સાહેબ જરા ધીમે બોલો,નાક પર આંગળી મૂકી શ્રીધર આગળ પાછળ જોતા બોલ્યા. એમણે
અત્યંત નમ્રતાથી ડોક્ટરનો હાથ પકડ્યો ને પ્રાઈવેટ રુમનો કાચનો દરવાજો હળવેથી ખોલીને તેઓ બહાર આવ્યા . શ્રીધર થોડી મૂંઝવણ અનુભવતા બોલ્યા,’સાહેબ મારી પત્ની આપણને સાંભળી શકે ખરી? ’
ડાૅક્ટરે કહ્યું, ‘ હું ખાતરીથી ના કહી શકું, પણ મોટે ભાગે આવા કેસમાં પેશંન્ટ ન પણ સાંભળી શકે, ને જો તે સાંભળી શકે તો તેની રીએકક્ષન તે ન બતાવી શકે.’
શ્રીધરે કહ્યું,’ એ તો સમજાય એવી વાત છે, પણ એને જો સંભળાતું હોય,તો મારે અને તમારે એવી વાત ના કરવી જોઈએ . ડાૅક્ટરે પૂછ્યું,’ એવી એટલે કેવી?’
શ્રીધરે ધીમા સાદે કહ્યું, ‘ તમે સહુ કહો છે કે, એ નોર્મલ લાઈફ નહી જીવી શકે,આ પ્લાસ્ટીકની નળીઓ ખેંચવાનો સમય થઈ ગયો છે, આ લાઈફ સપોર્ટની સ્વીચ ....ના ના ડાૅક્ટર એ ના બની શકે !! મેં સાંભળ્યુ છે કે ઘણાં કિસ્સામાં આ પરિસ્થિતીમાં જીવતા પેશન્ટ પાછા ભાનમાં આવે છે. હું એ માટે રોજ ઇશ્વરને પ્રાર્થના કરું છું, હું એમ થશે એની રાહ જોવું છું, આપણાથી આમ બેરહેમીથી એની જિંદગી ઝૂંટવી ના લેવાય !! આપણી વાતો સાંભળીને એ જીવ કેટલો દુખી થાય તે તમો ડાૅક્ટરોને શું ખબર?’
‘તમારી એ વાત બરાબર નથી, અમે પણ તમારી જેમ લાગણીથી ભરેલા માણસ છીએ, તમે એમને જે રીતે જુવો છો તે રીતે અમે એમને ના જોઈ શકીએ . એ અમારા પેશંન્ટ છે. આપણી કોઈ પણ પ્રકારની વાતચીતથી તેઓ દુખી થશે,એવી ચિંતા ના કરતા. તેઓ હવે દુખની પેલેપારની સ્થિતિમાં છે .’ ડાૅક્ટરે કહ્યું.
શ્રીધરે કહ્યું, ‘ પણ મારું શું? હું તો દુખના દરિયામાં ડૂબી રહ્યો છું.’ એકદમ વ્યાકુળ અવાજે બોલ્યા ડોક્ટર શ્રીધરને જોઈ જ રહ્યા. એમણે ડોક્ટરની નજીક આવીને કહ્યું,’મારામાં લટકી રહેલા પચાસ વર્ષના સંબંધના સુખ દુઃખના તાણા-વાણા જે કનેક્ટ થયેલા છે, એ વાયરો કોણ ખેંચી કાઢશે? ‘ડોક્ટરે ક્ષણેક શ્રીધરની સામે જોયું ને જતા જતા બોલ્યા, 'Life support only works when there is a life to support નેજુઓ શ્રીધર, without death we can not understand life'
શ્રીધરે એ બધું ધ્યાનથી સાંભળ્યું પણ તેઓ કશું સમજી શક્યા નહીં. તેઓ પાછા પત્ની શ્રદ્ધાના રૂમમાં આવ્યા. એના ચહેરા પર લટકતી પ્લાસ્ટિકની નળીઓ જોઈને એમનું હૃદય ભરાઈ આવ્યું. શ્રદ્ધાનો ઉષ્માહીન હાથ એમણે પકડી રાખ્યો. ને તે બોલ્યા,‘શ્રદ્ધા તું મારો ભૂતકાળ છે, ને તું મારું ભવિષ્ય,પણ સાચું કહું, ‘તું મારી આજ બનીને શ્વસતી રહે, મારી આસપાસ તારા અસ્તિત્વના વલયનો સ્પર્શ રેલાવતી રહે. મારા વિખરાતા હૃદયમાં તારી સાથે માણેલા ક્ષણોની સ્મરણ શૃંખલા અદભુત રીતે જોડાઈ રહી છે. તને યાદ છે ? હું તને હંમેશા કહેતો તું તારામાં સંપૂર્ણ છે પણ હું તારા વિના અધુરો !! હું તને ચીડવતો ને કહેતો,શ્રદ્ધા તું જેને ભજે છે તે ભગવાન પણ આપણા લોકો જેવો ભેળસેળીયો છે. ને તું ગંભીર થઈને કહેતી ‘મારા વહાલા પ્રભુ વિશે આવું ના કહો’ ‘હું હસીને કહેતો, હું ખોટું કહું છું? એણે માણસને દુખના ભેળસેળ વિનાનું સુખ આપ્યું છે? હંમેશા સુખ મળ્યું હોય એવો કોઈ માણસ મારી જાણમાં નથી. સુખની વ્યાખ્યા બધાની જુદી જુદી, પણ સુખની અભિલાષા બધાની સરખી!! તું મૌન રહેતી અને મને પોરસ ચડતો તારા આ યોગેશ્વર ને પૂજ છે કેમ કે આપણું બધાનું જીવન બાણશૈયા પર પડેલું છે, ભીષ્મની પીડા યોગેશ્વરે નજરો નજર જોઈ, તારું આમ પડ્યા રહેવું ...પણ જવા દે મારા હૃદયના બાણ સહુ માટે અદ્રશ્ય છે, દુનિયામાં ભગવાન નથી એ તને હું પૂર્ણપણે સમજાવી ન શક્યો તો આ દુનિયા પ્રભુની ઈચ્છાથી ચાલે છે એ તું મને સમજાવી ન શકી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જીવતા આપણે સહુ તારા યોગેશ્વર ને ન ત્યજી શક્યા કે ન ભજી શક્યા!! તારો માત્ર એક જ જવાબ રહેતો,‘હરિને ભજતા હજી કોઈની લાજ જતી નથી જાણી !!’
હું તારી વાત માનતો ને તારી સાથે ભગવાન સામે હાથ જોડી ઊભો રહેતો. હું આજે તમને બંને ને માનવા તૈયાર છું. આજે તારું દુઃખ મારું બન્યું છે હવે તું અને હું નથી રહ્યાં, જાણે આપણી વચ્ચે અદ્વૈત ઘડાતું ગયું છે, મારી પ્રાર્થનાનું સ્વરૂપ બદલાતું ગયું છે.તને સાજી કરવાના સપના જોતા જોતા તારા વહાલાને તને બચાવવાની પ્રાર્થના વિનંતી સ્વરૂપે કરતો રહ્યો .પણ હવે મારી પ્રાર્થના નું સ્વરૂપ ધીમે-ધીમે બદલાતું ગયું છે. પહેલા હું મારી શ્રદ્ધા -અશ્રદ્ધા વચ્ચે તને સાજી કરવાની પ્રાર્થના કરતો પણ જ્યારે તારું હોવા પણ એક પ્રશ્નાર્થ બનીને ઝળુંબ્યા કરે છે ત્યારે તને આ બધા માંથી મુક્તિ મળે એવી પ્રાર્થના એક ગુનાહિત માનસ સાથે કરી રહ્યો છું.’
શ્રદ્ધા તારો લાઇફ સપોર્ટ કાઢી નાખવાે કે નહી તે કહેવા પૂરતી તું જીવંત હોત તો હું તને જ પૂછી લેત . છેલ્લા કેટલાય વર્ષોથી તને પૂછી પૂછી ને તો હું જીવ્યો છું. મારે કયા કપડાં પહેરવા થી માંડીને કયા રેસ્ટોરન્ટમાં જમવા જવું એ બધું તું જ નક્કી કરતી હતી ને ? તારા નાના- મોટા લગભગ બધા જ નિર્ણયોનું પાલન કરતો થઈ ગયો હતો, અત્યારે મને ખાસ તારા સલાહની જરૂર છે .એ બધા સાથે સહમત થઇ મારે તારો લાઈફ સપોર્ટ. ... ના ના,મને તારી પેલી વાત યાદ આવે છે, આપણને ક્યારે અને કેવી રીતે મૃત્યુ આવે તે તો ઈશ્વર જ નક્કી કરે. મૃત્યુ ક્યારેક આપણને પ્રતીક્ષાના પાંજરામાં પંચતત્ત્વ સાથે પૂરી રાખે છે. મૃત્યુ નો કોઈ ભરોસો જ નહીં ક્યારેક એનું સ્વરૂપ અસહ્ય હોય છે,ક્યારેક એ ઋજુ અને કોમળ ! જીવ સાચવી સાચવીને જીવતા રહેવાનું ને પછી એ જ જીવ પરાયો થઈને ઊડી જાય !!
લગ્ન જીવનમાં કહેવાતા દરેક કાયદાઓનું તેં પ્રામાણિક પણે પાલન કર્યું છે. લગ્ન સંસ્કાર ની કેટલીક ન ગમતી વાતો પણ તું સહજતાથી સ્વીકારતી. તારામાં રહેલી સહજતા,સમતા ને ક્ષમા કરવાની આદત મને ગમતી, શરૂઆતના વર્ષોમાં મને તું બેવકૂફ લાગતી ! ધીરે ધીરે આપણું લગ્ન જીવન તું સખ્ય યાત્રામાં પલટાવતી ગઈ ને તું મારા શ્વાસની જેમ મારી સંગત બનતી ગઈ!!!
તારા શ્વાસ ચાલે છે પણ તારું મૃત્યુ પડઘાતું હોય એમ કેમ લાગ્યા કરે છે ? તારા હોવાપણાનો મને અહેસાસ છે, પણ એનો સ્પર્શ હું અનુભવી નથી શકતો . આમ જોવા જઈએ તો અમે સહુએ જાણે તારો સાથ છોડ્યો છે,પણ શ્વાસ હજી તને છોડતો નથી. સાંજ પડે આમ વેન્ટીલેટર પર તને શ્વસતી મૂકીને હું જતો રહું છું. ડોક્ટર કહે છે મારે તને મુક્તિ અપાવવા સંમતિ આપવી જોઈએ પણ એવી હિંમત તને પૂછ્યા વગર હું ક્યાંથી લાવું? તું કહેતી મારા વહાલાએ અનેક ની લાજ રાખી છે. તારી એ શ્રદ્ધા અને વિશ્વાસથી તું જીવતી ને ખરેખર આપણા અંગત જીવનમાં સંકટ સમયે તારી શ્રદ્ધા ને ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છેલ્લી ક્ષણે ચમત્કાર બનતો ને આપણી બાજી સુધરી જતી . એવા પ્રસંગે તું તારા કનૈયાના હર્ષાશ્રુ સાથે પગ પકડતી ને હું ઉપહાસ ભર્યુ હસીને ત્યાંથી નીકળી જતો! પણ હવે એ વાત નથી પ્રભુના હોવાપણા વિશે શંકાથી ઘેરાએલા મારા મન સાથે મથામણ કરી કરીને થાક્યો છું . મને કયારેક થાય છે કે તું મારી સાથે છે,અને નથી !!
તને યાદ છે તું એકવાર રિસાઈને પિયર ચાલી ગઈ, તેં ચાર દિવસ સુધી મારો ફોન ન ઉપાડ્યો . તને હવે નથી જ બોલાવવી એમ વિચારી હું રોજ તારી રાહ જોતો,ને એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં તારે ઘેર પહોંચી ગયો હતો, એ કહેવા કે હવે તું ફરી ક્યારે પાછી આવીશ નહીં . મને હવે એ વાતે આજે, હમણાં હસવું આવે છે, હું તારે ઘેર પહોંચ્યો ને તું આપણાં ઘરે !! તને યાદ છે હું તારી નજીક માં બેઠો હોવું ને થોડોક આઘોપાછો થવું તો તું પૂછતી ક્યાં જાવ છો? કેમ જાઓ છો? ચા પીવી છે ? અને હવે હું તને અહીં એકલી સાવ નોંધારી મૂકીને જાઉં છું તો તું મારો હાથ પકડીને પૂછતી નથી, કે હું કેમ જાઉં છું ? હું ક્યાં જવું છું ? મારા કાન એ બધું સાંભળવા તરસી રહ્યા છે. હું ઊઠું છું ને મને થાય છે કે તું હમણાં પૂછીશ કેમ ઊઠ્યા ? ક્યાં જાવ છો ? શું જોઈએ છે ? ને તારી સામે જોવાઈ જાય છે. તું ચૂપ છે, અનેક નળીઓથી ઘેરાયેલો તારો ચહેરો હું જોયા કરું છું ને વિચારું છું....તું તારાં છેલ્લાં શ્વાસ સંકેલતી હોઈશ ને હું તારી નજીક નહી હોવું તો ? એ વિચારે મને અહીંથી ખસવાનું મન નથી થતું.
હા તને કહેવાનું રહી જાય છે મને હવે લોન્ડ્રી કરતા આવડી ગઈ છે. તું આવા હોસ્પિટલના ગાઉન પહેરે છે તે મને નથી ગમતું,તારા કપડા હું ઘરેથી ધોઈને લાવીશ ! હું હવે જાતે ગ્રોસરી લાવું છું,એટલું જ નહીં,લાવેલી વસ્તુઓ ગોઠવી શકું છું. સાંભળ, તું હસવાની ના હોય તો તને એક વાત કહું, a‘તે દિવસે હું દૂધ લાવ્યો ને કોણ જાણે કેમ ફ્રીઝરમાં મુકાઈ ગયું !! બીજે દિવસે હું ફ્રિજમાં દૂધ શોધવા માંડ્યો,ગેસ પર ચ્હા નું પાણી ઉકળવા માંડ્યું ને દૂધ ગાયબ !! જાણે-અજાણે ફ્રીઝર ખોલ્યું ને દૂધના ગેલેનિયાએ મારી સામે આંખો કાઢી !! ત્યારે મને થયું તું હોત તો??’
તુંઅને હું ની અલગ અલગ અનુભૂતિ સાથે જીવ્યાં. સુખે આપણને અને આપણા પ્રેમને શણગાર્યો . દુખ ના વાવાઝોડામાં આપણે નજીક આવ્યાં, આમ આપણે અરસ-પરસમાં ઓતપ્રોત થઇ ગયા. કાળના પ્રવાહમાં આપણે વહેતા રહ્યા, સ્નેહની કટોરી અરસ-પરસ ઢોળાતી રહી. તું કહેતી પતિ-પત્નીનું એકત્વ દુખનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે,અને દ્વિજત્વ દુખમાં ઉમેરો કરે છે. તારી કેટલીક વાતો મને હવે સમજાય છે. એકબીજા વિના આપણું અસ્તિત્વ જાણે અધૂરું છે. મારા અને તારા શ્વાસોની લેવડ દેવડથી સજાવેલો ભૂતકાળ જાણે વર્તમાન બનીને ડંખ્યા કરે છે. પોતાનામાંથી મુક્ત થવું એટલે સ્વતંત્ર થવું, બંધન મુકત! સ્વ વિનાનો સ્વ ! જે તુ હાલ જીવી રહી છે. તને દેહ મુક્ત કરવાની પ્રક્રિયા મારા માટે અસહ્ય છે.
આજે આપણાં દીકરા અને દીકરી આવવાના છે. એમનું કહેવું છે કે હવે આ પરિસ્થિતિમાં તને લાંબા સમય રાખવાનો મારો મોહ તારા માટે પીડાકારક છે. તને મુક્ત કર્યા પછીની મારી પીડાને તેઓ જોઈ શકવાના નથી. તારું હોવું જેટલું વેદનામય છે,તેથી વિશેષ તારું ન હોવું મારા માટે પીડાકારક હશે, હું ઈચ્છીશ, તો પણ તને મુક્ત કરવાની સંમતિ નહી આપી શકું, આપણે આપણા જીવનમાં આવનારી અનેક મુસીબતોની વિચારણા કરી હતી પણ આ વિશે ક્યારેય વિચાર્યું નહોતું ! હું તારી જેવી પરિસ્થિતિમાં હોત અને તું કોઈ પણ નિર્ણય લેત તો, તે મને મંજૂર હોત પણ મારો આ નિર્ણય તને મંજુર હશે ? દીકરા -દીકરી નો આગ્રહ છે કે હવે નિર્ણય લઈ લો,આજે રાતે એ વિશે ચર્ચા કરી નક્કી કરવાનું છે. નિર્ણય માં તો બે જ વસ્તુ હોય, સાચો નિર્ણય કે ખોટો નિર્ણય! પણ તે પોતે લીધેલો હોવો જોઈએ. બનવા જોગ છે કે આવતી કાલે તું...ના ના હું નથી વિચારી શકતો. મને થાય છે કે તું જાણે ભગવાન ના બારણે ટકોરા મારી રહી છે ને એ તારા માટે દરવાજો ખોલે તેની હું અન્યમનસ્ક પણે રાહ જોઈ રહ્યો છું, એ તને શાંતિથી સુખપૂર્વક મૃત્યુ આપે એવી પ્રાર્થના કરું છું. મારી યાચનાનું સ્વરૂપ હવે જાણે બદલાઈ ગયું છે .પહેલા હું શ્રદ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે તને સાજી કરવા પ્રભુને વિનંતી કરતો હતો પણ હવે તને મુક્ત કરવાની પ્રાર્થના કરું છું . આશા ઘેલું મન વિચારે છે કે લાઈફ સપોર્ટ કાઢી લેવાય ને તું એકદમ સાજી થાય તો કેવું?
તું કહેતી કે જ્યારે બીજાનું દુઃખ પોતાનું બને ત્યારે કરુણા સર્જાય છે. કદાચ એ સમજણ મને તને મુક્ત કરવાની પ્રેરણા આપી રહી છે .આવતી કાલે તારો લાઈફ સપોર્ટ, તારી દવાઓ અને તને મળતો ખોરાક આ બધામાંથી તને મુક્તિ મળશે . તને મુક્ત કરવાના બહાને આ બધું ખૂંચવી લેવામાં આવશે તું કશું કહ્યા વગર ચાલી જઈશ આવું બધું હું વિચારું છું,એ મારી ભાવનાત્મક લાચારી છે . અંધશ્રદ્ધાનું પૂર્ણ વિરામ ક્યાં ? અને શ્રધ્ધાની શરૂઆત ક્યાંથી થાય એ વિશે તું ચૂપ રહેતી ને હજી પણ ચૂપ છે.
કાલે સવારે અમે બધા સાથે આવીશું દીકરા ને દીકરીને તારી સાથે અલગ-અલગ સમય પસાર કરવો છે. તન્વી અને તેજસે તને ગમતા ફુલોનો બુકે લીધો છે ને મેં મારા અંતરના બગીચામાં આપણા વિતેલાં વર્ષોનો બાગ મહેંકાવ્યો છે. હા, હું હવે તૈયાર છું તું તૈયાર છે ? મને અને આ દુનિયાને છોડી જવાની તૈયારી તારે પણ કરવાની છે . અમે તો હવે હોસ્પિટલમાં આવી ગયા છીએ,ડોક્ટરની રાહ જોઈ રહ્યા છીએ પણ આ શું? ડોક્ટર સામે ચાલીને આવી રહ્યા છે, એમની સાથે બીજા બે ડૉક્ટરે છે. ડૉક્ટરે કહ્યું ‘શ્રીધર મને સમજાતું નથી કે મારે તમને કઈ રીતે કહેવું કે…..’ ત્યાં તો ઉતાવળીયો તેજસ બોલી ઊઠ્યો,’ ડોક્ટર અમે તૈયાર છીએ ‘ ડોક્ટરે મારી સામે જોઈને બોલ્યા, ‘શ્રીધર તમારા પત્ની થોડા સમય પહેલા જ અવસાન પામ્યા. એમણે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી છે.‘
સ્તબ્ધ થયેલા શ્રીધરના મુખમાંથી શબ્દો સરી પડ્યા,‘મુક્ત થયો,હું મુક્ત થયો ‘
લેખિકા-વસુધા ઇનામદાર
બોસ્ટન