‘કેફિયત- અનુપમા દેસાઈની’

રાજુલ કૌશિક

December 13, 2023

-‘ગુજરાતી સાહિત્યના દબદબાભર્યા એક દાયકાનો અંત.’

-‘સાત વાર્તા સંગ્રહ, ત્રણ નવલકથાઓ, ચાર નિબંધ સંગ્રહ, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષ અને વિશ્વગુર્જરી પુરસ્કાર સન્માનિત સુશ્રી. અનુપમા દેસાઈનો ક્ષેત્ર સંન્યાસ.’

-‘સન્માનીય અને સિદ્ધહસ્ત લેખિકા સુશ્રી અનુપમા દેસાઈની નિવૃત્તિ.’

-‘છેલ્લા બે દિવસથી ન્યૂઝ પેપર અને મેગેઝિનમાં પ્રગટ થયેલા આ સમાચારથી અનુપમા દેસાઈના વાચકો. ચાહકો, પબ્લિશર્સ આંચકો અને આઘાત અનુભવી રહ્યા છે.’

અનુપમા દેસાઈ સિદ્ધહસ્ત લેખિકા તરીકે તો પછી જાણીતા થયાં પણ પહેલેથી એ પ્રોફેસર તરીકે વધુ પ્રખ્યાત હતાં.

 

“શા માટે આપ સફળતાની ટોચ પર હતાં અને આવો અચાનક નિર્ણય લીધો?”

 

અનુપમા  દેસાઈના  સ્ટડી  રૂમમાં  એમની  સામે  બેઠેલા  નવોદિત  પત્રકાર  સિતાંશુએ  સીધું  જ  એમની  સામે  તાકતા  પૂછ્યું.

છેલ્લા કેટલાક સમયથી અનુપમા દેસાઈનાં જીવન, એમનાં લેખનકાળને લઈને જીવનકથા લખવાની સિતાંશુની ઇચ્છા આજે બર આવી હતી.

 

અનુપમા  દેસાઈના  સ્ટડી  રૂમમાં  પ્રવેશતાજ  સિતાંશુને  આ  રૂમનો  વૈભવ  સ્પર્શી  ગયો..  સ્ટડી  રૂમનું  બારણું  ખોલતાંજ  સામે  વિશાળ  ટેબલની  પાછળ  ખુલ્લી  બારીમાંથી  દેખાતા  નાનકડા  બગીચાની  લીલોતરી  આંખને  ઠંડક  આપી  ગઈ.  વિશાળ  રૂમની  મધ્યમાં  મૂકેલા  ટેબલની  એક  તરફ  મૂકેલી  રિવોલ્વિંગ  ચેર  પર  બેઠેલાં  અનુપમા  દેસાઈ પં ચાવન  વર્ષે  પણ  તાજગી  ભર્યા  લાગ્યાં.  આમ પણ યુવા પેઢી સાથે કામ કરીએ તો બુઢાપો દૂર જ રહે એવું હળવાશથી કહેતાં અનુપમા દેસાઈની વાતમાં તથ્ય લાગ્યું.

બીજી બાજુ મુલાકાતી માટેની ચેર પર ગોઠવાતા સિતાંશુએ એક નજરે અનુપમા દેસાઈના જ્ઞાનનો વૈભવ માપી લીધો. બારી અને મુખ્ય પ્રવેશ સિવાયની બંને દિવાલના શોકેસ અનેક સુપ્રસિદ્ધ લેખકોની સાથે અનુપમા દેસાઈના પ્રગટ થયેલા પુસ્તકો અને પારિતોષથી છલોછલ હતાં.

 

ટૂંકી ને ટચ વાત કરવાવાળાં અનુપમા દેસાઈએ સિતાંશુને એક નજરે માપીને એના સીધા સવાલની સામે જવાબ આપવાનું ટાળીને સવાલ કર્યો.

 

“મારી જીવનયાત્રા વિશે લખીને શું કરશો સિતાંશુ અને કેમ લખવી છે? મારા પહેલાંય કેટલાય લેખકો, લેખિકા આવ્યાં. ઘણું સાહિત્ય સર્જન કર્યું. મેં એમાં થોડો ઘણો ઉમેરો કર્યો છે, બસ.”

 

“સાચી વાત છે મૅમ, પણ અમારી વર્તમાન પેઢીના વાચકો આપને વધુ ઓળખે છે. આ પહેલાં આપે કીધું એમ અનેક લેખકો, સર્જકો આવ્યા પણ આમ અચાનક નિવૃત્તિ લેવાની વાત અમારી પેઢી માટે સૌ પ્રથમ ઘટના છે. ઘણું માતબર લેખન કર્યું છે આપે. આપના લેખનથી પ્રેરાઈને એક આખી નવી પેઢી તૈયાર થઈ રહી છે, વળી સાહિત્ય સર્જક તરીકે જ નહીં, અધ્યાપિકા તરીકે પણ નિવૃત્ત થવાની વાત અનપેક્ષિત છે. માત્ર લેખકો જ નહીં આપની પાસે ભણી રહેલા વિદ્યાર્થીઓની પણ આપની પાસે વધુ અપેક્ષા હતી, છે અને રહેશે.” સિતાંશુના અવાજમાં ઠાલી પ્રસંશા કરતાં આદરભાવ વધુ હતો.

 

સિતાંશુની વાત સાચી હતી. કૉલેજમાં જ્યારે ગુજરાતીનો વર્ગ અનુપમા દેસાઈ લેતાં ત્યારે એ ક્લાસ ચૂકવાનો વિચાર સુદ્ધાં ભાગ્યેજ કોઈ વિદ્યાર્થીના મનમાં આવતો. અનુપમા દેસાઈના સાહિત્ય સર્જને એક નવો ચીલો ચાતર્યો હતો એમ એ કહે તો એ અતિશયોક્તિ નહોતી.

 

માનવ મનનાં અનેક પાસા એમની વાર્તાઓમાં ઉજાગર થતાં. સંબંધોની નવી કેડીઓ એમની વાર્તાઓમાં કંડારાતી. નવલકથાઓમાં એવું ભાવવિશ્વ સર્જાતું કે વાચકોના પ્રતિસાદને લઈને સાવ અલ્પ સમયમાં એમની કૃતિઓની એક, બે નહીં ચાર ચાર આવૃત્તિઓ બહાર પડતી.

 

“મેં કશું જ લખ્યું નથી. મારું લેખન, મને જે કંઈ આદર સન્માન મળ્યાં છે એ ઈશ્વરકૃપા છે સિતાંશુ. મને જે મળ્યું એ મારું ભાગ્ય હતું.”

 

“ચાલો માની લઈએ આપની વાત પણ, ઈશ્વરકૃપા દરેક પર ક્યાં હોય છે? સફળતાના સોપાન ક્યાં સૌ સર કરી શકે છે? મા સરસ્વતીની કૃપા પણ એને યોગ્ય પાત્ર પર જ થતી હોય છે. આવી નમ્રતા તમારાં મનની ઊંડાઈ અને વિચારોની ઊંચાઈની ઓળખ છે.”

 

“સિતાંશુ, હવે આ બધી વાતો પણ મને સાચે જ સ્પર્શતી નથી. કદાચ ઘણાં લાંબા સમયથી આ બધી વાતથી હું પર થતી જાઉં છું. જો જો વળી પાછા તમે એને મારી નમ્રતા, ઊંડાઈ કે ઊંચાઈના ત્રાજવે ન તોળતા. અને સાચે જ જો તમે મારું જીવનચરિત્ર લખવાનું વિચારતા હો તો એ સૌ પ્રથમ તો મારે કેટલીક કબૂલાત કરવી જોઈએ એવું મને લાગે છે. મારી વાત સાંભળ્યાં પછી તમારો જે નિર્ણય હશે એ મને મંજૂર છે.”

 

“કબૂલાત?”

 

“યસ સિતાંશુ. આજ સુધી તમે સૌએ મને જે સિદ્ધિ, સફળતાનો તાજ પહેરાવ્યો છે એ તાજનો હવે બોજ  લાગવા માંડ્યો છે. સાચી વાત કહું તો એ તાજ કાંટાળો બનીને મારા આત્માને લોહીલુહાણ કરી રહ્યો છે. આજે તમે એ બોજ ઉતારવાના નિમિત્ત બનશો તો મારા મનને શાંતિ થશે. બાકીનું જીવન હું ભારમુક્ત થયાની મોકળાશ અનુભવીશ.” કહીને અનુપમા દેસાઈએ ટેબલ પર મૂકેલા ગ્લાસમાંથી પાણીનો ઘૂંટ ભરી ગળાની ખરાશ ઓછી કરવા પ્રયાસ કર્યો. સાથે મનમાં વિચાર ઝબક્યો કે ગળામાં બાઝેલી ખરાશ તો પાણીના ઘૂંટથી કદાચેય ઓછી થાય પણ મન પર, આત્મા પર બાઝેલી ખરાશનું શું?

સિતાંશુને અનુપમાની વાત સાંભળ્યા શું પ્રતિભાવ આપવો, કે પછી પ્રતિભાવ આપવો કે કેમ એની સૂઝ ન પડતાં ચુપકીદી સાધી. એને સાચે જ સમજણ નહોતી પડતી કે અનુપમા દેસાઈ શું કહી રહ્યાં છે કે શું કહેવા માંગે છે.

 

“સિતાંશુ, આ જે જાહોજલાલી તમે જોઈ રહ્યા છો એ મારી પોતાની નહીં, ઉછીની છે. શરૂઆતમાં પબ્લિશ થયેલા નિબંધ સંગ્રહને છોડીને આજ સુધી મારી નવલકથાઓ અને વાર્તા સંગ્રહમાં હંમેશાં ઈશ્વરનો ઋણસ્વીકાર કર્યો છે અને અર્પણ પણ ઈશ્વરને જ કરી છે એ જોયું હશે. 

 

“સૌ માનતાં રહ્યાં કે ઈશ્વર એટલે કે ઉપરવાળો. આજે એ ઉપરવાળાનો ઋણસ્વીકાર કરવો છે.

 

“આજથી દસ વર્ષ પહેલાં કૉલેજના પ્રથમ વર્ગમાં એક છોકરો આવ્યો. સીધો, સાદો, સરળ એવો એ છોકરો નાના કોઈ ગામનો હતો. આંખમાં અનોખી ચમક, ચહેરા પર ભોળપણ, અવાજમાં આદર. ભણવા પ્રત્યે એને ભારે પ્રીતિ. એની વાતોમાં જીજ્ઞાસા રહેતી. કશુંક કરવાની, કશુંક મેળવવાની અદમ્ય ઇચ્છા રહેતી. પચ્ચીસ વર્ષના મારા કાર્યકાળમાં આજ સુધી આવો ઉત્સાહી છોકરો મેં આજ સુધી જોયો નથી.

 

“કૉલેજના વાર્ષિક અંક માટે એણે એક વાર્તા લખી. ક્લાસ પૂરો થતાં એણે મને એ વાર્તા વંચાવી.”

 

“બે’ન કેવી લાગી?” કહીને ઊભો રહી ગયો. મૅમ કે ટીચર કહેવાનું ગામડાના એ છોકરાને અનુકૂળ નહીં આવ્યું હોય. ખરેખર સરસ કોઈ સિદ્ધહસ્ત લેખક લખે એવી સરસ એની વાર્તા હતી. વાર્ષિક અંકમાં એ છપાઈ અને ત્યારથી એ  સતત વાર્તાઓ લખતો રહ્યો. મને વંચાવતો રહ્યો.

 

“બે’ન, કેવી લાગી, સારી છે, ગમી તમને? કહીને ઊભો રહી જતો.

“કૉલેજના મેગેઝિન સિવાય કોઈ અખબાર કે મેગેઝિનમાં પ્રકાશિત થાય એવી એની પરમ ઇચ્છા. પણ આવા નવા નિશાળીયાનું ગજુ કોઈ અખબાર સુધી પહોંચવાનું ક્યાં હતું?

 

“રજાઓમાં પણ એ મારા ઘેર આવતો. વાર્તાઓ વંચાવતો. એની વાર્તાઓ મારી પાસે મૂકીને જતો. કદાચ એનો આ અમૂલ્ય અસબાબ સાચવવા એની ઓરડી ખૂબ નાની હતી એટલે અથવા કદાચ આ વાર્તાઓ મારી વગથી અખબાર કે મેગેઝિન સુધી પહોંચાડવામાં મદદ કરીશ એવી અપેક્ષાય હશે એના મનમાં.  જો કે ક્યારેય એણે ખૂલીને એવી વાત કરી નહોતી પણ રહી રહીને મને એ સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

 

“ઉનાળાના વેકેશનમાં ગામ જતાં પહેલાં મને મળવા આવ્યો.

 

“બા-બાપુને મળવા જઉં છું. ત્યાંથી ઘણી વાર્તાઓ લેતો આવીશ. બે’ન, સાચું કહોને કેવી લાગે છે મારી વાર્તાઓ? એને કોઈ અખબાર કે મેગેઝિનમાં છપાવી આપશો? અને બે’ન, મારા નામથી કોઈ લે કે ના લે પણ તમારા નામથી તો લેશે ને? એવું કરોને એક વાર તમારા નામથી આપો ને.”

 

“પહેલી વાર એણે મન ખોલીની વાત કરી. ગામથી પાછો આવે ત્યારે હું એને ચોક્કસ મદદ કરીશ એવા વિશ્વાસ સાથે એ ગયો અને કૉલેજ ખૂલ્યા પછીય એ પાછો ન આવ્યો. ક્યાં રહેતો હતો એનીય ખબર નહોતી પણ કૉલેજમાં રજીસ્ટર થયેલા નામ પરથી એનાં સરનામા પર તપાસ કરી ત્યારે ખબર પડી કે અહીંથી ગામ જવા નીકળેલો એ ગામ સુધી પહોંચ્યો જ નહોતો. રસ્તામાં બસ અકસ્માતમાં એ તત્કાળ મૃત્યુ પામ્યો હતો.

 

“હું કૉલેજ કૉર્સમાં આવતી નવલકથાઓ ભણાવતી ત્યારે નવલકથા તો દૂર ક્યારેય વાર્તાઓ લખવી છે એવો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. હા, નિબંધ લખ્યા છે. એ નિબંધસંગ્રહ પણ પ્રકાશિત થયા છે, પણ વાર્તા લખવી એવો ન તો વિચાર આવ્યો હતો કે નહોતો પ્રયાસ કર્યો.

 

“એ પછી આજ સુધી મારી પાસે સચવાયેલા એના અસબાબમાંથી નાની વાર્તાઓ હું મારા નામથી અખબારમાં આપતી રહી. એણે જ કીધું હતું ને કે એના નામથી કોઈ લે કે ના લે, મારા નામથી છપાવવી? એની જ વાર્તાઓના પ્લોટ પરથી નવલકથાઓ લખી. નામ, દામ, ઈનામ-અકરામ મળતાં રહ્યાં, સ્વીકારતી રહી.  નામ મારા સુધી રાખ્યું. ઈનામ-અકરામમાં મળતાં દામ ગામમાં એના પરિવારને પહોંચાડતી રહી. જો કે એમ કરવાથી એમના મનમાં અદકેરું સન્માન મળ્યું.

 

“બે’ન કેટલાં ભલા છે કે ઈશ્વરના ગયા પછીય અમારું ધ્યાન રાખે છે, કહીને મને પૂજવાનું જ બાકી રાખ્યું.

 

“સિતાંશુ, આજ સુધી વાર્તા સંગ્રહો કે નવલકથાઓ જે ઈશ્વરને અર્પણ કરી એ આ ઈશ્વર. નાનાં ગામનો અબૂધ, ભોળીયો ઈશ્વર. નાની ઉંમર અને અલ્પ સમયમાં એ ઘણું લખીને ગયો. કોણ કહે છે લખવા માટે લાંબી ઉંમર જોઈએ? અલ્પાયુ કલાપી કે રાવજી પટેલ યાદ છે ને?

 

“સાચું કહું છું સિતાંશુ, આજે પણ કોઈ વાર્તા ક્યાંક છપાય છે ત્યારે જાણે મારી સામે આવીને ઊભો રહે છે એટલું જ નહીં જાગતાં ઊંઘતાં એનો એ ભોળો ચહેરો સતત નજર સામે આવે છે. અને પૂછે છે, ‘‘બે’ન, કેવી લાગી, સારી હતી’ને, તમને ગમી ને’’?

 

“આજ સુધી મનને મનાવતી રહી કે ઈશ્વરની ઇચ્છા હતી એ મુજબ એની વાર્તાઓ હું મારા નામે મૂકું છું. એની ઇચ્છાના મધપૂડાને સાચવું છું, એવું આશ્વાસન જાતને આપતી રહી. આજે તમે એ મધપૂડા પર હળવેથી કોઈ અપેક્ષાની કાંકરી ફેંકી છે. આજ સુધી મારાં ભીતરનાં બારણાં ચસોચસ ભીડીને બેઠી’તી સિતાંશુ. આજે ટકોરા મારી એ બારણાં ખોલાવ્યાં છે. મારાં ભીતરના અજંપાને બહાર આવવાનો માર્ગ ખોલી આપ્યો છે.

“આમ પણ થોડા સમયથી જાત માટે ધૃણાની એક ઝીણી ફાંસ મારા મનને ચૂભવા માંડી હતી. જેમાંથી ઝમતું લોહી કોઈને નહોતું દેખાતું પણ ટીપે ટીપે હું નિચોવાતી રહી છું.

 

“આ બોજમાંથી મુકત કરવાનું તમે નિમિત્ત બન્યા છો, સિતાંશું. કયા શબ્દોમાં તમારો આભાર માનું? ખરો આભાર તો જ્યારે તમે મારી ‘કેફિયત’ શબ્દસહ વાચકો સમક્ષ મૂકશો ત્યારે માનીશ.”

 

કહીને અનુપમા દેસાઈએ ઊભા થઈને જમણી બાજુના શોકેસમાંથી એક ફાઈલ કાઢીને સિતાંશુને આપી.

 

“સિતાંશુ, આ રહી એની સમૃદ્ધિ જેને મારી ગણીને તમે મને સન્માનિત કરતા રહ્યા. આ આખી ફાઇલમાં સાચવેલી વાર્તાઓ એ ઈશ્વરની છે, મારા ચારિત્રદોષનો પૂરાવો. લઈ જશો ને આ નક્કર પૂરાવાને?

 

“અને હા, આટલી વાત સાંભળ્યા પછી તમે મારું ચરિત્રનિરૂપણ કરવાનો નિર્ણય બદલશો સિતાંશુ, તો મને જરાય નવાઈ નહીં લાગે. છતાં આલેખનનો વિચાર હોય તો પ્રસ્તાવના મને લખવા દેશો? આજ સુધી જેનું હતું એને જ અર્પણ કરતી આવી છું. સાચું તર્પણ ક્યારે કરીશ એની ખબર નથી, પણ આજે જાહેરમાં એ ઈશ્વરનો ઋણસ્વીકાર કરવો છે.

 

“આજ સુધી એનું હતું એ મારા નામે કર્યું. આજ પછી મારું છે એ બધું એના નામે કરવું છે. એટલો મોકો મને આપશો ને?”

 

ટૂંકી ને ટચ વાત કરવાવાળાં અનુપમા દેસાઈની વિસ્તૃત અને અકલ્પનીય કેફિયત હવે સિતાંશુ માટે બોજ બની. સમજાતું નહોતું સિતાંશુને કે ‘કેફિયત’નો બોજ વધુ છે કે આ સામે દેખાતી ફાઇલનો!

 

વાર્તાલેખનઃ રાજુલ કૌશિક