘરમાં , મિત્રો સાથે , વિદ્યાર્થીઓ સાથે
પણ ઘણી રમૂજ કરી લેતા , એટલે જ કોલેજમાં એમના ક્લાસમાં બહારના ઘણાં વિદ્યાર્થીઓ આવતાં. મારી
નાની બહેન ઋચા સાથે એમને વધારે ફાવતું અને ઋચા પણ એમની સાથે ગમે તેમ વર્તી શક્તી.
મારી દ્રષ્ટિ એ મોટાભાઇ નો ખરો સર્જનાત્મક સમય અધ્યાપક કુટિરમાં પસાર થયો હતો— તે પણ સી-3 કવાર્ટર માં વધારે. મોટાભાઇ સાહિત્યનું મૂર્ત સ્વરૂપ હોય તેમ સદાય એમાં જ ઓતપ્રોત રહેતા ખૂબ વાંચતા , છતાં પણ બીજા વિષયોમાં પણ એટલો જ રસ લેતા , ક્રિકેટ, ફૂટબોલ ઘરનાં પાછળના મેદાનમાં જોવાની મઝા માણતા, ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા . સંગીત, ચિત્રકળા, નૃત્ય, ઔષધશાસ્ત્ર જેવા અનેક વિષયોમાં જ્ઞાન મેળવવા સદા પ્રયત્નશીલ રહેતા, તેથી જ તેમનાં મિત્રો કેવળ સાહિત્યકાર નહીં , ચિત્રકાર, નૃત્યકાર, સંગીતજ્ઞ વગેરે વિવિધ ક્ષેત્રોના હતા.
ભાઇ બહેન કે સગાં સંબંધી સાથેના સંબંધમાં વધુ નિકટતા કેઆત્મીયતા ન દેખાય.
મિત્ર-વર્તુળ ઘણું જ મોટું- એમનો આત્મીય ભાવ ત્યાં પ્રગટ થતો અને મિત્રો એમની ઘણી જવાબદારી ઉઠાવી લેતા ને એમનાં કાર્ય ને સરળ બનાવી વેચવાની કરતા. કુટુંબની આર્થિક જવાબદારીમાં કશું ખાસ ધ્યાન નહીં દેવાનો રંજ રહેતો પણ ઘણાં લાંબા સમય સુધી લેક્ચરર જ રહેવાથી નિ:સહાય થઇ જતા ને બધું જ પુસ્તકોને ન્યોછાવર કરી દેતા. પોતાનું નવું પુસ્તક પ્રગટ થાય ત્યારે માને પણ આનંદ થતાં અચૂક શીરો કરાવતા. વાંચવાની ગતિ પણ ગજબ – કલાકના 80- 100 પાનાં સતત વાંચી શકે. પોતાના કાર્ય પાછળ ઉત્કટતાથી લગની લગાવી મંડી જ રહેતા . એ જ ઉત્કટતા અને લગનીની અપેક્ષા પોતાનાં સૂચવેલા કાર્યો પાછળ મિત્રો પાસેથી રાખતા અને ન થાય તો અસંતોષ રહેતો. સ્પષ્ટ વક્તા ને સ્વમાનની હોવાથી સંબંધો ઝાઝા ન રહેતા, પણ પોતાના નક્કી કરેલા સ્તર સાથે કોઇ દિવસ બાંધછોડ નથી કરી.
ક્યારેક અમારાં જૂનાં નળિયાંના છાપરાંવાળા ઘરના પગથિયા પર બેસી એમની સાથે અમે ઝરમર વરસાદ જોયા કરતા, અમે રહેતા તે અધ્યાપક કુટિરમાં ત્યારે વિવિધ પ્રકારના અનેક પંખી આવતા , કારણ ત્યારે વસ્તી બહુ ઓછી હતી . એટલે ત્યારથી એમની સાથે એ પંખીઓ ના નામ – ગોત્ર જાણવાના અને એમની લીલા- લહેરી માણવામાં મસ્ત બનતા.
એમનું ભાષણ હોય એને આગલેદિવસે વાંચી વાંચીને ઘણી નોંધો કરતા, પણ
ભાષણ વખતે કરીએ નોંધો કાઢી ને જોતા નહી, તેની અમને બહુ નવાર લાગતી.
એમનું પરીક્ષાનું ધોરણ બહુ ઉંચું રહેતું. પોતા માટે પણ એજ નીતિ નિયમો રહેતા . પોતાનું લખેલું નબળું લાગતું તો રદ કરતા પણ અચકાતા નહી.
અમને એમણે બહુ નહોતા રમાડ્યા પણ મારી દીકરી મિત્સુ અને મારા મારા ફોઇના દીકરા ને ઘણું રમાડતા. મિત્સુ પ્રથમ બાળક એટલે બહુ જ વહાલી હતી. એને કવિતામાં કાગળ લખતા
અને કહેતાએની સિધ્ધિઓ તો આપણે જોવાના નથી , અત્યારે જે કરી બતાવે તેનો જ આનંદ લઇએ .
બેસીને વાંચતા કે લખતા હોય ત્યારે રસોડામાં વઘાર થાય તો કહે કે થોડી કઢી પીવા આપજો.શીરો વારે વારે કરાવે – ખાવાનો પણ એટલો જ શોખ .
એમના ગયા પછી ઘર જાણે પ્રાણવિહિનબની ગયું. ઘરનો આત્મા, આનંદ, ઉલ્લાસ બધું સ્તબ્ધ બની ગયું .