ભારે પગલે વસુધાએ પિયરમાં પગ મૂક્યો . ઘણાં વર્ષ પછી પિયર આવી હતી. મહિના પહેલાં પતિનું નિધન થયું હતું ને લૌકિક રિવાજ મુજબ શોકનો સાલ્લો બદલવા આવી હતી. સમાજના આવા
જડ રિતીરીવાજમાં જરાપણ માનતી ન હતી પણ માની ઇચ્છાને માન આપવા મુનાસિબ માન્યું હતું.
આમ પણ છેલ્લા પાંચેક વર્ષથી પતિની તબિયત નરમગરમ રહેતી હતી તેને મૂકીને ક્યાંય જતી નહીં. દીકરો। તપન ને પુત્રવધૂ શૈલી ઘણો આગ્રહ કરતાં અમે પપ્પાને જોઈ લઈશું, તમે મા પાસે જઈ આવો પણ વસુધાનો જીવ ચાલતો નહીં . હવે તો સુકેતુ રહ્યા જ નથી તો થોડા દિવસ મા પાસે રહું તો તેને પણ સારું લાગશે કરી અમદાવાદ આવી હતી.
પિયર આવતાં જ આડોશપાડોશ ના બૈરા , સગાંવહાલા બધા વારાફરતી મળવા આવી ગયા . હજી શાંતિથી મા પાસે બેસવાનો સમય જ મળ્યો નહતો. વાળું પરવારી શાંતિથી બેસવા વિચાર્યું ત્યાં થયું પહેલાં પથારી પાથરી લઉં પછી જ બેસુ. મા ને ભાભી પણ થાક્યા હશે.
કબાટ ઉઘડતાજ ચાદરોની થપ્પી માં સુંદર ભરતકામ કરેલ કિનારીવાળી સફેદ ચાદર ડોકિયું કરતી કંઈક કહેતી હોય તેમ અનુભવ્યું.
આ એ જ ચાદરનો જોટો હતો જે તેની મા એ પતિ સાથે પિયર આવે ત્યારે પાથરવા વસાવ્યો હતો. ચાલીસ વર્ષ પહેલાં નો ભૂતકાળ આંખ સામે તરવરવા લાગ્યો.
લગ્ન પછી પહેલીવાર પગફેરા માટે આવી હતી ત્યારે રાત્રે પથારી કરતાં , નવો જોટો જોતાં જ પાથરવા ઉપાડ્યો ત્યાં જ મા એ ટોકી એ જોટો તો ખાસ મેં સુકેતુ આવે ત્યારે પાથરવા વસાવ્યો છે. તને લેવા જમાઈ આવશે ત્યારે પાથરીશું.પણ ધંધામાં ગળાબૂડ સુકેતુ શાના આવે? દિયર કેતનને ગાડી લઈ લેવા મોકલી આપ્યા. મા ખૂબ નિરાશ થઈ. ચાદરનો જોટો પથરાયા વગર જ યથાસ્થાને ગોઠવાઈ ગયો. વર્ષ માં એક બે વાર જ્યારે આવતી ત્યારે મા નો હરહંમેશ એક જ સ્વર એ તો જમાઈ આવશે ત્યારે પાથરીશ.
નાના ભાઈ ના લગ્ન લેવાયાં મા ખૂબ ખુશ હતી , હવે તો જમાઈ આવશે , કામમાં પણ મદદ જોઈશેને? પિતાજી નો તેનાં લગ્નના પાંચ વર્ષ બાદ દેહાંત થઈ ગયેલો.
પણ હેમંતના લગ્નની એ તારીખો માં સુકેતુ ને પરદેશ કોન્ફરન્સ માં જવાનું થયું. સુકેતુ નો એક જ સ્વર જવું જ પડે ચાલે જ નહીં . બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ પણ માને તો સુકેતુ શાનાં? કામને જ મહત્વ આપનારાં સુકેતુ ને મન સામાજિક પ્રસંગો ક્યારેય મહત્વના લાગ્યા જ નહીં. મા। પાછી નિરાશ થઈ ગઈ . હવે તો ચાદરના જોટા સાથે નવો જમવાનો સેટ પણ માએ વસાવેલ. પાછા બંને યથાસ્થાનેગોઠવાઈ ગયા.
લગ્ન બાદ હેમંતની વહુ વર્ષા ને પણ ચાદરનો જોટો ખૂબ ગમ્યો હતો . તેણે મા પાસે તેના રુમની સજાવટ માટે માંગ્યો, માની ધરાર। ના! એ તો બેટા આપણે તો સાધારણ , વારંવાર સારી વસ્તુ વસાવી ના શકાય, જમાઈ રહ્યા મોટા માણસ તેમના માટે વસાવ્યો છે. તે। સમયે વસુધા ને ખૂબ જ ખીજ ચડી ને મા સાથે જીભાજોડી થઈ. મા તારા મોંઘેરા જમાઈ ને ક્યારેય તારી લાગણીની કદર નથી , પ્રસંગોપાત્ત ઉભાઉભા આવીને ચાલી જાય છે તો પછી શાને નિર્જીવ વસ્તુ પર। આટલો। લગાવ ?
પણ મા કોનું નામ!! એ જ ધીરજથી કહે હોય બેટા , હમણાં જુવાનીમાં કામ નહીં કરે તો ક્યારે કરશે?
આવા કેટલાંય પ્રસંગો વસુધાની આંખ સામે તરવરી રહ્યા , ત્યાં તો કંઈક વિચારી, સુંદર ચાદરનો
જોટો કબાટમાંથી કાઢ્યો, પાછળ જ આવેલી મા ને ભાભી કંઈક બોલવા જાય એ પહેલાં જ વિચારો ને સંકેલી , સંકેલેલી ચાદરને ખુલ્લી કરી પાથરી જ દીધી , ને સુખેથી પલંગ પર લંબાવ્યું.
મા ને ભાભી સ્તબ્ધ બની તાકી રહ્યા શું બોલે?