ડૉક્ટરની ડાયરીનાં સીધાં પાનાં

પ્રીતિ જરીવાલા

February 2, 2023

જકાલ ‘બાયોગ્રાફી’ લખવાનો જુવાળ ફાટ્યો છે. સફળ ક્રિકેટરો, એક્ટરો પોતાની ગાથા લખે છે. નસીબ વધુ જોર કરતું હોય તો એના આધારે એકાદી ફિલ્મ પણ બની જાય. આમ તો  હું વ્યવસાયે ડૉક્ટર એટલે હું પણ આ ‘ટર’ કુટુંબનો તો ગણાઉં અને મારા દર્દીઓએ મને ઠીકઠીક સફળ પણ બનાવ્યો છે. એટલે જરા મને પણ મારી કથા લખવાનું સાહસ ઉપડ્યું. હજુ તો આવું દુ:સાહસ કરવાનું વિચારતો હતો ત્યાં જ મારી કેબિનમાં આશિષભાઈ ધસી આવ્યા જે ટી.વી. સીરિયલો બનાવે છે. એમને એવો ભ્રમ છે કે એમને હું મારા સૌથી નિકટના અને સૌથી વહાલા દર્દી માનું છું. બાકી તો કવિશ્રી બાલાશંકર કંથારિયાની બોધપંક્તિ ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ’ એ ન્યાયે હું મારા બધાં દર્દીઓને સહી લેતો હોઉં છું અને ‘ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે’ એમ મારાં બધાં દર્દીઓને પ્યારા માની લઉં છું. હા, એમાનું કોઈ પ્રભુને પ્યારું ન થઈ જાય એનું હું ખાસ ધ્યાન રાખું છું. આશિષભાઈ મને કહે , “ડોક્ટર સાહેબ, આ વખતે મારે એવી સીરિયલ બનાવવી છે જે કોઈએ ક્યારેય ન બનાવી હોય. સીરિયલનું નામ પણ મેં વિચારી લીધું છે ‘ડૉક્ટરની ડાયરીનાં સીધાં પાનાં’. તમારા રોજબરોજનાં દર્દીઓના અનુભવો પરથી સીરિયલ સીધી ટી.વી. સ્ક્રીન પર. તમે પહેલો એપિસોડ લખી આપો એટલે હું મુહૂર્ત કરી નાખું. જો ઉલ્ટા ચશ્મા ‘હિટ’ થાય તો સીધાં પાનાં તો ‘સુપર હિટ’ જ થવાનાં.” આ વિશે હું મારો કંઈ પ્રતિભાવ આપું એ પહેલાં તો એ કહે, “આજે તમારી પાસે દવા નહિ દુવા લેવા આવ્યો છું. બસ આપણી સીરિયલ ‘હિટ’ થઈ જાય એવા આશીર્વાદ આપો” અને જેવા  આશીર્વાદ લેવા એ નીચા નમ્યા કે એમણે ઉતાવળે ઉતાવળે ધારણ કરેલી માથાની વિગે મારા ખોળામાં ઝંપલાવ્યું. હું ચમક્યો. મેં કહ્યું, “પહેલાં આને ‘ફિટ’ કરો.પછી સીરિયલ ‘હિટ’ કરજો.” એ તો એવા છોભીલા પડી ગયા કે મને કહે, “ડૉક્ટર સાહેબ,પ્લીઝ,આ કિસ્સો નહીં લખતા.”

                   આશિષભાઈ હજુ તો કેબિનની બહાર નીકળ્યા હશે   કે મારા બીજા દર્દી હેમંતભાઈ હાથમાં દસ લિટરનો મિનરલ વોટરનો કેરબો લઈને પ્રવેશ્યા.

                    “સાહેબ,આ તમારા દવાખાનામાં મૂકો. મેં હમણાં વાપીમાં મિનરલવૉટરનો પ્લાન્ટ નાખ્યો છે.”

                  “અરે ભાઈ, મારા દવાખાનામાં મારા દર્દીઓને બેસવાની જગ્યા નથી ત્યાં આને ક્યાં રાખું ?”

                  “પ્લીઝ! સાહેબ, રાખોને હું બહુ પ્રેમથી લાવ્યો છું.”

               “ભાઈ,કાલે ઊઠીને તું પ્રેમથી મદનિયું લઈ આવે તો મારે ક્યાં રાખવું?”

              “તમારા તરસ્યા દર્દીઓને ગરમીમાં પાણી મળી રહેશે.”

               “આ દવાખાનું છે, પાણીની પરબ થોડી માંડી છે?”

       હેમંતભાઈને જેમતેમ વિદાય કર્યા કે નટવરભાઈ આવ્યા.એ શરીરથી એવા સમૃદ્ધ છે કે એ જયારે મારી કેબિનમાં દાખલ થાય ત્યારે પહેલાં એમનું વિશાળ ઘેરાવાવાળું પેટ પ્રવેશે પછી એમનો પ્રવેશ થાય. એમને જોઈને મને આજથી વીસ વર્ષ પહેલાનો એક કિસ્સો યાદ આવ્યો જ્યારે મેં મારી ક્લિનિક માટે નવું નવું કૉમ્પ્યુટર વસાવેલું. એ વખતે કૉમ્પ્યુટરનો એટલો વપરાશ નહીં. ત્યારે નટવરભાઈ આવ્યા અને મને કહે, “વાહ ડૉક્ટરસાહેબ, શું વાત છે! સોનોગ્રાફી મશીન વસાવ્યું? મને પેટમાં થોડી ગરબડ છે જોઈ આપોને!” મને ત્યારે તો મનમાં થયેલું કે આ દુંદાળા નટવરભાઈના પેટ પર કૉમ્પ્યુટરનો માઉસ ફેરવી આપું.

       “બોલો, શું તકલીફ છે?”

      “ડૉક્ટરસાહેબ, શું કહું? શરીરમાં કંઈ મજા નથી.આમ નર્વસતા બહુ લાગે છે.તાવ તો ‘સબસિડાઈઝ’ થઈ ગયો છે પણ આ એસીટિસી પીછો નથી છોડતી.” અરે ભાઈ પણ ભાષાની ઐસીતૈસી તો ના કરો. મનમાં થયું આવા દર્દીઓની પહેલાં ભાષા સુધારું કે તબિયત? જવા દો હું ડૉક્ટર છું ભાષાશાસ્ત્રી કે પ્રાધ્યાપક નહીં. એમને તપાસીને હું દવા લખતો હતો તો મને કહે, “સાહેબ,સાથે સાથે શરદીની પણ દવા લખી આપજોને!”

“વારુ.”

“સાહેબ, શરદી છે તો નવાય?”

મેં કહ્યું,“હા, નવાય પણ કોઈને નવડાવાય નહીં.”                નટવરભાઈ હસતાં હસતાં બહાર ગયા.

ઘણાં દર્દીઓ એમના ફેમિલી ડૉક્ટરને પોતાના કુટુંબના સભ્ય જ માને એટલે ઘણીવાર આવીને પોતાના કુટુંબની કે અંગત વાતો પણ કરે. એકવાર મંજુલાબહેન આવ્યા.મેં પૂછ્યું, “બોલો,શું તકલીફ છે?” મંજુલાબહેન કહે, “મને નહીં, મારી વહુને છે.”

                “ક્યાં છે તમારી વહુ?”

               “આવતી હશે પાછળ ધીરી ધીરી.આ મારી વહુ હોળીએ હાલે તે દિવાળીએ ડોલે. ડૉક્ટરસાહેબ, એનામાં સ્ફૂર્તિ આવે એવી કોઈ દવા આપો.આમ તો ઘરનાં કામ કેમની કરશે?રોટલીનો લોટ બાંધવા કહ્યું તો લોટમાં વચ્ચે ખાડો કરીને પહેલાં કૂવો બનાવ્યો અને એ કૂવામાં એટલું બધું પાણી ધપકાવ્યું કે રોટલી તો બાજુ એ રહી મારે એના પૂડા ઊતારવા પડ્યા.અમારા એ તો મારું કશું સાંભળતા જ નથી.” મને મનમાં થયું તમારા એ ન સાંભળે એટલે મારે સાંભળવાનું! મંજુલાબહેન વહુપુરાણ આગળ વધારે એ પહેલાં મેં એમની વહુ માટે ટોનિક લખી આપી એમને વિદાય કર્યા.

      મેં નોંધ્યું છે આજે પણ ઘણી મોટી ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિનું નામ નથી બોલતી. મારી પત્ની પણ વ્યવસાયે ડૉક્ટર છે. એકવાર મારે ઈમરજન્સી વિઝિટે જવું પડ્યું. હું ક્લિનિક્માં નહોતો અને મારી જગ્યાએ મારી પત્ની બેઠી હતી ત્યારે રંજનબહેન એકદમ હાંફળાફાંફળા આવ્યા અને મારી પત્નીને કહે, “મારા ભાઈ નથી? તમારા ભાઈનો કાર્ડિયોગ્રામ કાઢવાનો છે.” મારી પત્નીએ સામો પ્રશ્ન કર્યો, “તમે તમારા કયા ભાઈની વાત કરો છો અને મારા કયા ભાઈનો કાર્ડિયોગ્રામ કાઢવાનો છે?” આ સાંભળીને રંજનબહેનના જે રીતે ડોળા વિસ્ફારિત થયા એમ થયું તાત્કાલિક તો એમનો જ કાર્ડિયોગ્રામ કઢાવવો પડશે. હું નાનો હતો ત્યારે અધિકમાસમાં મારે ત્યાં રોજ પુરુષોત્તમમાસની કથા થતી. એ કથા સાંભળવા મંગળાબહેન આવતાં. એમના પતિનું નામ વાસુદેવ હતું. કથા પૂરી થાય એટલે મહારાજ ધૂન બોલાવે, ‘ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ, હે નાથ નારાયણ વાસુદેવ,’ ત્યારે મંગળાબહેન પણ ધૂન બોલે, ‘શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ, હે નાથ નારાયણ બબલીના બાપા.’ અમે ત્યારે ખૂબ હસતા.

ઘણીવાર દર્દી પર નાનીમોટી સર્જરી કરવાની હોય ત્યારે ‘ઇંસિસન’ લેતી વખતે એને વાતોમાં પરોવી રાખું કે કાપો મૂક્યાનું દર્દ દર્દીને થાય નહીં. મીતાબહેનનો નખ પાકી ગયો હતો. એમાં ઘણું પસ જમા થઈ ગયું હતું. મેં એમને વાતોમાં વ્યસ્ત રાખતાં આંગળી પર કાપો મૂકતાં પૂછ્યું, “તમારા હસ્બંડનું નામ શું છે?” એમણે એકદમ ચીસ પાડી, “હે યોગેશ્વર!” મેં કહ્યું, “ હેં યોગેશ વર! પણ તમારા વરનું નામ તો જગેશ છે!” મીતાબહેન તરત હસી પડ્યા. મને કહે, “ યોગેશ્વર ભગવાનનું નામ છે.” મેં કહ્યું, “તે જગેશ્વર પણ ભગવાનનું નામ નહીં? બીજીવાર જગેશ્વરને યાદ કરજો.” એટલે એમની સાથે આવેલા એમના સાસુ નિર્મળાબહેન તરત જ બોલ્યા, “ડૉક્ટરસાહેબ, ભગવાન કોઈ પણ એક જ રાખવાના કારણકે એવું છે પછી તકલીફમાં કોઈ ભગવાન મદદે ના આવે. લાલજીને થાય શિવજી મદદ કરશે અને શિવજીને થાય ગણેશ મદદ કરશે. ગણેશજીને થાય માતાજી કૃપા કરશે.” હવે આ નિર્મળાબહેનને મારે કેમ સમજાવવું કે ‘બહેન,બધાં ભગવાન એક જ છે.’ પછી થયું જવા દો. હું ચિકિત્સક છું, કથાકાર નહીં. પછી એમણે મને કહ્યું, “સાહેબ, એક સારા સમાચાર છે. મારા નાના દીકરાના ગોળધાણા ખાધા.”

“ સરસ. શું નામ છે બીજી વહુનું?”

“ એનું નામ પણ મીતા જ છે.”

“ વાહ, નસીબદાર! હવે તો તમે એકને બોલાવશો અને બે બે વહુઓ તમારી સેવામાં હાજર થઈ જશે.”

“ ના રે ના. પહેલીને થશે બીજી જશે અને બીજીને થશે પહેલી જશે.”

મેં કહ્યું, “ બરાબર છે તમારા મતે ભગવાન પણ એવું કરે છે તો પછી તમારી વહુઓની તો શું વિસાત?”  નિર્મળાબહેન શું બોલે? મીતાવહુએ મંદ મંદ સ્મિત કર્યું અને આ આખી વાત કરતાં કરતાં મીતાબહેનની સર્જરી ક્યાં થઈ ગઈ એમને ખબર ન પડી.

મીતાબહેન અને નિર્મળાબહેન ગયાં અને માનસી એના ચાર વર્ષના બાબાને લઈને આવી. મેં પૂછ્યું, “ બોલો, શું તકલીફ છે?”

“ ડૉક્ટર, મારા બાબાને ખાંસી બહુ આવે છે.”

મેં બાબાને ઊંચકીને તપાસવા માટે સ્ટૂલ પર બેસાડ્યો અને જેવો હું મારી ચેરમાં બેસવા ગયો કે મારા કાને એકદમ ગુસ્સાવાળા શબ્દો અથડાયા, ‘ સીટ પ્રોપર્લી.’ મારા ચહેરાના હાવભાવ બદલાયા કે તરત બટકબોલો બાબો બોલ્યો, “ડૉક્ટર અંકલ, ડરો નહીં. મમ્મી તમને નહીં મને કહે છે. ઘરે મમ્મી જ્યારે પણ ચિલ્લાવે છે ને મારા ડેડી આમ જ ડરી જાય છે.” મમ્મીએ બાબાને ધમકાવ્યો, “ શટ અપ. કીપ યૉર માઉથ શટ.” આ મમ્મીઓ ગુસ્સો હંમેશા અંગ્રેજીમાં કરે! મારી મૂંઝવણ વધી કારણકે મારે બાબાનું ગળું તપાસવા કહેવું હતું,‘બેટા,મોઢું ખોલ. ઑપન યોર માઉથ.’ મારાથી એમ તો કહેવાય નહીં કે મમ્મીનું નહીં સાંભળ અને મોઢું ખોલ. મેં બાબાને પૂછ્યું, “ જોહ્ની જોહ્ની પૉએમ આવડે છે?” બાબાએ હકારમાં માથું હલાવ્યું. “ગા જોઈએ,” મેં કહ્યું. બાબાએ ભીડેલા હોઠો સાથે મમ્મી સામે જોયું. મમ્મીએ આંખોના પલકારાથી ગાવાની સંમતિ આપી કારણકે પોતાનું બાળક અંગ્રેજીમાં કેવું કડકડ બોલે છે એ ખેલ દરેક મમ્મીને આખી દુનિયાને બતાવવો હોય અને એમાંય હું તો પાછો એમનો ફેમિલી ડૉક્ટર. બાબાએ ગાવાનું શરૂ કર્યું, “ જોહ્ની જોહ્ની. યેસ પાપા. ઈટિંગ સ્યુગર? નૉ પાપા. ટેલિંગ લાઇઝ? નૉ પાપા. ઓપન યોર માઉથ. હા….હા….હા….” જેવું એણે હા…હા.. કરવા મોઢું વિસ્ફારિત કર્યું કે મેં તરત જ કહ્યું, “બસ, આમ જ મોઢું ખુલ્લું રાખજે,” અને મેં તરત જ ટૉર્ચ લઈને બાબાના ગળાનું અવલોકન કરી લીધું.

એકવાર એક દંપતિ પહેલીવાર મારી પાસે વૈદ્યકીય સલાહ લેવા માટે આવ્યું. દેવાંગભાઈ અને પલ્લ્વીબહેન. દેવાંગભાઈએ એમના મેડિકલ રીપોર્ટ બતાવ્યા. એમના રીપોર્ટ નોર્મલ હતા. એમની કેસ હિસ્ટરી લેતાં મેં પૂછ્યું, “તમને બ્લ્ડપ્રેસર, ડાયાબીટીસ કે પહેલા કોઈ મોટી બીમારી?” દેવાંગભાઈએ જણાવ્યું, “નહીં સાહેબ.એવી કોઈ ખાસ બીમારી નહીં.” “વારુ. કોઈ દવા લો છો ?”

“ના.”

દેવાંગભાઈએ જેવું ના કહ્યું કે તરત જ તેમના પત્ની પલ્લ્વીબહેન બોલ્યા,“શું ના! તમે ડાયાબીટીસની ગોળીઓ તો લો છો.”

“એટલે તમને ડાયાબીટીસ છે.”

“ના સાહેબ, મને ડાયાબીટીસ નથી.જુઓ રીપોર્ટ તો નોર્મલ છે.”

“તમે એની ગોળીઓ લો છો એટલે ડાયાબીટીસ કંટ્રોલમાં છે. બાકી તમને ડાયાબીટીસ છે એમ કહેવાય.”

“જુઓ રીપોર્ટમાં મારી બ્લડ સ્યુગર પણ નોર્મલ છે. મને ડાયાબીટીસ કેવી રીતે કહેવાય?”

કેમે કર્યા દેવાંગભાઈ એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે એમને ડાયાબીટીસ છે. આખરે મેં એમને કહ્યું, “ જુઓ તમારા પત્ની પંદર દિવસ પિયર જાય તો ત્યારે તમે એકલા છો એમ કહેવાય પણ એટલે તમે કુંવારા છો એમ ના કહેવાય.” આ સાંભળી બંને તરત જ હસી પડ્યાં અને દેવાંગભાઈએ મલકાતાં મલકાતાં સ્વીકારી લીધું કે તેમને ડાયાબીટીસ છે.

એકવાર પ્રકાશભાઈ આવ્યા. મને કહે,“મારે ફોરેન જવાનું છે તો વીમાની પોલિસી માટે કાર્ડિયોગ્રામ કઢાવવો છે. કાઢી આપશો?”

“હા”.

“પણ એક શરત છે.”

“શું?”

“મારો કાર્ડિયોગ્રામ નોર્મલ આવવો જોઈએ.”

મેં કહ્યું, “ જુઓ, હું ફોટોગ્રાફર પાસે ફોટો પડાવવા જાઉં અને કહું કે ભાઈ ફોટો પાડી આપીશ? પણ શરત એટલી કે મારો ફોટો રિતિક રોશન જેવો આવવો જોઈએ.તે કેમ ચાલે? તમારું હાર્ટ જેવું હશે એવો કાર્ડિઓગ્રામ નીકળશે.” પ્રકાશભાઈના પત્નીએ કહ્યું, “સાવ સાચું.” મને થયું ચાલો એમના પત્ની સમજદાર છે. એમને પગમાં દુખાવો હતો એટલે એમને તપાસીને મેં દવા આપી હતી જે એમણે દિવસમાં બેવાર લેવાની હતી. એમણે મને પૂછયું, “ડૉક્ટરસાહેબ,આજે મારે એકાસણું છે તો એક ડૉઝ જમ્યા પહેલાં અને એક ડૉઝ જમીને તરત જ લઈ લઉં તો ચાલે ને?”  મેં કહ્યું, “ જુઓ બહેન, જે કામ જે રીતે થતું હોય એમ જ થાય. સત્યનારાયણની કથામાં રવાનો શીરો જ હોય,તમે રવાનો ઉપમા બનાવો ને તો મહારાજ ભાગી જાય.” આ વખતે ‘સાવ સાચું’ એમ કહેવાનો વારો પ્રકાશભાઈનો હતો. પછી પ્રકાશભાઈના પત્નીએ ફરિયાદ કરી,“ડૉક્ટરસાહેબ, તમે આમને જરા સમજાવો. હાથમાં જે આવે તે કાનમાં નાખે છે.ગઈકાલે તો એ બૉલપેનનું ઢાંકણું લઈને કાન ખોતરતા હતા.” પ્રકાશભાઈએ પોતાનો બચાવ કરતાં કહ્યું,“શું કરું સાહેબ? કાનમાં એટલા સણકા મારે છે અને એટલી ચળ આવે છે કે ખંજવાળ્યા વગર રહેવાતું નથી.પેલી ઈયરબડથી તો કાન ખંજવાળાય ને?” મેં હળવી મજાક કરતાં કહ્યું, “ ચોક્કસ, કાન ખંજવાળાય ને પણ ફક્ત તમારા હાથની કોણીથી.”

“તમે તો ડૉક્ટરસા’બ બહુ મજાકિયા”, કહેતાં કહેતાં બન્ને હસતાં હસતાં મારી કેબિનમાંથી બહાર નીકળ્યાં.

આમ હું મારાં દર્દીઓને દવા સાથે થોડો રમૂજનો ય ડૉઝ આપું કે જેથી તેઓ દવાખાનામાં ભલે દુ:ખી ચહેરે આવ્યા હોય પણ જ્યારે તેઓ મારા દવાખાનાની બહાર જાય ત્યારે તેમના ચહેરા પર સ્મિત ચોક્ક્સ હોય. આ ‘ડૉક્ટરની ડાયરીનાં સીધાં પાનાં’ સીરિયલની પહેલા એપિસોડની સ્ક્રિપ્ટ આશિષભાઈને સુપરત કરીશ. આ એક ‘ટર’ કુટુંબના સભ્યની ગાથા ‘તર’યુક્ત છે કે ટમાટર યોગ્ય એ તો સમય જ કહેશે.